Get The App

શું હોય છે ‘નઝૂલ ભૂમિ’ અને તે કોની પાસેથી છીનવાઈ હતી, જેના કારણે ઉત્તરાખંડમાં હિંસા ભડકી છે?

ઉત્તરાખંડના હલદ્વાનીમાં થયેલી હિંસા બાદ ‘નઝૂલ ભૂમિ’ની ચર્ચાઓ વધી

ભારત આઝાદ થયા બાદ ‘નઝૂલ ભૂમિ’નો કાયદો અમલમાં લવાયો

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
શું હોય છે ‘નઝૂલ ભૂમિ’ અને તે કોની પાસેથી છીનવાઈ હતી, જેના કારણે ઉત્તરાખંડમાં હિંસા ભડકી છે? 1 - image

What Is Nazool Land Act : ઉત્તરાખંડના હલદ્વાની જિલ્લામાં આઠ ફેબ્રુઆરીએ ભડકેલી હિંસા (Violence in Haldwani, Uttarakhand)માં 5 લોકોના મોત અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. વાસ્તવમાં જિલ્લા વહિવટીતંત્ર ‘નઝૂલ ભૂમિ’ પર બનાવાયેલ કથિત ગેરકાયદે મસ્જિદ અને મદરેસા ધ્વસ્ત કરવા પહોંચી હતી, જેના કારણે લોકોએ આક્રોશમાં આવી હિંસા શરૂ કરી દીધી હતી. હલદ્વાનીમાં થયેલી હિંસાના કારણે પહાડી વિસ્તારો અને અન્ય જિલ્લાઓમાં પણ તણાવ જેવી સ્થિતિ હોવાથી પોલીસ એલર્ટ પર છે. હિંસા વચ્ચે ‘નઝૂલ ભૂમિ’ અંગે ચર્ચાઓ થઈ રહી છે કે, આખરે ‘નઝૂલ ભૂમિ’ શું છે? આવી જમીન પર કોનો માલીકી હક લાગુ થાય છે? નઝૂલ જમીનનો ઉપયોગ કોણ કરી શકે છે? અને જે જમીન પર તોડફોડની કાર્યવાહી કરાઈ, શું તે નઝૂલ જમીન હતી. તો જાણીએ આ પ્રશ્નોનો જવાબ...

‘નઝૂલ ભૂમિ’ એટલે શું?

દેશના ઘણા શહેરો અને નગરોમાં ‘આ નઝૂલની જમીન છે’ તેવા સાઈન બોર્ડ લાગેલા તમે જોયા હશે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રજવાડાઓ હતા. કેટલાકે બ્રિટિશ શાસનનું સમર્થન કર્યું, તો કેટલાકે તેમની સામે બળવો કર્યો. બ્રિટિશ સેના અને બળવાખોર રજવાડાઓ વચ્ચે ઘણી લડાઈઓ થઈ. અંગ્રેજીની નીતી એવી હતી કે, તેઓ કેટલીકવાર હારેલા રાજા અથવા બળવાખોરની જમીન છીનવી લેતા હતા.

સરકારે ‘નઝૂલ ભૂમિ’ નામ કેમ આપ્યું ?

1947માં ભારત આઝાદ થયા બાદ અંગ્રેજોએ આવી જમીનો ખાલી કરવી પડી હતી. ત્યારબાદ જેમની જમીન છિનવાઈ ગઈ હતી, તેમની પાસે માલિકી હક સાબિત કરવાના યોગ્ય દસ્તાવેજો ન હતા, જેના કારણે સરકારે આવી જમીનોને ‘નઝૂલ ભૂમિ’ નામ આપ્યું. તે સમયે દેશભરમાં અંગ્રેજો સામે બળવો કરવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહેતી હતી અને અંગ્રેજો બળવાખોરોની જમીનો કબજે કરી લેતા હતા. આ જ કારણે દેશના ઘણા શહેરોમાં નઝૂલ જમીનો જોવા મળે છે.

‘નઝૂલ ભૂમિ’નો માલિક કોણ હોય છે?

સંબંધીત રાજ્ય સરકારો પાસે ‘નઝૂલ ભૂમિ’ની માલિકી હોય છે, પરંતુ તેને રાજ્ય સરકારની સંપત્તિ તરીકે ચિહ્નિત કરાતી નથી. રાજ્ય સરકાર સામાન્ય રીતે આવી જમીન કોઈને નિશ્ચિત સમયગાળા માટે લીઝ પર આપે છે, જેનો સમયગાળો 15 થી 99 વર્ષ વચ્ચેનો હોઈ શકે છે. જો લીઝનો સમયગાળો સમાપ્ત થાય તો કોઈપણ વ્યક્તિ સ્થાનિક વહીવટીતંત્રના મહેસૂલ વિભાગને લેખિત અરજી લખી લીઝ રિન્યુ કરવાની વિનંતી કરી શકે છે. મહત્વની વાત એ છે કે, રાજ્ય સરકાર પાસે નજૂલ ભૂમિ પરત લેવાનો અથવા લીઝ રિન્યુ કરવાનો અથવા લીઝને રદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. ભારતના લગભગ તમામ મુખ્ય શહેરોમાં ઘણી સંસ્થાઓને નઝૂલ ભૂમિ ફાળવવામાં આવી છે.

‘નઝૂલ ભૂમિ’ અંગેનો કાયદો શું કહે છે?

વિવિધ રાજ્યોમાં નઝૂલ ભૂમિ અંગેના નિયમો અને કાયદા (Nazool Land Law) જુદા જુદા હોય છે. દેશમાં નઝૂલ ભૂમિ (ટ્રાન્સફર) નિયમ-1956 કાયદો પણ અમલમાં છે. મોટાભાગે નજૂલ ભૂમિના નિર્ણયમાં આ કાયદાનો ઉલ્લેખ થાય છે. સરકાર આવી જમીનોનો ઉપયોગ મોટાભાગે જાહેર ઉદ્દેશ્ય, જેમ કે સ્કુલો, હોસ્પિટલો, ગ્રામપંચાયત ભવનો વગેરેના નિર્માણ માટે કરે છે. દેશના ઘણા શહેરોમાં નઝુલ ભૂમિ તરીકે ચિહ્નિત જમીનનો મોટો હિસ્સાનો ઉપયોગ કેટલીક બાબતોમાં લીઝ પરની હાઉસિંગ સોસાયટીઓ માટે વપરાય છે.

શું હલદ્વાનીની જમીન નઝૂલ હતી ?

હલદ્વાની જિલ્લા વહિવટી તંત્રના જણાવ્યા મુજબ જે જમીન પર મસ્જિદ અને મદરેસા બનેલું છે, તે મ્યુનિસિપલ કાઉન્સિલમાં નજૂલ ભૂમિ તરીકે રજીસ્ટર્ડ થયેલ છે. તંત્રનું કહેવું છે કે, અમે ટ્રાફિક જામની સમસ્યા નિવારણ અભિયાન હેઠળ ગેરકાયદે સંપત્તિઓ તોડી રહ્યા છીએ. આ મામલે મસ્જિદ અને મદરેસાના સંચાલકોને 30 જાન્યુઆરીએ નોટિસ આપી જમીન માલિકીના દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવા અથવા ત્રણ દિવસમાં ગેરકાયદે દબામ હટાવવા કહ્યું હતું.


Google NewsGoogle News