ભાજપના સાંસદ પર આશ્રમમાં ઘૂસીને સાધુ સાથે મારપીટ કરવાનો આરોપ, બંગાળમાં તણાવ
BJP MP Assaulting Mahatma In Ashram: પશ્ચિમ બંગાળના કૂચ બિહારના એક આશ્રમમાં ભાજપના રાજ્યસભા સાંસદ અનંત મહારાજે એક સાધુ સાથે મારપીટ કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઘટના બાદ સીતાઈ વિસ્તારમાં તંગદિલી સર્જાઈ છે. ગ્રામજનો રોષ વ્યક્ત કરતાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
અનંત મહારાજ દશેરાના દિવસે સાંજે સીતાઈમાં સ્થિત રામકૃષ્ણ વિવેકાનંદ સેવા આશ્રમમાં ગયા હતા. જ્યાં ધાર્મિક ચર્ચાઓ દરમિયાન આશ્રમના સાધુ વિજ્ઞાનાનંદ તીર્થ મહારાજ સાથે વિવાદ થયો હતો. જેમાં વિવાદ વધતાં અનંત મહારાજે સાધુને ધક્કો મારી માર માર્યો હતો. આ ઘટનામાં મહારાજ સાથે આવેલા તેમના સહયોગી પણ સામેલ હતા.
આ પણ વાંચોઃ આજ રાતથી મુંબઈ સાથે જોડાયેલા 5 રોડ ટોલ ફ્રી થઈ જશે' શિંદે સરકારનો વધુ એક મોટો નિર્ણય
ગ્રામજનોમાં આક્રોશ
આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં તેઓ રોષે ભરાયા હતા. સિતાઈ-માથાભાંગા હાઇવે પર આવી ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતાં અનંત મહારાજ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો. રસ્તા પર ટાયરો પણ સળગાવ્યા હતા. સિતાઈ પોલીસે દેખાવકારો સાથે વાતચીત કરી મામલો થાળે પાડ્યો હતો.
રાજકારણમાં સામેલ કેટલાય નેતાઓ અને કાર્યકરો ઘણીવખત પોતાના પદ અને પ્રતિષ્ઠાનો દુરપયોગ કરતાં જોવા મળતાં હોય છે. ટીએમસી નેતા અને ઉત્તર બંગાળ વિકાસ મંત્રી ઉદયન ગુહાએ ઘટનાની આકરી નિંદા કરી પોલીસને કાર્યવાહી કરવા અપીલ કરી છે.
ભાજપ સાંસદે શું કહ્યું
સાધુ સાથે મારપીટના આરોપો પર ભાજપ સાંસદ અનંત મહારાજે કહ્યું કે, મારપીટની કોઈ ઘટના બની જ નથી. આશ્રમમાં મને મારું નામ, ઓળખ અને શૈક્ષણિક યોગ્યતા પૂછવામાં આવી હતી, જેથી મને ગુસ્સો આવી જતાં જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. સાધુએ અમુક સ્થાનિક ગ્રામીણોને ગેરમાર્ગે દોર્યા છે. જેના લીધે આ દેખાવો થઈ રહ્યા છે.