Get The App

બિહારના નવાદામાં જમીન વિવાદમાં ગામમાં દલિતોના 80 ઘર ફૂંકી મરાયા

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
બિહારના નવાદામાં જમીન વિવાદમાં ગામમાં દલિતોના 80 ઘર ફૂંકી મરાયા 1 - image


- દલિતોના કબજામાંની જમીન માટે મારપીટ થઈ, ગોળીબાર કરાયાનો દાવો

- નનૌરા ગામમાં જાનહાની ટળી, પોલીસ ફોર્સ તૈનાત, 15ની ધરપકડ, મુખ્યમંત્રી નીતિશ કુમારે ઘટનાની ટીકા કરી

નવાદા : બિહારના નવાદા જિલ્લામાં જમીન વિવાદ મુદ્દે કેટલાક તત્વોએ દલિત વસતીમાં આગ લગાવી દેતાં ૮૦ ઘર ફૂંકી માર્યા હતા. જોકે, પોલીસનું કહેવું છે કે ૩૪ ઘરને જ આગ લગાવાઈ છે અને આ ઘટનામાં રાહતની બાબત એ છે કે કોઈ જાનહાની નથી થઈ. પોલીસે આ ઘટનામાં ૧૫થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ ઘટનાની આકરી ટીકા કરી હતી.

નવાદા જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન હેઠળ નનૌરા નજીક સ્થિત કૃષ્ણા નગર દલિત વસતીમાં બે પક્ષો વચ્ચે જમીન વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદમાં એક પક્ષે બુધવારે સાંજે દલિત પરિવારો સાથે મારપીટ કરી હતી અને પછી હવામાં ગોળીબાર કર્યા પછી તેમના ઘરોને આગ લગાવી દીધી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ગામમાં જમીનના એક ભાગ પર હાલ દલિત પરિવારોનો કબજો છે. આ જમીન પર કબજા અંગે બીજા પક્ષ સાથે વિવાદ ચાલી રહ્યો છે. આ બાબતે વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. પીડિત પરિવારોનો આરોપ છે કે બુધવારે સાંજે અચાનક કેટલાક લોકોએ અમારા પર હુમલો કરી દીધો હતો. અમને માર્યા પછી તેમણે અમારા ઘરોને આગ લગાવી દીધી હતી.

એસપી અભિનવ ધીમાને કહ્યું કે, અમને સૂચના મળી હતી કે કેટલાક વ્યક્તિઓ દ્વારા ઘરો સળગાવાઈ રહ્યા છે. શરૂઆતમાં ૪૦-૫૦ ઘર સળગાવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ અમારા સરવે મુજબ ૩૭ ઘરોને સળગાવાયા છે. અંદાજે ૨૧ ઘરોના પરિવારને અમે ઓળખી કાઢ્યા છે. આ ઘટનામાં હજુ વધુ વિગતવાર સરવે કરવામાં આવશે, પરંતુ અત્યારે જે સરવે કરાયો છે તે મુજબ ૩૭ ઘર સળગાવાયા છે. પોલીસે એસસી અને એસટી એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ  કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસ સુપરીન્ટેન્ડેન્ટે અહીં હવામાં ગોળીબારની ઘટનાનો ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, હવામાં ગોળીબારનો જે દાવો કરાય છે તેમાં અમને હજુ સુધી કશું મળ્યું નથી. આ ઘટનાના પગલે ગામમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી પોલીસ ફોર્સ તૈનાત રખાશે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે આ ઘટનાની આકરી ટીકા કરી છે. તેમણે અધિક ડીજીપી (કાયદો અને વ્યવસ્થા)ને ઘટના સ્થળની મુલાકાત લેવા અને તપાસ પર નજર રાખવા આદેશ આપ્યો છે. નીતિશ કુમારે પોલીસને આ કેસના બધા જ શકમંદોની શક્ય તેટલી ઝડપથી ધરપકડ કરવા જણાવ્યું હતું.


Google NewsGoogle News