બંગાળમાં બળાત્કારીને ફાંસીની સજા આજે વિધાનસભામાં બિલ રજૂ થશે

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
બંગાળમાં બળાત્કારીને ફાંસીની સજા આજે વિધાનસભામાં બિલ રજૂ થશે 1 - image


- ડોક્ટર પર રેપ-હત્યાની ઘટના બાદનો રોષ ઠારવા મમતા સરકારનો પ્રયાસ

- મહિલાઓ-બાળકોની સુરક્ષાના કાયદાઓમાં સુધારા કરી વધુ આકરી સજાની જોગવાઇ ઉમેરવામાં આવશે

કોલકાતા : કોલકાતામાં આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ બાદ હત્યાની ઘટનાને કારણે ઘેરાયેલી પશ્ચિમ બંગાળની સરકારે બળાત્કારીને ફાંસીની સજા આપવા માટે કાયદામાં સુધારાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટને મંગળવારે બંગાળની વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન રજુ કરવામાં આવશે. ડ્રાફ્ટ બિલ મુજબ જો કોઇ દોષી બળાત્કારીની કરતુતોને કારણે પીડિતાનુ મોત થાય તો તેવા મામલામાં અપરાધીને ફાંસીની સજા આપવામાં આવશે. 

રિપોર્ટ અનુસાર બળાત્કાર કે સામુહિક બળાત્કારના દોષી લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવશે. આ ડ્રાફ્ટ બિલને અપરાજિતા મહિલા તેમજ બાળ બિલ ૨૦૨૪ નામ આપવામાં આવ્યું છે. આ નવા કાયદાનો ઉદ્દેશ્ય બળાત્કાર અટકાવવા માટેના વર્તમાન કાયદામાં સુધારા કરવા તેમજ મહિલાઓ પર અત્યાચારોને લઇને નવા નિયમો જોડીને સારી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવાનો હોવાનો દાવો સરકારે કર્યો છે. આ ડ્રાફ્ટ બિલમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ અને બાળ સંરક્ષણ કાયદા ૨૦૧૨માં સંશોધન કરવાનો પ્રસ્તાવ તૈયાર કરાયો છે. આ ઉપરાંત દોષિયોંને આપવામાં આવતી સજાને વધુ આકરી કરવાનો છે. 

ડ્રાફ્ટ બિલના ઉદ્દેશ્ય વિશે જણાવવામાં આવ્યું છે કે તેનો ઉદ્દેશ્ય રાજ્યમાં મહિલાઓ અને બાળકો માટે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવાનો છે. ગત મહિને કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર પર રેપ કરાયા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. જેની તપાસ સીબીઆઇ કરી રહી છે. આ કેસને કારણે દેશભરમાં ફરી મહિલા સુરક્ષાની ચર્ચાએ જોર પકડયું છે. વિપક્ષ દ્વારા બંગાળમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. વિરોધની આગને ઠારવા માટે બંગાળ સરકાર આ બિલ લઇને આવી રહી છે. જેને મંગળવારે વિધાનસભામાં રજુ કરવામાં આવી શકે છે. અગાઉ મમતાએ ચીમકી આપી હતી કે જો આ બિલને રાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં નહીં આવે તો અમે રાજ ભવનની સામે ધરણા પ્રદર્શન કરીશું.


Google NewsGoogle News