ઉ.પ્રદેશના બરેલીમાં હજારોનું ટોળું રસ્તા પર, શાહમતગંજમાં પથ્થરમારો થયો
- મૌલાના તૌકીર રઝાના 'જેલ ભરો'ના એલાન બાદ બરેલીમાં ભારેલો અગ્નિ
- મૌલાના તૌકીર રઝાના ઉશ્કેરણીજનક ભાષણ પછી તણાવપૂર્ણ સ્થિતિ : સરકારે 1400થી વધુ પોલીસ જવાનો તૈનાત કર્યા
- તૌકીર રઝાની અટકાયત, તોફાની તત્વો સામે એફઆઈઆર નોંધવાની પોલીસની ચેતવણી
બરેલી : ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગેરકાયદે મદરેસા, મસ્જિદ તોડતા થયેલી હિંસા હજુ માંડ શાંત થઈ છે ત્યાં ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારની નમાઝ પછી ઈત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલના પ્રમુખ મૌલાના તૌકીર રઝાએ હલ્દવાનીમાં હિંસા અને જ્ઞાાનવાપી મુદ્દે 'જેલ ભરો'નું એલાન કરતાં હજારો મુસ્લિમોનું ટોળું રસ્તા પર ઉતર્યું હતું અને શાહમતગંજમાં પથ્થરમારો થયો હતો. પોલીસે તૌકીર રઝાની અટકાયત કરી હતી. વધુમાં સ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. હાલ રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.
જ્ઞાાનવાપી કેસમાં કોર્ટના ચૂકાદાના વિરોધમાં મૌલાના તૌકીર રઝાએ ૯ ફેબુ્રઆરીએ સમર્થકોને જેલ ભરો આંદોલન કરવાનું એલાન કર્યું હતું. અયોધ્યામાં રામ મંદિર બન્યા પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, મુસ્લિમોએ વારાણસીમાં જ્ઞાાનવાપી મસ્જિદ અને મથુરામાં ઈદગાહ મસ્જિદ પર તેમનો દાવો છોડી દેવો જોઈએ. તેમના આ નિવેદનના વિરોધમાં તૌકીર રઝાએ આ એલાન કર્યું હતું.
આઈએમસી પ્રમુખ તૌકીર રઝાના એલાનના પગલે બરેલીમાં હજારો મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તૌકીર રઝાએ કહ્યું કે, 'તમે અમારા ઘર પર બુલડોઝર ચલાવી દેશો તો શું અમે ચૂપ રહીશું? હવે કોઈ બુલડોઝરને સાંખી નહીં લેવાય. સુપ્રીમ કોર્ટ આ બાબતને ધ્યાનમાં નહીં લે તો અમે પોતાની સુરક્ષા જાતે જ કરીશું. અમને કાયદાએ અધિકાર આપ્યો છે કે અમારા પર કોઈ હુમલો કરે તો અમે તેને મારી નાંખીએ.' તૌકીર રઝાએ આ સમયે પીએમ મોદી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પર પણ વાંધાજનક ટીપ્પણી કરી હતી.
તૌકીર રઝાની અટકાયતથી તેમના સમર્થકો ભડકી ઊઠયા હતા અને તેમણે બેરીકેડ તોડી નાંખ્યા હતા. જોકે, પોલીસે સુઝબુઝથી સ્થિતિ બગડવા દીધી નહીં, પરંતુ શાહમતગંજ વિસ્તારમાં પથ્થરમારો થયો. અહીં ટોળાએ અનેક બાઈક તોડી નાંખ્યા તથા દુકાનોને સળગાવવાનો પ્રયત્ન થયો. આ ઘટનામાં ડીએમે કહ્યું કે, પથ્થરમારામાં કેટલાક લોકો ઘાયલ થયા છે. અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. આરોપીઓ સામે એફઆઈઆર નોંધાશે.
તૌકીર રઝાની જાહેરાત પછી પોલીસે સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે બરેલીમાં હજારો પોલીસ ફોર્સ તૈનાત કરી દીધી છે. બધા જ મહત્વપૂર્ણ ચાર રસ્તાઓ, હિન્દુ-મુસ્લિમ મિશ્રિત વસ્તીવાળા વિસ્તારો અને બધા જ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ્સ પર પોલીસ નિરીક્ષણ રાખી રહી છે. પોલીસે ફ્લેગમાર્ચ કરી હતી. રાજ્ય સરકારે બરેલીમાં ૬ એએસપી, ૧૨ ડેપ્યુટી એસપી સહિત ૧૪૦૦થી વધુ પોલીસ ફોર્સ તૈનાત કરી દીધી હતી. હાલ સ્થિતિ તણાવપૂર્ણ અને ભારેલા અગ્નિ જેવી છે.