બેંગ્લુરુમાં રૂ. 854 કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ : છની ધરપકડ

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
બેંગ્લુરુમાં રૂ. 854 કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ : છની ધરપકડ 1 - image


લોકોને દૈનિક રૂ. ૫,૦૦૦ સુધીના નફાની લાલચ અપાતી

દેશભરમાં કુલ ૫,૦૧૩ લોકો સાથેને છેતરી નાણાં અલગ અલગ રાજ્યોમાં ૮૪ ખાતામાં ટ્રાન્સફર કરાયા

બેંગ્લુરુ: બેંગ્લુરુ પોલીસે રૂ. ૮૫૪ કરોડનું સાયબર છેતરપિંડી કૌભાંડ પકડી પાડયું છે અને છ લોકોની ધરપકડ કરી છે. આ કૌભાંડના સૂત્રધારોએ રોકાણ યોજનાઓના નામે સમગ્ર દેશમાં હજારો લોકો સાથે છેતરપિંડી કરી છે તેમ પોલીસ અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું. પોલીસે આ કૌભાંડના કેસમાં છ આરોપીઓ મનોજ, પણિન્દ્ર, ચક્રધર, શ્રીનિવાસ, સોમશેખર અને વશનાથની ધરપકડ કરી છે. આ બધા જ બેંગ્લુરુના રહેવાસી છે. આ કૌભાંડના માસ્ટરમાઈન્ડ અન્ય ત્રણ આરોપીઓની ઓળખ કરાઈ છે તેમ પોલીસે કહ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે, સાઈબર કૌભાંડમાં આરોપીઓએ એકત્ર કરેલી કુલ રકમમાંથી પાંચ કરોડ રૂપિયા ફ્રીઝ કરી દેવાયા છે. આરોપીઓએ એકલા બેંગ્લુરુમાંથી જ રૂ. ૪૯ લાખની છેતરપિંડી કરી હતી. આરોપી ગેંગ લોકોને વોટ્સએપ અને ટેલીગ્રામ મારફત આકર્ષતી હતી. તેઓ શરૂઆતમાં લોકોને રૂ. ૧,૦૦૦થી રૂ. ૧૦,૦૦૦ની નાની રકમનું રોકાણ કરવા આકર્ષતા હતા. તેઓ લોકોને દૈનિક રૂ. ૧,૦૦૦થી રૂ. ૫,૦૦૦નો નફો રળવાની લાલચ આપતા હતા તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

બેંગ્લુરુ પોલીસ કમિશનર બી. દયાનંદે જણાવ્યું હતું કે હજારો લોકોએ લાલચમાં આવીને આ ગેંગની યોજનાઓમાં રૂ. ૧ લાખથી રૂ. ૧૦ લાખ અને તેથી વધુનું રોકાણ કર્યું હતું. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે સફળતાપૂર્વક આ સાયબર છેતરપિંડી પકડી પાડી હતી, જેમાં આરોપીઓએ ઊંચા વ્યાજદરની લાલચ આપીને લોકોને રોકાણ માટે લલચાવ્યા હતા.

તેમણે ઊમેર્યું હતું કે, તપાસમાં જણાયું હતું કે, સાઈબર રોકાણ કૌભાંડમાં સમગ્ર દેશમાં ૫,૦૧૩ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે, જેમાંથી એકલા બેંગ્લુરુ શહેરમાં આવા ૧૭ કેસ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે. લોકોને છેતરીને અંદાજે રૂ. ૮૫૪ કરોડની રકમ આરોપીઓએ ૮૪ અલગ અલગ બેન્કોમાં ટ્રાન્સફર કરી હતી.  તેમાંથી કુલ પાંચ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ ૮૪ ખાતા અલગ અલગ રાજ્યોમાં ખોલવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા ત્રણ મહિનાથી આ કેસ પર કામ કરી રહી હતી. તેમણે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય મહત્વની લીડ્સનો ઉપયોગ કરીને ગૂનેગારોને ઝડપી લીધા હતા.



Google NewsGoogle News