ભાજપ શાસિત ત્રણે રાજ્યોમાં વર્તમાન સીએમ જ મુખ્યમંત્રીપદના દાવેદાર
- મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી
- હરિયાણામાં ચૂંટણી રેલીમાં ભાજપ પ્રમુખ અમિત શાહે સંકેત આપ્યા
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 18 ઓગસ્ટ, 2019, રવિવાર
ભાજપ શાસિત ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ ત્રણેય રાજ્યોમાં ભાજપના વર્તમાન સીએમ જ મુખ્યમંત્રીપદના પ્રબળ દાવેદાર રહેશે તેમ મનાય છે.
ભાજપ પ્રમુખ અમિત શાહે હરિયાણાના જિંદમાં એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું હતું કે મનોહરલાલ ખટ્ટર સરકારને પાછી લાવવા માટે મતદારો તેમના પક્ષને 75 બેઠકો અપાવે. આ સાથે અમિત શાહે સંકેત આપી દીધા છે કે હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વર્તમાન સીએમ જ મુખ્યમંત્રી પદ માટે પક્ષની પસંદગી રહેશે. હાલ હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને ઝારખંડમાં રઘુબર દાસ મુખ્યમંત્રી છે.
પક્ષના એક નેતાએ જણાવ્યું હતું કે, ત્રણેય મુખ્યમંત્રીઓએ તેમના રાજ્યોમાં પાંચ વર્ષ શાસન કર્યું છે અને તેમનું પરફોર્મન્સ અમારા માટે ચૂંટણીનો મુખ્ય મુદ્દો હશે. ત્રણે નેતાઓએ તેમના રાજ્યોમાં કૌભાંડ મુક્ત અને પ્રમાણિક સરકારો ચલાવી છે. આથી ભ્રષ્ટાચારમુક્ત સરકારના ભાજપના દાવાને સમર્થન મળશે. ખટ્ટર, ફડણવીસ અને દાસ ત્રણેય લોકોમાં સ્વચ્છ છબી ધરાવે છે.
આ વર્ષના અંતમાં ત્રણેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ભાજપને વિશ્વાસ છે કે મોદી સરકારના તાજેતરના નિર્ણયોથી ત્રણે રાજ્યોમાં તેમનો વિજય થશે.