લોકતંત્રમાં શાસકે અસહમતિ સહન કરી આત્મમંથન કરવું જોઈએ : ગડકરી
- બુદ્ધિજીવીઓ-લેખકોને નીડર થઈ પોતાની વાત રજૂ કરવા કેન્દ્રીય મંત્રીની હાકલ
- લખેલા અક્ષર અને તેની પાછળની ભાવનામાં ઘણું અંતર હોય છે, નિષ્ણાતોએ કાયદા પાછળની ભાવના સમજવી જોઈએ
પૂણે : લોકતંત્રની સૌથી મોટી પરીક્ષા જ એ છે કે શાસકે તેના વિરુદ્ધ વ્યક્ત થતા મજબૂત મતોને સહન કરવા જોઈએ. શાસકે તેમની સામેના વિરોધ અંગે આત્મચિંતન કરવું જોઈએ તેમ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. નીતિન ગડકરી આટલેથી જ રોકાયા નથી. તેમણે બુદ્ધિજીવીઓ અને લેખકોને નીડર થઈને પોતાની વાત રજૂ કરવા હાકલ કરી છે. આ સાથે ગડકરીએ આડકતરી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપતા આ નિવેદન કર્યું હોવાનું રાજકીય વર્તુળોમાં મનાય છે.
કેન્દ્રમાં શાસક ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી એમઆઈટી વર્લ્ડ પીસ યુનિવર્સિટીમાં એક પુસ્તક વિમોચનમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં રાજકારણમાં જે થઈ રહ્યું છે તે અન્ય જગ્યાઓ પર પણ થયું છે. કોઈએ પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું છે. આપણા દેશમાં મતભેદ કોઈ સમસ્યા નથી. હકીકતમાં કોઈ મત ના હોવો એ આપણી સમસ્યા છે. આપણે ન તો જમણેરી છીએ કે ના ડાબેરી, આપણે તકવાદી છીએ.
નીતિન ગડકરીએ કહ્યું કે, સાહિત્યકારો, બુદ્ધિજીવીઓ અને કવિઓ પાસેથી અપેક્ષા રખાય છે કે તેઓ પોતાના વિચારો ખુલીને અને દૃઢતાથી વ્યક્ત કરે. લોકતંત્રની કોઈ સૌથી મોટી કસોટી હોય તો તે એ છે કે કોઈ વિચાર રાજાના વિરોધમાં હોય રાજાએ તેને સહન કરવો જોઈએ અને તેના પર આત્મમંથન કરવું જોઈએ. આ જ વાસ્તવિક લોકતંત્ર છે.
આ પહેલાં રવિવારે એન્જિનિયર્સ ડે પર ગડકરીએ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એક સમારંભમાં પારદર્શિતા અને નિર્ણયો લેવા માટે સમય સીમા નિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે કોઈ જાણકાર વ્યક્તિ કાયદા પાછળની ભાવના ના સમજે તો તેનો કોઈ ફાયદો નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, લખેલા અક્ષર અને તેની પાછળની ભાવનામાં ઘણું અંતર હોય છે. જાણકાર વ્યક્તિએ કાયદા પાછળની ભાવના સમજવી જોઈએ. અનેક વખત સ્થિતિ એવી હોય છે કે રસ્તાપર ખાડા ભરવા હોય તો પણ બોસના આદેશની જરૂર પડે છે.