દુષ્કર્મના કેસમાં હાઇકોર્ટે આરોપીને છોડી મૂકતાં કહ્યું - 'પહેલીવાર કોઈ છોકરાને મળવા હોટેલના રૂમમાં...'
Image: Wikipedia
Bombay High Court: બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચમાં એક દુષ્કર્મ કેસની સુનાવણી થઈ. જેમાં કોર્ટે દોષીને મુક્ત કરી દીધો. સાથે જ કોર્ટે એ પણ કહ્યું કે કોઈ પણ સમજદાર યુવતી પહેલીવાર કોઈ છોકરાને મળવા હોટેલના રૂમમાં જાય નહીં. વર્ષ 2017માં યુવતીએ દોષી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાનું કહેવું હતું કે યુવકે તેની વાંધાજનક તસવીરો શેર કરી છે.
કેસની સુનાવણી જસ્ટિસ ગોવિંદ સનપ કરી રહ્યા હતા. લાઇવ લો અનુસાર તેમણે રેપ કેસમાં પીડિતાની વાત માનવાનો ઇનકાર કરી દીધો. પીડિતાનું કહેવું હતું કે દોષીથી તેની ઓળખ ફેસબુક દ્વારા થઈ હતી અને બાદમાં ફોન પર વાતચીત શરુ થઈ ગઈ. કોર્ટને જણાવાયું કે ફેબ્રુઆરી 2017માં યુવક યુવતીને મળવા માટે તેની કૉલેજ આવ્યો. બાદમાં માર્ચ 2017માં તેણે યુવતીને મળવા માટે એક હોટલના રૂમમાં બોલાવી. યુવતીનું કહેવું હતું કે યુવકે તેને કહ્યું કે તે કંઈક 'જરૂરી વાત' કહેવા ઇચ્છે છે.
રિપોર્ટ અનુસાર એ જણાવાયું કે રૂમમાં ગયા બાદ બન્નેની વચ્ચે સંમતિથી સંબંધ બંધાયા. યુવતીનો આરોપ છે કે યુવકે તેની અમુક વાંધાજનક તસવીરો ખેંચી લીધી હતી અને તેને ફેસબુક પર અપલોડ કરી દીધી હતી. તે બાદ યુવતીએ યુવક સાથે બ્રેકઅપ કરી લીધું હતું. યુવકે યુવતીના મંગેતરની સાથે પણ વાંધાજનક તસવીરો શેર કરી હતી, તે બાદ ઑક્ટોબર 2017માં યુવતીએ કેસ નોંધાવ્યો.
કોર્ટમાં શું થયું
જસ્ટિસ સનપે કહ્યું કે પીડિતાએ એ જણાવ્યું નહીં કે તે કઈ તારીખે હોટલના રૂમમાં ગઈ હતી, જ્યાં દોષીએ તેને સંબંધ બાંધવા માટે મજબૂર કરી. રિપોર્ટ અનુસાર જજે કહ્યું, 'હોટલમાં મળ્યા પહેલા પીડિતા આરોપીને સારી રીતે જાણતી નહોતી. તે તેની પહેલી મુલાકાત હતી. યુવતીએ જણાવ્યું કે આરોપીની વિનંતી પર તે આરોપીની સાથે હોટલના રૂમમાં ગઈ હતી.
કોઈ પણ સમજદાર યુવતી પહેલીવાર કોઈ છોકરાને મળવા હોટેલના રૂમમાં જાય નહીં. યુવક તરફથી આવું વર્તન યુવતીને ઍલર્ટ રહેવાનો સંકેત આપે છે. પીડિતા તરફથી આપવામાં આવેલા પુરાવા વિશ્વાસ કરવા યોગ્ય નથી. 'જો કોઈ યુવતી કોઈ વચનના કારણે કોઈ રૂમમાં અજાણ્યા વ્યક્તિ સાથે જાય તો મુશ્કેલી સર્જાવા પર તે બૂમો પાડશે.'
એવું નથી કે હોટલનો રૂમ ભીડ ધરાવતા વિસ્તારથી દૂર હતો. હોટલના રૂમમાં થયેલી ઘટના વિશ્વાસ કરવા યોગ્ય લાગતી નથી. કોર્ટે સવાલ કર્યો કે માર્ચ 2017માં ફોટો શેર કર્યા બાદ પણ પીડિતા અને તેના પિતા મૌન કેમ હતાં અને ફરિયાદ ઑક્ટોબર 2017માં નોંધાવાઈ. કોર્ટે આરોપીને મુક્ત કરી દીધો છે.