2021-23માં ચાંગ અને અલીએ ભારતમાંથી રૂ.12,000 કરોડ ઉસેટયા
- સુપ્રીમ કોર્ટ તપાસનો દોર હાથમાં લે : કોંગ્રેસ
- ચાંગ-અલીના ઓવર ઇનવોઇસિંગના લીધે ઇન્ડોનેશિયાથી નીકળેલો કોલસો મુંદ્રા પહોંચતા બાવન ટકા મોંઘો થઈ ગયો હતો
નવી દિલ્હી : કોંગ્રેનસા પ્રવક્તા જયરામ રમેશે દાવો કર્યો છે કે ઇન્વેસ્ટિગેટ જર્નાલિસ્ટોના સ્વૈચ્છિક સંગઠન સમા ગ્લોબલ નેટવર્ક ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી) નો ગયા વર્ષનો અહેવાલ છે કે અદાણીના મ્હોરા સમાન ચાંગ અને અલી ૨૦૨૧થી ૨૦૨૩માં વિવિધ ટ્રેડિંગ ફર્મ્સ દ્વારા ભારતમાંથી રુ. ૧૨,૦૦૦ કરોડની રકમ ઉસેટી ગયા છે. આ જ સમયગાળા દરમિયાન ગુજરાતમાં અદાણી પાવર પાસેથી ખરીદાતી વીજળીના ભાવમાં ૧૦૨ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
રમેશે જણાવ્યું હતું કે સ્વિસ માટે નાણાકીય ગુના અત્યંત મહત્ત્વના છે. ચાંગનું અદાણીની ગુ્રપ ફર્મ સાથે જોડાણ હવે કોઈ ખાનગી વાત નથી. ચાંગ અને તેના એસોસિયેટ નાસીર અલીએ અદાણીએ ઇન્ડોનેશિયામાંથી કોલસાની આયાતમાં ઓવર ઇનવોઇસિંગ કર્યુ હતું તેમા મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમા પણ ખાસ કરીને કોલસાને ઇન્ડોનેશિયાથી શિપમાં ચઢાવાયા પછી તે કોલસો ગુજરાતના દરિયાકાંઠે ઉતર્યો ત્યારે તેના ભાવમાં સીધો બાવન ટકા વધારો કરી દેવાયો હતો. આ જ સમયગાળામાં ભારતમાંથી ચાંગ અને અલીની ટ્રેડિંગ ફર્મ્સ ૧૨ હજાર કરોડ રુપિયા ઉસેટી ગઈ હતી અને આ જ સમયમાં અદાણી પાવર પાસેથી ખરીદવામાં આવતી વીજળીના ભાવમાં ૧૦૨ ટકા વધારો કરાયો હતો.
અદાણીની ફર્મ્સમાં ચાંગની ભૂમિકા ફક્ત આટલી જ મર્યાદિત નથી. અમે તો ૨૦૨૩માં હમ અદાણી કે હૈ કૌન સીરિઝ હેઠળ ૧૦૦ સવાલ પૂછ્યા હતા. ચાંગ અદાણી ગુ્રપ ફર્મ્સની કેટલીય કંપનીઓમાં ડિરેક્ટર છે. એક સમયે તો તે અને વિનોદ અદાણી એક જ એડ્રેસ ધરાવતા હતા. ચાંગનું નામ પનામા પેપર્સમાં આવી ચૂક્યું છે. તેની ફર્મ ગુદામી ઇન્ટરનેશનલનું નામ ઓગસ્ટાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટમાં છે. ચાંગના પુત્રની કંપની પીએમસી પ્રોજેક્ટમાં અદાણીના મુંદ્રા સહિતના બીજા મોટા બંદરો બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.
તેમણે વધુમાં આરોપ મૂક્યો હતો કે ચાંગનું શાંઘાઈ અદાણી શિપિંગ એન્ડ અદાણી શિપિંગ (ચાઇના) સાથે પણ જોડાણ છે. અદાણીની આ કંપની પર નોર્થ કોરીયા સાથે વેપાર કરવાનો આરોપ છે. આમ કરીને તેણે યુએન પ્રતિબંધોનો ભંગ કર્યો છે. આમ તે સ્પષ્ટ છે કે પીએમ તેમના સમૃદ્ધ મિત્રનું રક્ષણ કરવામાં એટલા વ્યસ્ત છે કે તેમને સ્વિટ્ઝરલેન્ડ, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં ભારતની પ્રતિષ્ઠાની પરવા નથી. તેમણે ભારતની નિયમનતંત્રની સંસ્થાના ભોગે સેબીના ભ્રષ્ટ વડાને જારી રહેવાની છૂટ આપી છે. હવે સુપ્રીમ કોર્ટ જ અદાણી સામેની તપાસનો દોર હાથમાં લે તો કંઇક પરિણામ આવે તેમ છે. અદાણીના મેગા સ્કેમનો પર્દાફાશ કરવા માટે જેપીસી તપાસની પણ જરૂરિયાત છે.