1907માં ભારતની આ બહાદૂર મહિલાએ જર્મનીમાં ફરકયો હતો ભારતનો ધ્વજ, આગે બઢો, હમ ભારત કે લીયેનું આહવાન કર્યુ
લીલા,પીળા અને લાલ રંગના ધ્વજમાં વંદે માતરમ લખેલું હતું
આ ઝંડો પુના આજે મરાઠા - કેસરી લાયબ્રેરીમાં જોવા મળે છે
નવી દિલ્હી, 14 ઓગસ્ટ,2023,સોમવાર
ગુલામીના જમાનામાં સરેરાશ ભારતીય મહિલાઓ રૃઢિચુસ્ત જીવન જીવવા મજબૂર હતી તો બીજી બાજુ નિડર મહિલાઓ પણ પાકી જેમણે દેશને આઝાદ કરવાની લડાઇમાં ઝંપલાવ્યું હતું. મુંબઇના મેડમ ભીખાઇજી કામાએ તો લંડન.અમેરિકા અને જર્મનીનો પ્રવાસ કરીને ભારતની આઝાદી માટેનો આખો માહોલ તૈયાર કર્યો હતો.
જર્મનીના સ્ટટ્ગાર્ટ ખાતે તેમણે ૨૨ ઓગસ્ટ ૧૯૦૭ના રોજ સાતમી આંતરરાષ્ટ્રીય કોગ્રેસમાં ભારતનો તિરંગો ફરકાવ્યો હતો.જો કે એ સમયનો તિરંગો હાલના જેવો ન હતો પરંતુ વિદેશમાં ભારતીય ધ્વજ ફરકયો હોય એવી આ પહેલી ઘટના હતી. ૧૯૦૫માં વિર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્માની મદદથી ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાનું ગૌરવ આ પારસી મહિલા ધરાવે છે.
મેડમ કામાએ ફરકાવેલા ભારતીય ઝંડામાં દરેક ધર્મના સાંસ્કૃતિક ભાવનાને આવરી લેવા પ્રયત્ન કર્યો હતો. લીલા,પીળા અને લાલ રંગના ધ્વજમાં દેવનાગરી લીપીમાં વંદે માતરમ પણ લખેલું હતું. જર્મનીમાં ફરકાવેલો આ ઝંડો પુના આજે મરાઠા - કેસરી લાયબ્રેરીમાં જોવા મળે છે. મેડમ કામા પેરિસથી વંદે માતરમ નામનું મેગેઝીન પણ પ્રકાશિત કરતા હતા જેને પ્રવાસી ભારતીયો રસપૂર્વક વાંચતા હતા.
એટલું જ નહી ૧૯૦૯માં આંતરરાષ્ટ્રીય સોશિયલિસ્ટ કેગ્રેસમાં તેમણે કહયું કે ભારતમાં બ્રિટીશરોનું શાસન દેશ માટે કલંક સમાન છે. તેમણે ભારતને ગુલામીની બેડીઓ માંથી છોડાવવા માટે પરદેશમાં લોકોને હાકલ કરી હતી. મેડમ કામા લંડનમાં દાદાભાઇ નવરોજીની સેક્રેટરી પણ રહયા હતા, સુખી સમ્પન પરીવારમાં જન્મેલા મેડમ કામાએ આગે બઢો,હમ ભારત કે લીયે હૈ એવો નારો પણ ગુંજતો કર્યો હતો.
તેમનો જન્મ મુંબઇમાં ૨૪ સપ્ટેમ્બર ૧૮૬૧ના રોજ પારસી પરીવારમાં થયો હતો. ૧૮૯૬માં મુંબઇમાં પ્લેગનો રોગ ફાટી નિકળ્યો ત્યારે તેમને દર્દીઓની ખૂબ સેવા કરી હતી.તેમને પણ પ્લેગની અસર થતા સારવાર માટે લંડન જવું પડયું ત્યારે પણ ભારતની સ્વાધિનતા માટેની લડાઇ ચાલું રાખી હતી.મેડમ કામાને અંગ્રેજો મેડમ કામા પર અરાજકતા ફેલાવતાનો આરોપ મુકયો હતો. યુરોપના સમાજવાદી સમુદાયમાં મેડમ કામાનો સારો એવો પ્રભાવ હતો. જેનો ઉપયોગ તેમણે દેશની આઝાદીનું વાતાવરણ ઉભું કરવા માટે કર્યો હતો.