ઇસ ૧૮૯૫માં લોકમાન્ય તિલકે પ્રથમ વાર મૌલિક અધિકારની વાત કરી હતી
સ્વરાજ મારો જન્મ સિધ્ધ અધિકાર છે તેને હું લઇને જ જંપીશ આ સૂત્ર લોકપ્રિય બનેલું
૧૯૨૮માં નેહરુ સમિતિએ પણ ભારતીયો માટે મૌલિક અધિકારોની માંગ કરી હતી
ભારતના બંધારણમાં નાગરિકોને મૌલિક અધિકારો આપવામાં આવ્યા છે. જયારે દેશ અંગ્રેજોનો ગુલામ હતો ત્યારે ઇસ ૧૮૯૫માં સૌ પ્રથમ વાર બાળ ગંગાધર તિલકે નાગરિકોના મૌલિક અધિકારની વાત કરી હતી. લોક માન્ય તિલક તરીકે ઓળખાતા આ મહાન સ્વાતંત્ર સેનાની, રાષ્ટ્રવાદી અને સમાજ સુધારક હતા. સ્વરાજ મારો જન્મ સિધ્ધ અધિકાર છે અને તેને લઇને જ જંપીશ એ તેમનું આ સૂત્ર ખૂબજ લોકપ્રિય બન્યું હતું. તિલકે મૌલિક અધિકારોની વાત કરી એ પછી સ્વતંત્રતા આંદોલન દરમિયાન સમયાંતરે મૌલિક અધિકારોની માંગ ઉઠતી રહી હતી.
ઇસ ૧૯૧૮માં કૉંગ્રેસના મુંબઇ અધિવેશનમાં એક પ્રસ્તાવ પારિત કરીને મૌલિક અધિકારની માંગને દોહરાવવામાં આવી હતી. ઇસ ૧૯૨૫માં શ્રીમતી એની બેસેન્ટે ભારતીયો માટે વિચાર અભિવ્યકિતની સ્વતંત્રતા,સભા કરવાનો અધિકાર તથા કાનૂનની સમાનતા જેવા મૌલિક મુદ્વાઓ ઉઠાવ્યા હતા.
ઇસ ૧૯૨૮માં નેહરુ સમિતિએ પણ ભારતીયો માટે મૌલિક અધિકારોની માંગ કરી હતી. ઇસ ૧૯૩૩માં કરાંચીમાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં પણ મૌલિક અધિકારોને પ્રધાન્ય મળ્યું હતું. જો કે સ્વતંત્રતા પહેલા દેશના નાગરિકોને મૌલિક અધિકાર આપવામાં આવ્યા ન હતા. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦માં દેશમાં લાગુ પાડવામાં આવેલા સંવિધાનમાં ભારતના નાગરિકોને સાત મૌલિક અધિકાર પ્રાપ્ત થયા હતા.
ભારતના બંધારણનો વિચાર ૧૯૩૪માં એમ એન રોયે આપ્યો હતો
એમ એન રોય ભારતના જાણીતા સ્વાતંત્રસેનાની અને લડવૈયા હતા તેમણે આઝાદીના આંદોલન દરમિયાન ૬ વર્ષ લાંબી જેલ પણ વેઠી હતી. રોય ભારતમાં માર્કસવાદી વિચારધારાના પાયામાં હતા. એટલું જ નહી તેમણે ૧૯૩૪માં પ્રથમવાર ભારતના બંધારણનો વિચાર આપ્યો હતો કે આ દેશને પોતાનું બંધારણ હોવું જોઇએ. આ અંગે સ્વતંત્રતા આંદોલન દરમિયાન કોંગ્રેસને સૂચન પણ કર્યું હતું. રોયને કોંગ્રેસ સાથે મતભેદ થતા રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરી હતી તેમણે અમેરિકાના મેકસિકોમાં થયેલી ક્રાંતિમાં પણ ભાગ લીધો હતા.વિદેશગમન દરમિયાન કાનપૂર ષડયંત્ર કેસ ચાલતો હોવાથી તેઓ ૧૯૩૦માં ગૂપ્તવેશ ધારણ કરીને ભારત આવ્યા હતા.