10 વર્ષ અને 100 દિવસમાં મોદી સરકારે રૂ. 35 લાખ કરોડની લૂંટ કરી: ખડગેનો દાવો

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
10 વર્ષ અને 100 દિવસમાં મોદી સરકારે રૂ. 35 લાખ કરોડની લૂંટ કરી: ખડગેનો દાવો 1 - image


Image: Facebook

Congress Targeted BJP: નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના શરૂઆતી 100 દિવસ પૂરા થઈ ગયા છે. દરમિયાન મોદી સરકારના કાર્યકાળના 100 દિવસ પૂરા થવા પર વિપક્ષી પાર્ટી કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતાં કહ્યું કે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ભારે ટેક્સ લગાવીને લોકોને લૂંટ્યા છે.


ક્રૂડ ઓઈલની કિંમતો 32.5 ટકા ઘટી છે પરંતુ ભાજપની ઈંધણ લૂંટ ચાલુ છે. જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે, ત્યાં ભાજપ હારશે. 10 વર્ષ અને 100 દિવસોમાં મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાવીને લોકો પાસેથી 35 લાખ કરોડ રૂપિયા લૂંટી લીધા છે. 16 મે 2014એ ક્રૂડ ઓઈલની કિંમત 107.49 ડોલર પ્રતિ બેરલ હતી. આ દરમિયાન દિલ્હીમાં પેટ્રોલની કિંમત 71.51 રૂપિયા અને ડીઝલની કિંમત 57.28 રૂપિયા હતી. 16 સપ્ટેમ્બર 2024એ ક્રૂડ ઓઈલની કિંમત 72.48 ડોલર હતી પરંતુ પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા હતી. આ રીતે વર્તમાન ક્રૂડ ઓઈલની કિંમતો અનુસાર પેટ્રોલની કિંમત 48.27 રૂપિયા અને ડીઝલની કિંમત 69 રૂપિયા હોવી જોઈએ પરંતુ 10 વર્ષ અને 100 દિવસોમાં મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાવીને લોકો પાસેથી 35 લાખ કરોડ રૂપિયા લૂંટ્યા છે.

કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ટ્રેન દુર્ઘટનાઓ મુદ્દે રેલવે મંત્રાલય પર નિશાન સાધતાં કહ્યું કે 100 દિવસમાં 38 ટ્રેન દુર્ઘટનાઓ થઈ છે, જેમાં 21 મોત થયા છે અને રેલવે મંત્રી નિર્લજ્જતાથી કહે છે કે આ નાની-નાની ઘટનાઓ છે. દરરોજ ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ બને છે. આ મોદીજીનો વિકાસ છે. મોદી સરકારના શરૂઆતી 100 દિવસોમાં સરકાર દરેક મુદ્દે નિષ્ફળ રહી છે. આ 100 દિવસ આ દેશની સંસ્થાઓ પર ખૂબ ભારે પડ્યાં છે. આ 100 દિવસોમાં જાણ થઈ છે કે નરેન્દ્ર મોદીની પાસે આ દેશની સમસ્યાઓનો કોઈ ઉકેલ નથી.

આ દેશના વિપક્ષ અને લોકોએ આ સરકારને યુટર્ન લેવા પર મજબૂર કરી છે. જો કોઈ ખોટો નિર્ણય આ દેશને પ્રભાવિત કરશે તો અમે તમને યુટર્ન લેવા મજબૂર કરીશું. લેટરલ એન્ટ્રી, વક્ફ બોર્ડ બિલ, બ્રોડકાસ્ટ બિલ, એનપીએસથી લઈને યુપીએસ બધા પર યુટર્ન લેવો પડ્યો છે.

મોટા-મોટા પુલ ધરાશાયી થયા છે. દેશની સંસદમાં પાણી ટપકી રહ્યું હતું. અટલ સેતુ, સુદર્શન સેતુ પર તિરાડો પડી ગઈ. સૌથી શરમજનક ઘટના ત્યારે થઈ જ્યારે છત્રપતિ શિવાજીની મૂર્તિ તૂટીને પડી ગઈ. આસ્થાનું પ્રતીક શ્રીરામનું મંદિર તૂટવા લાગ્યુ છે.

કાશ્મીર કરતાં વધુ હુમલા જમ્મુમાં થઈ રહ્યાં છે

આતંકી હુમલા મુદ્દે સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં પીએમ મોટી-મોટી વાતો કરે છે. છેલ્લા 100 દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં 26 આતંકી હુમલા થયા છે, 21 જવાન શહીદ થયા છે અને 15 નાગરિકોના મોત થયા છે. હવે કાશ્મીર કરતાં વધુ આતંકી હુમલા જમ્મુમાં થઈ રહ્યાં છે પરંતુ એક શ્રદ્ધાંજલિ શબ્દ નરેન્દ્ર મોદીના મોઢેથી નીકળતો નથી. ત્યાં કાયદો અને વ્યવસ્થા એલજી દ્વારા સીધા તમારા હાથમાં છે.

આ દેશની અડધી વસતીની સાથે જે તમારી ગેંગે કર્યું તે માફી ન મળનાર ગુનો છે. તમે તે જ છો ને જે દેશની દીકરીઓનું જાતીય શોષણ કરનારાની સાથે સતત ઊભા રહ્યાં. 100 દિવસોમાં 157 પીડિતાઓ સામે આવી છે. કાશીમાં જઘન્ય ગેંગરેપનો મામલો સામે આવ્યો છે જે ભાજપ આઈટી સેલનો છે.

પેપર લીક રોકવા માટે સરકાર કંઈ કરી શકી નહીં

આ 100 દિવસોમાં સતત પેપર લીક થયા છે. પરીક્ષાઓ કેન્સલ થઈ છે. નીટનું પેપર લીક થયું છે. નીટ-પીજીની પરીક્ષાઓ રદ થઈ છે. યુજીસી-નેટનું પેપર લીક થયુ છે. જ્યારે તમારી સરકાર આવી, રૂપિયો 58 પર હતો પરંતુ તમે તેને 84 પર પહોંચાડી દીધો. 100 દિવસ પહેલા 82 પર હતો તમે એટલો પ્રયત્ન કર્યો પરંતુ 84 સુધી પહોંચવાથી રોકી શક્યાં નહીં. ટોલ ટેક્સ 15 ટકા વધ્યો, સીએનજીના ભાવ વધ્યા. સેબી ચીફે પોતાના પદ અને સત્તાનો દુરુપયોગ કર્યો. અદાણી પર ગંભીર આરોપ લાગી રહ્યાં છે.

લદ્દાખના પૂર્વ સાંસદ અને કાઉન્સિલરે સતત ત્યાં ઘૂસણખોરીના મુદ્દાને ઉઠાવ્યો પરંતુ તમે કંઈ કર્યું નહીં. મણિપુર 16 મહિનાથી સળગી રહ્યું છે પરંતુ તમારામાં સાહસ અને નિયત નથી કે તમે મણિપુર જાવ. વન નેશન, વન ઈલેક્શનનું રણશિંગૂ ક્યારે ફૂંકાશે? ક્યાં સુધી સૂત્રોના માધ્યમથી સરકાર ચલાવતા રહેશો? સંસદની છત પરથી પાણી ટપકી રહ્યું છે. આ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમે જોયું નથી.

રવનીત બિટ્ટૂ પર કોંગ્રેસ ભડકી

રવનીત બિટ્ટૂના રાહુલ ગાંધી પર વાંધાજનક નિવેદનને લઈને કોંગ્રેસે કહ્યું કે આ દેશની લોકતાંત્રિક વ્યવસ્થામાં જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે જોખમી છે. આ તમામ નફરતી આ પ્રકારની વાતો કેવી રીતે કરી રહ્યાં છે. અસલી આતંકવાદી આ લોકો છે. વિપક્ષના નેતા વિરુદ્ધ હિંસાત્મક નિવેદન આપવા લોકતંત્રમાં બિલકુલ સહન કરી શકાય નહીં. હું નરેન્દ્ર મોદી અને અમિત શાહને કહેવા માગુ છું કે જો તમે આ લોકો વિરુદ્ધ એક્શન લઈ શકતાં નથી તો આનો અર્થ એ છે કે આ બધું તમારી મરજીથી થઈ રહ્યું છે. રાહુલ ગાંધીને આ બાબતોથી સહેજ પણ ફરક પડતો નથી. તમે આ લોકો વિરુદ્ધ જેટલું ઝેર ઓંકશો તેટલી તમારી જ ફજેતી થશે. કોંગ્રેસ પાર્ટી મૌન રહેશે નહીં. કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. 


Google NewsGoogle News