ઉતરકાશી ટનલમાં રેસ્કયૂ ઓપરેશનનો મહત્વનો તબક્કો શરુ, ૧૨ દિવસથી ફસાયા છે ૪૧ મજૂરો
ટનલમાં ફસાયેલી જીંદગી સુરક્ષિત રહે તેવી રીતે ચાલતું રેસ્કયૂ ઓપરેશન
મજૂરો શિફટવર્ક પુરુ કરીને પાછા ફરતા હતા ત્યારે ટનલ ધસી પડેલી
દહેરાદૂન,૨૩ નવેમ્બર,૨૦૨૩,ગુરુવાર
૧૨ નવેમ્બરના રોજ ઉત્તરકાશીમાં સિલકયારા આવેલી એક ટનલમાં ૪૧ મજૂર ફસાયા હતા. સવારે ૪ વાગે પોતાની શિફ્ટનું કાર્ય પૂર્ણ કરીને પાછા ફરતા હતા ત્યારે ટનલ ધસી પડી હતી. કાટમાળના કારણે મજૂરોએ કોઇ પણ રીતે બહાર આવવું શકય ન હતું. ભારતમાં દિવાળી તહેવારની ઉજવણી શરુ થઇ રહી હતી ત્યારે ટનલની અંદર ફસાયેલા મજૂરો અને બહાર તેમની રાહ જોઇ રહેલા સગા સંબંધીઓ ચિંતામાં પડયા હતા.
૧૨ નવેમ્બરથી સુરંગમાં ફસાયેલા ૪૧ મજૂરોને બચાવવા માટે યુધ્ધના ધોરણે પ્રયાસો શરુ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ રેસ્કયૂ ઓપરેશન તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. ટનલમાં મજૂરો સુધી પહોંચવા માટે ૬ મીટર જેટલું જ અંતર રહયું છે. ઓગર મશીનની મદદથી ૮૦૦ મિલીમીટર વ્યાસ ધરાવતો પાઇપ નાખવાનું કાર્ય ટનલના કાટમાળ ધરાવતા ભાગની નજીક પહોંચી ગયું છે.
અત્યાર સુધીમાં ૪૮ મીટરના અંતરે આવેલા મલબાના ભાગ નજીક ૮૦૦ મિલીમીટર વ્યાસવાળા ૮ પાઇપ નાખવામાં આવ્યા છે. રેસ્કયૂ ઓપરેશન થોડાક કલાકોમાં જ પૂર્ણ થાય તેવી શકયતા છે. ટનલમાંથી મજુરોને કેવી રીતે બહાર કાઢવા તેનું રિહર્સલ પણ કરવામાં આવ્યું છે. ટનલમાંથી બહાર નિકળનારા મજૂરોની તપાસ માટે મેડિકલ ટીમ અને સારવાર માટે ૪૧ એમ્બ્યુલન્સ ગોઠવવામાં આવી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના જણાવ્યા અનુસાર ટનલની અંદર તમામ શ્રમિકો એકદમ સુરક્ષિત છે.
ટનલમાં ઓકસીજન અને વીજળીની કોઇ જ તાણ નથી. ઉત્તરકાશીના સિલકયારા સુરંગમાં રેસ્કયુ ઓપરેશનમાં અવરોધો દૂર થઇ રહયા છે. ઓગર મશીનથી ડ્રિલિંગ કરવા દરમિયાન આયર રોડસનો અવરોધ ઉભો થયો હતો આથી રેસ્કયુ ઓપરેશનમાં બ્રેક વાગ્યો હતો. રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ કરવામાં ૧૨ થી ૧૫ કલાક જેટલો સમય વધારે થયો છે. રેસ્કયુ ટીમે હવે તમામ પ્રકારના અવરોધ પાર કરી લીધા છે. મજૂરો હવે ખુલી હવામાં શ્વાસ લે તેવી પરીસ્થિતિ નિર્માણ થઇ રહી છે. ટનલમાં ફસાયેલી જીંદગી સુરક્ષિત રહે તેવી રીતે રેસ્કયૂ ઓપરેશન ચાલી રહયું છે.