પૂજારીની નિમણૂક પ્રક્રિયા, પગાર, ભક્તોની સુવિધામાં વધારો... કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
પૂજારીની નિમણૂક પ્રક્રિયા, પગાર, ભક્તોની સુવિધામાં વધારો... કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો 1 - image


Image Source: Wikipedia

વારાણસી, તા. 09 ફેબ્રુઆરી 2024 શુક્રવાર

શ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં ચાર દાયકા બાદ પૂજારી સેવા માર્ગદર્શિકા લાગુ થવાનો માર્ગ વિસ્તૃત થઈ ગયો છે. મંદિરના ટ્રસ્ટની ગુરુવારે આયોજિત 105મી બેઠકમાં આની પર ચર્ચા કરવામાં આવી. સમસ્ત મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કર્યા બાદ પરિષદે સર્વસંમતિથી સંમતિ વ્યક્ત કરી દીધી. પ્રદેશ સરકારે 1983માં મંદિરનો કબ્જો લીધો હતો.

પુજારીઓને મળશે 90 હજાર પગાર

વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર માટે 50 પૂજારીઓની ભરતી કરવામાં આવશે. પૂજારીઓની ભરતી ત્રણ શ્રેણીમાં થશે. વરિષ્ઠ અર્ચકને 90 હજાર, જુનિયર અર્ચકને 70 હજાર અને મદદનીશ અર્ચકને 45 હજાર પ્રતિ માસ પગાર આપવામાં આવશે. એટલું જ નહીં, પૂજારીઓને રાજ્યના કર્મચારીઓની જેમ ઘણા ભથ્થા પણ આપવામાં આવશે. કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટની 105મી બેઠકમાં પૂજારી સેવા નિયમોને લઈને સર્વસંમતિ સધાઈ છે.

માર્ગદર્શિકામાં નિમણૂક પ્રક્રિયા સહિત ઘણા મુદ્દાઓને સામેલ કરવામાં આવ્યા

જે બાદ પ્રસ્તાવ તો ઘણી વખત પાસ થયા પરંતુ સેવા માર્ગદર્શિકા હવે બની શકી છે. જેમાં પૂજારીઓની નિમણૂક પ્રક્રિયા, પગાર, સેવાનિવૃતિ સહિત તમામ મુદ્દાઓને સામેલ કરવામાં આવ્યા છે. મંદિરમાં લગભગ 50 પૂજારી હશે જેમાં મુખ્ય, જુનિયર અને સહાયક પુરોહિત વગેરે જેવી શ્રેણીઓ હશે.

મંદિર ટ્રસ્ટની બેઠકમાં નક્કી કરવામાં આવ્યુ કે ધોરણ 6થી 12 સુધીના તમામ બાળકોને મફત પુસ્તક-ડ્રેસ આપવામાં આવશે. શાળાઓને સંગીતનાં સાધનો આપવામાં આવશે. એકાદ-બે મહિનામાં તેનો અમલ કરવામાં આવશે.

એક કરોડ રૂપિયા સુધીનું બજેટ ટ્રસ્ટ તરફથી આપવાની સંમતિ આપવામાં આવી

આ સિવાય વિશ્વનાથ મંદિરમાં પ્રથમ વખત સંસ્કૃતની આંતર-શાળા સ્પર્ધાઓ સહિત વિવિધ સ્તરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. જેમાં વડાપ્રધાનને પણ આમંત્રણ આપવામાં આવશે. આ દરમિયાન ટ્રસ્ટી સભ્ય સંપૂર્ણાનંદ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. બિહારીલાલ શર્માના આગ્રહ પર યુનિવર્સિટીને મકાનનું સમારકામ અને સારસંભાળ માટે એક કરોડ રૂપિયા સુધીનું બજેટ ન્યાસ પરિષદ તરફથી આપવાની સંમતિ આપવામાં આવી. દરરોજ બાબાનો ભોગ-પ્રસાદ શહેરના સ્ટેશન, બસ સ્ટેશન અને ઘાટો પર રહેતા લોકોને વહેંચવામાં આવશે.

પ્રસાદની અલગ રેસિપી તૈયાર કરવાનો પ્રસ્તાવ પાસ

મંદિર અન્નક્ષેત્રમાં ભોગ-પ્રસાદ તૈયાર કરાવીને પેક કરાવવામાં આવશે અને મંદિરના વાહનથી બપોરે વહેંચવામાં આવશે. તિરુપતિ બાલાજી અને મહાકાલ મંદિરની જેમ શ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં પણ પ્રસાદની અલગ રેસિપી તૈયાર કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. ભૂમિ-ભવનના ઉપયોગ માટે આર્કિટેક્ટ કંપની ઈનપેનલમેન્ટ કરવા પર ચર્ચા થઈ.

દર્શનાર્થીઓની વધતી સંખ્યાને જોતા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો અને જમીન-મકાનોની ખરીદી કરીને રોડ પહોળો કરવો અને પાર્કિગનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો. બેઠકની અધ્યક્ષતા ટ્રસ્ટના અધ્યક્ષ પ્રો. નાગેન્દ્ર પાંડેએ કરી હતી. મુખ્ય કારોબારી અધિકારી વિશ્વભૂષણ મિશ્રાએ ગત બેઠકમાં લેવાયેલા નિર્ણય અને આગામી સત્ર માટેના બજેટનો અનુપાલન અહેવાલ રજૂ કર્યો હતો. જેને ટ્રસ્ટ દ્વારા સંમતિ આપવામાં આવી હતી.


Google NewsGoogle News