Get The App

'લોકો આજે પણ તાંત્રિકો પાસે જાય છે, તે દુર્ભાગ્યપૂર્ણ', જાતીય શોષણ કેસમાં હાઈકોર્ટે પાખંડી બાબાને ફટકારી સજા

હાઈકોર્ટે જાતીય શોષણ સંબંધિત કેસની મહત્ત્વપૂર્ણ સુનાવણી કરી હતી

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
'લોકો આજે પણ તાંત્રિકો પાસે જાય છે, તે દુર્ભાગ્યપૂર્ણ', જાતીય શોષણ કેસમાં હાઈકોર્ટે પાખંડી બાબાને ફટકારી સજા 1 - image


Bombay High Court Sexual Harassment Case: બોમ્બે હાઈકોર્ટે છ માનસિક વિકલાંગ છોકરીઓની જાતીય શોષણ સંબંધિત કેસની સુનાવણી કરી હતી. કોર્ટે તાંત્રિક વિદ્યા અને પાખંડી બાબાઓની નિંદા કરતા કહ્યું કે, 'આજના સમયની દુર્ભાગ્યપૂર્ણ વાસ્તવિકતા છે કે લોકો પોતાની સમસ્યાઓના ઉકેલ માટે તાંત્રિક અને બાબાઓ પાસે જઈ રહ્યા છે.' જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ મંજુષા દેશપાંડેની બેન્ચે આ કેસમાં તાંત્રિક હોવાનો દાવો કરનાર 45 વર્ષીય વ્યક્તિને આપવામાં આવેલી આજીવન કેદની સજાને યથાવત રાખી હતી.

જાતીય શોષણ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી

અહેવાલો અનુસાર, તાંત્રિક બાબા હોવાનો દાવો કરી એક વ્યક્તિએ છ માનસિક વિકલાંગ છોકરીઓની સારવાર કરવાના બહાને તેમનું જાતીય શોષણ કર્યું હતું. સાથે પીડિતાના માતા-પિતાનું પાસેથી સારવારની આડમાં 1.30 કરોડ રૂપિયા લીધા હતા. આ મામલામાં પહેલી FIR વર્ષ 2010માં નોંધવામાં આવી હતી. સેશન્સ કોર્ટે 2016માં આ વ્યક્તિને દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

બોમ્બે હાઈકોર્ટે શું કહ્યું?

સેશન્સ કોર્ટના આદેશને પડકારતી દોષિત વ્યક્તિએ બોમ્બે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. કોર્ટે તેની અપીલ ફગાવી દીધી અને કહ્યું કે, 'આ એવો મામલો નથી જેમાં સજા ઘટાડવી જોઈએ. તથ્યો ગંભીર છે, તેથી સજા કાયદા અનુસાર થવી જોઈએ. આ અંધશ્રદ્ધાનો વિચિત્ર મામલો છે. આપણા જમાનાની દુર્ભાગ્યપૂર્ણ વાસ્તવિકતા છે કે લોકો ક્યારેક પોતાની સમસ્યાઓના ઉકેલ માટે કહેવાતા તાંત્રિકો અને બાબાઓ પાસે જાય છે અને આ બાબાઓ અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવીને લોકોનું શોષણ કરે છે.'


Google NewsGoogle News