આસામ સરકારનો મહત્વનો નિર્ણય : 1300 જેટલી મદ્રેસાઓને મિડલ ઇંગ્લીશ સ્કૂલમાં ફેરવી નાંખી
- એપ્રિલ 2021માં જ રાજ્ય હસ્તકના મદ્રેસા, બોર્ડ નીચે કાર્યરત 610 મદ્રેસાઓને પ્રાયમરી, હાય અને હાયર સેકન્ડરી સ્કૂલમાં ફેરવી
દીસપુર : આસામ સરકારે આપેલા આદેશ પ્રમાણે આશરે ૧૩૦૦ જેટલી મદ્રેસાઓને મિડલ ઇંગ્લીશ સ્કૂલમાં ફેરવી નાખવામાં આવી છે. આસામ સરકારનાં એલિમેન્ટરી એજ્યુકેશનના ડાયરેક્ટર સુરંજના સેનાપતિએ બુધવારે પ્રસિદ્ધ કરેલા હુકમ પ્રમાણે રાજ્યમાં રહેલી ૧૨૮૧ જેટલી ડીરેક્ટર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન બોર્ડ નીચેની મદ્રેસાઓ હવે મિડલ ઇંગ્લિશ સ્કૂલ્સ (એમ-ઇ-સ્કૂલ્સ) બની રહેશે. આ સાથે તેમ પણ જણાવવામાં આવ્યું છે કે આ હુકમ તત્કાળ અમલી બની રહેશે.
આ પૂર્વે એપ્રિલ ૨૦૨૧માં રાજ્ય હસ્તકની મદ્રેસા-બોર્ડ નીચે કાર્યરત તેવી ૬૧૦ મદ્રેસાઓને હાયર પ્રાયમરી, હાય એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ્સમાં ફેરવવામાં આવી છે. જો કે, આ ફેરફારથી તેમાં કામ કરતાં શિક્ષકો, નોન ટીચીંગ સ્ટાફ (કારકૂનો, પટાવાળા, જમાદાર) વગેરેનાં પદ, પગારો કે વેતન કે સર્વિસ કંડીશન્સમાં કોઇ ફેરફાર થશે નહીં. તેમાં પણ તે હુકમમાં જણાવવામાં આવ્યું છે.
પીટીઆઈ જણાવે છે કે, સુરંજના સેનાપતિએ કહ્યું હતું કે, આશરે ૧૩૦૦ જેટલી મિડલ ઇંગ્લીશ સ્કૂલ્સમાં વર્ગો નિયમિત રીતે ચાલી રહ્યા છે. આ મદ્રેસાઓમાં પહેલાં માત્ર 'થિયોલોજી' (ધાર્મિક સિદ્ધાંતો જ) ભણાવવામાં આવતા હતા કે કેમ ? તેવા પત્રકારોના પ્રશ્નનો તેઓએ ઉત્તર આપવા ઇન્કાર કર્યો હતો.