Get The App

ભારતે સિંધુ જળ સંધિ અટકાવી તો દીધી પણ તેનો અમલ મુશ્કેલ? જેટલું સરળ દેખાય તેવું છે નહીં

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
Indus Waters Treaty Suspension Challenges


Indus Waters Treaty Suspension Challenges: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે નરેન્દ્ર મોદી સરકારે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો નિર્ણય લઈ લીધો. મોદી સરકારે કુલ 5 નિર્ણય લીધા છે. જેમાં અટારી ચેક પોસ્ટ બંધ કરવી, પાકિસ્તાનીઓના વિઝા બંધ કરવા, પાકિસ્તાની દૂતાવાસમાં સ્ટાફ ઘટાડવો અને પાકિસ્તાનમાં ભારતના દૂતાવાસમાંથી લશ્કરી સલાહકારોને પાછા બોલાવી લેવા જેવા નિર્ણયોનો સમાવેશ થાય છે. 

ભારત અને પાકિસ્તાનના તણાવપૂર્ણ સંબંધોને જોતાં બાકીના નિર્ણયોથી પાકિસ્તાનને બહુ ફરક નહીં પડે પણ સિંધુ જળ સ્થગિત કરવાનો નિર્ણય મહત્ત્વનો છે કેમ કે સિંધુ સહિતની 6 નદીઓનાં પાણી પાકિસ્તાનની લાઈફ લાઈન છે. 

ભારત અને પાકિસ્તાન વચ્ચે બિયાસ, રાવિ, સતલજ, સિંધુ, ચિનાબ અને ઝેલમ એ 6 નદીઓના પાણીની વહેંચણી માટે 1960માં સિંધુ જળ સંધિ થઈ હતી. વર્લ્ડ બેન્કની મધ્યસ્થીથી થયેલી આ સંધિ પ્રમાણે ભારત-પાકિસ્તાનમાં વહેતી 6 મોટી નદીમાંથી ભારતના ભાગે બિયાસ, રાવિ અને સતલજ એ 3 નદી આવી હતી જ્યારે પાકિસ્તાનના ભાગે સિંધુ, ચિનાબ અને ઝેલમ નદી આવી છે. 

મતલબ કે, ભારત બિયાસ, રાવિ અને સતલજ એ ત્રણ નદીનાં પાણીનો ઉપયોગ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકે જ્યારે પાકિસ્તાન સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીના પાણીનો ઉપયોગ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકે. 

પાકિસ્તાનને ડર હતો કે ભારત પાકિસ્તાન આવતી નદીઓનાં પાણી રોકીને પાણીની કૃત્રિમ અછત ઉભી કરીને પાકિસ્તાનમાં દુકાળ લાવી શકે. પાકિસ્તાને આ ડર યુ.એન.માં વ્યક્ત કરતાં આ સંધિ કરાઈ હતી. ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી તેના કારણે પાકિસ્તાનનો આ ડર સાચો પડયો છે કેમ કે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો મતલબ બિયાસ, રાવિ, સતલજ, સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીનાં પાણીને પાકિસ્તાન જતાં રોકી દેવો એવો જ થાય છે. 

કામ જેટલું સરળ દેખાય છે એટલું સરળ છે નહી

મોટાભાગના લોકોએ મોદી સરકારના નિર્ણયને ડિપ્લોમેટિક સ્ટ્રાઈક ગણાવી છે. કેટલાકે તેને માસ્ટરસ્ટ્રોક ગણાવીને આગાહી કરી નાખી છે કે, હવે પાકિસ્તાન પાણીના એક-એક ટીપા માટે તરસી જશે. પાકિસ્તાનમાં ઉભો પાક સૂકાઈ જશે. પાકિસ્તાને બનાવેલા ડેમ તથા હાયડ્રોપાવર પ્રોજેક્ટ ઠપ્પ થઈ જશે તેથી વીજળી પણ ઉત્પન્ન નહીં થાય. 

પરિણામે પાકિસ્તાનના ઉદ્યોગોને તાળાં વાગી જશે અને પાકિસ્તાનનાં ઘરો અંધકાર યુગમાં જતાં રહેશે. અહીંયા આ સંધિની અસરો અને તેના અમલીકરણ પણ સમજવા જેવા છે. ભારત સરકાર દ્વારા કરાયેલી જાહેરાતો કાગળ પર સાચી લાગે પણ વાસ્તવિક રીતે એ શક્ય છે? બિલકુલ નથી. 

સૌથી મોટો સવાલ એ છે કે, ભારત સિંધુ સહિત 6 નદીનાં પાણીને પાકિસ્તાનમાં જતાં કઈ રીતે રોકી શકશે ? નદીનું પાણી વાયરમાં વહેતો વીજ પ્રવાહ નથી કે સ્વિચ પાડો ને લાઈટ બંધ થઈ જાય એ રીતે સ્વિચ પાડો ને પાણી બંધ થઈ જાય. 

નદીનાં પાણીને રોકવા માટે લાંબા ગાળાનું આયોજન જોઈએ. ડેમ-ચેક ડેમ બનાવીને, નદીના પ્રવાહને બદલીને કે નહેરોમાં વાળીને પાણીને રોકી શકાય પણ અત્યાર સુધી ભારતે કદી સિંધુ જળ સંધિ સ્થગિત કે ફોક કરવાનું વિચાર્યું નહોતું એટલે કોઈ એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું નથી. 

તેમજ રાતોરાત એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું ના થઈ શકે તેથી સિંધુ સંધિ સ્થગિત કરી દેવાથી સિંધુ સહિત 6 નદીનાં પાણી પાકિસ્તાન જતાં બંધ કરી દેવાશે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી.

પાણી રોકાય તો આંતરરાષ્ટ્રીય સ્તરે મુદ્દો ચગે તેમ છે

ભારતે ભૂતકાળમાં એ દિશામાં વિચાર્યું હોત તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરીને આ પાણી રોકીને પાકિસ્તાનની હાલત બગાડી શક્યું હોત પણ ભારતે કદી એવો પ્રયત્ન પણ ના કર્યો. હવે ભારત અત્યારથી એ દિશામાં પગલાં લે તો ભવિષ્યમાં એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થઈ શકે પણ હાલમાં કશું જ થાય તેમ નથી. 

સિંધુ જળ સંધિમાં વર્લ્ડ બેન્ક મધ્યસ્થી છે તેથી આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગાજશે. ભારતે સિંધુ જળ સંધિની સમીક્ષા અને સુધારા (રીવ્યુ એન્ડ મોડિફિકેશન) કરવા માટે ચર્ચા કરવા નોટિસ આપેલી પણ પાકિસ્તાન તેને ઘોળીને પી ગયું હતું, હવે ભારત સંધિ જ સ્થગિત કરી નાંખવા માગે છે તેથી પાકિસ્તાન ચૂપ નહીં બેસે. પાકિસ્તાન વર્લ્ડ બેન્ક સહિત બધાં લાગતાં વળગતાં સામે કાગારોળ મચાવશે તેથી આ મુદ્દો ગાજવાનો. તેના કારણે આંતરરાષ્ટ્રીય દબાણ પણ પેદા થશે. 

પાકિસ્તાનને મદદ કરવા ચીન ભારતનું નાક દબાવી શકે છે

સિંધુ જળ સંધિ મુદ્દે ભારતે બીજા ખતરાને પણ ધ્યાનમાં લેવો પડે. અત્યારે પાકિસ્તાન ચીનના ખોળામાં બેઠેલું છે તેથી પાકિસ્તાનની મદદે આવીને ચીન ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે. 

સિંધુ નદી પાકિસ્તાનમાં ભારત થઈને જાય છે પણ તેનું મૂળ તિબેટમાં છે. સિંઘુ તિબેટના પશ્ચિમ ભાગમાં કૈલાસ પર્વત અને કૈલાસ માનસરોવરની નજીકથી નિકળીને ભારતના લદાખમાં આવે છે. લદાખથી પાકિસ્તાને પચાવી પાડેલા ગિલગિટ-બાલ્તિસ્તાન જાય છે ને પછી ખૈબર પખ્તુનવાલા થઈને પાકિસ્તાનના પંજાબમાં જાય છે. 

આ પણ વાંચો: ભારતે સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીના પાણીને રોકવું હોય તો શું કરવું પડે?

આપણે લદાખમાં સિંધુને રોકી દઈએ એ પહેલાં ચીન તિબેટથી જ સિંધુને રોકી દે એ શક્ય છે.   સિંધુના પાણીની ભારતને જરૂર નથી તેથી તેનાથી કંઈ ફરક ના પડે પણ પાકિસ્તાનને ખાતર ચીન બ્રહ્મપુત્રાનું પાણી રોકી દે તો ભારતનની હાલત બગડી જાય. 

ચીનમાં યારલુંગ ઝાંગબો તરીકે ઓળખાતી બ્રહ્મપુત્રા ભારતથી બાંગ્લાદેશ જાય છે. ભારતમાં અરૂણાચલ પ્રદેશથી પ્રવેશીને બ્રહ્મપુત્રા આસામમાં જાય છે. આસામ, અરૂણાચલ પ્રદેશ સહિતનાં ઉત્તર-પૂર્વનાં બધાં રાજ્યો બ્રહ્મપુત્રા પર નિર્ભર છે. ટેકનોલોજીમાં રાક્ષસી તાકાત ધરાવતું ચીન ગમે તે કરી શકે તેમ છે એ જોતાં બ્રહ્મપુત્રાનું પાણી પણ રોકી શકે. 

મિલિટરી એક્શન પણ ગમે ત્યારે લેવાઈ શકે છે

ભારતમાં પહલગામના હુમલા પછી લોકઆક્રોશ ભડકેલો છે. પાકિસ્તાન સામે મિલિટરી એક્શન સિવાય કોઈ આરો નથી એવો નિષ્ણાતોનો મત છે. લોકલાગણી પણ પાકિસ્તાનને એક વાર ખોખરું કરી નાંખવું જોઈએ એવી છે પણ મોદી સરકાર તાત્કાલિક કોઈ હુમલો કરવાના મૂડમાં નથી તેથી જનાક્રોશને શાંત પાડવા સિંધુ જળ સંધિ સ્થગિત કરવા સહિતના નિર્ણયો લેવા પડયા છે. 

પહલગામ મુદ્દે ભારત પાસે ભવિષ્યમાં મિલિટરી એક્શનનો વિકલ્પ ખુલ્લો જ છે ને મોદી સરકાર ગમે ત્યારે એ વિકલ્પ અજમાવી શકે છે તેથી નિરાશ થવાની જરૂર નથી.

ભારતે સિંધુ જળ સંધિ અટકાવી તો દીધી પણ તેનો અમલ મુશ્કેલ? જેટલું સરળ દેખાય તેવું છે નહીં 2 - image

Tags :