બ્રિટીશ કાળના કાયદા હવે ભૂતકાળ થયાં, આજથી સમગ્ર દેશમાં 3 નવા કાયદા લાગુ, જાણો તમામ માહિતી
3 New Law Implement in India : પહેલી જુલાઈ સોમવારથી સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ નામના ત્રણ નવા કાયદા અમલમાં આવી ગયા છે. જ્યારે બ્રિટિશ કાળના ત્રણ કાયદા આઇપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડેંસ એક્ટનો હવે અંત આવી ગયો છે. જુના કાયદાઓના નામ સહિતના ફેરફારો સાથે નવા કાયદા સમગ્ર દેશના પોલીસ સ્ટેશનો અને કોર્ટ સહિત તમામ જરૂરી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ નવા કાયદા હેઠળ ઝડપથી ન્યાય થશે. નવા કાયદાઓમાં ઓનલાઇન પોલીસ ફરિયાદ, ઝીરો એફઆઇઆર, ગંભીર ગુનાના સ્થળની ફરજિયાત વીડિયોગ્રાફી સહિતના ફેરફારો કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે આ ત્રણ કાયદા ભારતીયો દ્વારા ભારતીયો માટે ભારતીય સંસદ દ્વારા તૈયાર કરાયા છે. નવા કાયદા મુજબ કોર્ટમાં ટ્રાયલ પૂર્ણ થાય તેના 45 દિવસમાં ચુકાદો આપવાનો રહેશે જ્યારે પ્રથમ સુનાવણીના 60 દિવસમાં આરોપો ઘડવાના રહેશે. બળાત્કાર પીડિતાનું નિવેદન તેના માતા પિતા કે સગા સંબંધીની હાજરીમાં મહિલા પોલીસ અધિકારી દ્વારા રેકોર્ડ કરવામાં આવશે. જ્યારે રેપના કેસમાં મેડિકલ રિપોર્ટ સાત દિવસમાં રજુ કરવાનો રહેશે. મહિલાઓ અને બાળકો વિરુદ્ધના અપરાધોમાં નવું ચેપ્ટર ઉમેરવામાં આવ્યું છે, હવેથી બાળકોની ખરીદી અને વેચાણ જઘન્ય અપરાધ ગણાશે. જ્યારે સગીરા પર બળાત્કારના કેસમાં ફાંસી અથવા આજીવન કેદની સજા થશે. જોકે પોક્સો કાયદા હેઠળ હાલ પણ આ સજાની જોગવાઇ છે.
આ ઉપરાંત આઇપીસીની કલમોને 511થી ઘટાડીને નવા કાયદામાં 358 કરવામાં આવી છે. કેટલીક કલમોને એકબીજાની સાથે જોડી દેવામાં આવી છે જેથી સંખ્યા ઘટી ગઇ છે. જ્યારે કેટલાક અપરાધો જેમ કે લગ્નના જૂઠા વચન આપવા, સગીરા પર ગેંગ રેપ, મોબ લિન્ચિંગ, ચેઇન સ્નેચિંગ વગેરે જેવા અપરાધોમાં ફરિયાદ તો થાય છે પણ તે અપરાધને લઇને કોઇ ચોક્કસ જોગવાઇ આઇપીસીમાં નથી, નવા કાયદા ભારતીય ન્યાય સંહિતામાં આ અપરાધો માટે અલગથી જોગવાઇ કરવામાં આવી છે. જેમ કે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા બાદ મહિલાને તરછોડી દેવી અપરાધ ગણાશે. જ્યારે મોબ લિન્ચિંગના કેસમાં ફાંસીની સજાની જોગવાઇ કરવામાં આવી છે. નવા કાયદાઓમાં ટેક્નોલોજીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, હવેથી કોઇ પણ પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઇઆર દાખલ થઇ શકશે જ્યાં ફરિયાદ દાખલ કરાવી હોય તેની હદમાં અપરાધ ના બન્યો હોય તો પણ પોલીસે આ ફરિયાદ દાખલ કરવી પડશે. જ્યારે ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનથી પણ ફરિયાદ દાખલ કરાવી શકાશે, આમ થવાથી પોલીસ દ્વારા ઝડપથી કાર્યવાહી કરવાની રહેશે. અન્ય એક રસપ્રદ જોગવાઇ ધરપકડને લઇને કરવામાં આવી છે, જ્યારે કોઇની ધરપકડ કરવામાં આવે ત્યારે તે વ્યક્તિ પોતાની ઇચ્છા મુજબની વ્યક્તિને ધરપકડ સહિતની તમામ જાણકારી આપી શકશે. જેથી મનમાનીથી આડેધડ થતી ધરપકડ અટકશે. ધરપકડ બાદ પોલીસ સ્ટેશને ધરપકડની માહિતી લગાવવાની રહેશે જેથી જેની ધરપકડ કરાઇ હોય તેમના પરિવારજનો તે માહિતી મેળવી શકે. પીડિત મહિલાઓને તેમના કેસોની માહિતી 90 દિવસની અંદર રેગ્યુલર અપડેટ સાથે આપવાની રહેશે.
મહિલાઓ અને બાળકો વિરુદ્ધના અપરાધમાં પીડિતોને તમામ હોસ્પિટલમાં મફતમાં સારવાર કે સ્વાસ્થ્ય સહાયતા પુરી પાડવામાં આવશે. હવેથી સમન્સ ઇલેક્ટ્રોનિક માધ્યમથી મોકલી શકાશે, જેને કારણે પેપર આધારીત કામ ઓછુ થશે. મહિલાઓ સામેના કેટલાક અપરાધોમાં મહિલા મેજિસ્ટ્રેટ દ્વારા પીડિતાનું નિવેદન લેવામાં આવશે, જો મહિલા મેજિસ્ટ્રેટ ના હોય તો તેવી સ્થિતિમાં પીડિતાની સાથે એક મહિલાની ઉપસ્થિતિમાં પુરુષ મેજિસ્ટ્રેટ પણ નિવેદન લઇ શકશે. જ્યારે રેપ પીડિતાના નિવેદનનું ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ થશે જેને ગુપ્ત રાખવામાં આવશે. 14 દિવસમાં જ પીડિતા અને આરોપી બન્નેને ફરિયાદ, પોલીસ રિપોર્ટ ચાર્જશીટ, નિવેદન વગેરેની કોપી આપવાની રહેશે. તમામ રાજ્યોએ સાક્ષીઓની સુરક્ષા માટે સ્કીમો લાવવાની રહેશે. 15 વર્ષથી ઓછી વય અને 60 વર્ષથી વધુ વયના તેમજ દિવ્યાંગો અથવા ગંભીર સ્વાસ્થ્ય તકલીફવાળી વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જવાની જરૂર નહીં રહે, પોલીસ દ્વારા આવા તમામ લોકોને ઘરે જ મદદ પુરી પાડવાની રહેશે.
નવા કાયદા અને જોગવાઇઓ
- ઝીરો ફરિયાદને અપરાધવાળા પોલીસ સ્ટેશનમાં ૧૫ દિવસમાં મોકલવાની રહેશે
- ક્રોસ એક્ઝામિનેશન સહિત પુરી સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગથી કરવામાં આવશે
- તમામ પ્રકારના ગેંગરેપના કેસોમાં 20 વર્ષ કે આજીવનની સજા થશે
- સગીરા પર રેપના કેસમાં ફાંસીની સજાનો પણ સમાવેશ
- ફરિયાદના 90 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવાની રહેશે, જેને કોર્ટ 90 દિવસ માટે લંબાની શકશે
- આરોપપત્ર મળ્યાના 60 દિવસની અંદર કોર્ટે આરોપો ઘડવાનું કામ પૂર્ણ કરવાનું રહેશે
- સુનાવણી પૂર્ણ થયાના 30 દિવસની અંદર ચુકાદો આપવાનો રહેશે
- ચુકાદો આપ્યા બાદ સાત દિવસમાં ફરજિયાત કોપી ઓનલાઇન અપલોડ કરવાની રહેશે
- દરોડા કે જપ્તી દરમિયાન વીડિયોગ્રાફી ફરજિયાત કરવાની રહેશે
- સાત વર્ષ કે તેથી વધુની સજાના અપરાધોમાં ફોરેન્સિક ટીમોંએ ફરજિયાત અપરાધ સ્થળે જવાનું રહેશે
- જિલ્લા સ્તરે મોબાઇલ એફએસએલની તહેનાતી કરાશે
- સાત વર્ષ કે તેથી વધુની સજાના કેસમાં પીડિતને સુનાવણીની તક આપ્યા વગર પરત નહી લેવાય
- સંગઠીત અપરાધો માટે અલગથી કડક સજાની જોગવાઇ
- નોકરી કે લગ્ન વગેરેની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા બાદ મહિલાને ત્યજી દેવી ગંભીર અપરાધ ગણાશે
- ચેઇન, મોબાઇલ સ્નેચિંગ માટે અલગથી જોગવાઇ
- બાળકો વિરુદ્ધના અપરાધોમાં સજાને સાત વર્ષથી વધારીને 10 વર્ષની કરાઇ
- ફાંસીને આજીવન કેદ, આજીવન કેદને સાત વર્ષ અને સાત વર્ષને ત્રણ વર્ષ સુધી જ બદલી શકાશે
- કોઇ પણ અપરાધમાં જપ્ત કરાયેલા વાહનોની વીડિયોગ્રાફી ફરજિયાત કરવાની રહેશે
કલમો પણ બદલાઇ ગઇ
ગુનો |
જુની |
નવી |
- |
કલમ |
કલમ |
હત્યા |
302 |
101 |
છેતરપિંડી |
420 |
316 |
ગેરકાયદે એકઠા થવું |
૧૪૪ |
187 |
સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવું |
121 |
146 |
માનહાની |
499 |
354 |
ગેંગરેપ |
૩૭૬ |
63 |
- |
- |
64 |
- |
- |
70 |
સેડિશન |
૧૨૪-એ |
૧૭૦ |