પહલગામ આતંકી હુમલાની અસર: ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ જમ્મુ-કાશ્મીરનું બુકિંગ રદ કરાવ્યું
Impact of terror attack in Pahalgam: કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025, મંગળવારે થયેલા ભયંકર આતંકવાદી હુમલાને લીધે દેશભરમાં રોષનો માહોલ છે. પહેલગામમાં સહેલ કરી રહેલા પ્રવાસીઓને લક્ષ બનાવીને આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં 28 નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે. અને હજુ ડઝનેક લોકો સારવાર હેઠળ છે. સ્વાભાવિક છે કે, ઉનાળાના વેકેશનમાં પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતાં કાશ્મીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા જતાં હોય છે. ત્યારે આ ઘટના બનતાં લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે, જેના કારણે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ જમ્મુ-કાશ્મીરનું બુકિંગ રદ કરાવ્યું છે. તો બીજી બાજુ ટૂર ઓપરેટર્સ બુકિંગ કેન્સલ કરાવનાર લોકોને અન્ય સ્થળોનો વિકલ્પ પણ આપી રહ્યા છે.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં હાલ 56 જેટલા આતંકવાદીઓ સક્રિય, સૌથી વધુ લશ્કર-એ-તોયબાના : રિપોર્ટ
હુમલા બાદ ડરના કારણે ઘણા લોકોએ બુકિંગ કેન્સલ કરાવ્યું
હાલમાં ઉનાળું વેકેશન ચાલતું હોવાથી મોટાભાગના લોકો આ સમયગાળામાં શિમલા અને કાશ્મીર જેવા ઠંડા પ્રદેશમાં જવાનું પસંદ કરતાં હોય છે. ખાસ કરીને એપ્રિલ અને મે મહિનાનું ભરચક બુકિંગ હોય છે. કેટલાક પ્રવાસીઓ ટૂરમાં રવાના થઈ ગયા છે, તો કેટલાક લોકો આગામી દિવસોમાં કાશ્મીરના પ્રવાસે જવાના હતા તેઓેએ આ ઘટના બાદ ડરના કારણે બુકિંગ રદ કરાવ્યું હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે ટ્રાવેલ્સ ઉદ્યોગને પણ ઝટકો લાગ્યો છે. જેથી જે લોકો પોતાની જમ્મુ-કાશ્મીર ટૂરનું બુકિંગ રદ કરાવી રહ્યા છે તેમને ટૂર ઓપરેટરો હિમાચલ, શિમલા જેવા અન્ય સ્થળો પર પ્રવાસ કરવા માટેનો વિકલ્પ આપી રહ્યા હોવાની માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે,વેકેશનની શરુઆતમાં જ પહલગામમાં આતંકી હુમલો થતાં હવે કાશ્મીર પ્રવાસન ઉદ્યોગને પણ મોટો ફટકો પડે તેમ છે.
પહલગામ કાશ્મીરનું મુખ્ય સ્થળ
કાશ્મીરમાં જે જગ્યા પર આતંકી હુમલો થયો છે તે સ્થળ એટલે પહલગામમાં પ્રવાસીઓ અચૂક જાય છે. કારણ કે પહલગામ એક વન્ડરલૅન્ડ છે. શિયાળાની સિઝનમાં આ સ્થળ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ જાય છે, જે તેને સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગ માટે યોગ્ય સ્થળ બનાવે છે. જેથી દર વર્ષે ગરમીની સિઝનમાં રજાઓ ગાળવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ અહીં આવે છે, કારણ કે ઉનાળામાં અહીં બરફ હટી ગયો હોવાથી લીલાછમ ઘાસના મેદાનો, જંગલો અને જૂના તળાવો સાથેનું આ સ્થળ જન્નત સમાન બની જાય છે.