દિલ્હીમાં પ્રદૂષણની અસર : સરકારી વિભાગોના સમયમાં ફેરફાર
- પ્રદૂષણ અને ટ્રાફિક ઘટાડવા દિલ્હી સરકારનો નિર્ણય
- દિલ્હી સહિત સમગ્ર ઉ. ભારતમાં ધુમ્મસથી દ્રશ્યતા ઘટી : 50થી વધુ ટ્રેનો અને 300થી વધુ ફલાઇટોના સમયમાં વિલંબ
નવી દિલ્હી : ટ્રાફિકની સમસ્યા ઘટાડવા અને પ્રદૂષણના વધતા સ્તરને ઓછું કરવા દિલ્હીના વિભિન્ન વિભાગો માટે ઓફિસ આવવા અને જવાના સમયમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યપ્રધાન આતિશીએ એક્સ પર એક પોસ્ટમાં આ સંબધમાં માહિતી આપી હતી.
આ નવા આદેશ અનુસાર ટ્રાફિક અને વાયુ પ્રદૂષણને ઘટાડવામાં મદદ માટે દિલ્હી સરકારની ઓફિસો વ્યસ્ત સમયમાં અલગ અલગ કામના કલાકોનું પાલન કરશે. આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે.
નવા આદેશ મુજબ દિલ્હી નગર નિગમના કર્મચારીએ માટે ઓફિસનો સમય સવારે ૮.૩૦થી સાંજે ૫.૦૦ સુધી રહેશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઓફિસનો સમય સવારે ૯.૦૦ થી સાંજે ૫.૩૦ સુધી રહેશે.
દિલ્હી સરકારના અન્ય વિભાગોના કર્મચારીઓ માટે ઓફિસનો સમય સવારે ૧૦.૦૦ થી સાંજે ૬.૩૦ સુધી રહેશે. આ ફેરફારનો ઉદ્દેશ સડકો પર વાહનોની ભીડ ઓછી કરવા, ધુમાડાથી થતાં પ્રદૂષણને ઘટાડવા અને વ્યસ્ત સમયમાં ઓફિસના લોકોને ટ્રાફિક જામથી મુક્તિ અપાવવાનો છે.
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ માટે વાહનોમાંથી નીકળતા ધુમાડાને પણ એક મુખ્ય કારણ ગણવામાં આવી રહ્યું છે. પરાળી બાળવા અને ફટાકડા પર પ્રતિબંધ છતાં દિલ્હીમાં પ્રદૂષણ ઘટી રહ્યું નથી.
ંકમિશન ફોર એક કવાલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ) અનુસાર દિલ્હીના પ્રદૂષણમાં વાહનોમાંથી નીકળતા ધુમાડાની હિસ્સેદારી ૧૩.૩ ટકા છે.
દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારત છેલ્લા બે દિવસથી ધુમ્મસની સફેદ ચાદર છવાયેલી છે. ધુમ્મસને કારણે ટ્રેનો અને ફલાઇટોના સમયમાં વિલંબ થઇ રહ્યો છે. અમૃતસર, ચંડીગઢ અને દિલ્હીની અનેક ફલાઇટના સમયમાં વિલંબ થયો હતો.
દિલ્હી આવનારી ૩૦થી વધારે ટ્રેનો વિલંબથી ચાલી રહી હતી. દિલ્હી-એનસીઆરની ૫૦થી વધારે ટ્રેનો પર ધુમ્મસની અસર જોવા મળી રહી છે. દિલ્હી એરપોર્ટ પર ૩૦૦થી વધુ ફલાઇટ નિર્ધારિત સમય કરતા વિલંબથી ચાલી હતી.