ચીન સાથે સરહદ વિવાદનો તાત્કાલિક ઉકેલ જરૂરી : મોદી
- ભારત-ચીન વચ્ચે સ્થિર અને શાંતિપૂર્ણ સંબંધો સંપૂર્ણ ક્ષેત્ર અને દુનિયા માટે મહત્ત્વપૂર્ણ
- ક્વાડ જૂથ ચીનના વિરોધમાં બનાવાયું હોવાનો પીએમ મોદીનો ઈનકાર એસસીઓ, બ્રિક્સની જેમ ક્વાડ સમાન વિચાર પર કામ કરતા દેશોનું જૂથ
- દેશમાં ઉત્પાદન ક્ષમતા વધારવા 14 ક્ષેત્રોમાં પીએલઆઈ જેવી યોજનાઓ પર મોદીએ પ્રકાશ પાડયો
- બેન્કરપ્સી કોડ, શ્રમ કાયદામાં સુધારાથી ભારતમાં વેપાર કરવાનું ઘણું સરળ બન્યું
નવી દિલ્હી : પૂર્વીય લદ્દાખમાં પેંગોંગ ત્સો સરોવરના વિવાદ અને ગલવાન હિંસા પછી ભારત અને ચીન વચ્ચે અત્યંત તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ત્યાર પછી બંને દેશોના સંબંધોમાં કોઈ સુધારો થયો નથી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભારપૂર્વક કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સામાન્ય બનાવવા માટે વિવાદાસ્પદ વાસ્તવિક નિયંત્રણ રેખા પર 'લાંબા સમયથી ચાલતી સ્થિતિ'નો તુરંત ઉકેલ લાવવાની જરૂર છે. બંને દેશ વચ્ચે સ્થિર અને શાંતિપૂર્ણ સંબંધ સંપૂર્ણ ક્ષેત્ર અને દુનિયા માટે મહત્વપૂર્ણ છે તેમ પણ પીએમ મોદીએ કહ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી કે રાજકીય અને સૈન્ય સ્તરે સકારાત્મક દ્વિપક્ષીય જોડાણથી શાંતિ સ્થાપિત કરી શકાશે.
ભારતમાં સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનને હવે ૧૦ દિવસથી પણ ઓછો સમય બાકી છે ત્યારે અમેરિકાના ન્યૂઝવીક મેગેઝીનને આપેલી મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત માટે ચીન સાથેના સંબંધો અત્યંત મહત્વપૂર્ણ છે. મને આશા અને વિશ્વાસ છે કે રાજદ્વારી અને સૈન્ય સ્તરે સકારાત્મક તથા રચનાત્મક દ્વિપક્ષીય જોડાણના માધ્યમથી અમે અમારી સરહદો પર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા સક્ષમ બનીશું.
ચીન સાથે પ્રતિસ્પર્ધાના વિષયે પીએમ મોદીએ ભારતના આર્થિક સુધારા પર પ્રકાશ પાડયો હતો અને પડોશી દેશથી દૂર પોતાની પૂરવઠા શ્રેણીઓમાં વિવિધ લાવવાની માગ કરનારા વ્યવસાયો માટે ભારતને એક આકર્ષક વિકલ્પ તરીકે તૈયાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું, ભારત એક લોકતાંત્રિક રાજકીય અને વૈશ્વિક આર્થિક વિકાસ એન્જિનના રૂપમાં તેની પૂરવઠા શ્રેણીઓમાં વિવિધતા લાવવાની ઈચ્છા રાખનારાઓ માટે એક સ્વાભાવિક પસંદ છે. લોકસભા ચૂંટણીના સંદર્ભમાં ન્યૂયોર્ક સ્થિત મેગેઝિને આપેલી મુલાકાતમાં વ્યાપક વિષયોને આવરી લેતા વડાપ્રધાને જીએસટી, કોર્પોરેટ કરમાં કાપ, લોકસભા ચૂંટણી, પાકિસ્તાન સાથે સંબધો, ક્વાડ, રામ મંદિર અને લોકતંત્ર અંગે વાત કરી હતી. પાકિસ્તાન સાથેના સંબંધો અંગે મોદીએ કહ્યું કે તેમણે પાકિસ્તાનના વડાપ્રધાનને પદ પર નિયુક્તિ સમયે શુભેચ્છા પાઠવી હતી અને ખાતરી આપી હતી કે ભારત હંમેશા આતંકવાદ અને હિંસાથી મુક્ત વાતાવરણમાં પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિની તરફેણ કરશે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની કેદ અંગે પૂછવામાં આપતા પીએમ મોદીએ કહ્યું કે તેઓ પાકિસ્તાનની આંતરિક બાબત પર કોઈ ટીપ્પણી કરવા માગતા નથી.
ચીન અને ક્વાડ જૂથના સંદર્ભમાં વડાપ્રધાને કહ્યું કે, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, જાપાન, ભારત અને ચીન અનેક જૂથોમાં સભ્યો છે. અમે વિવિધ જૂથોમાં વિવિધ સંયોજનોના સંદર્ભમાં હાજરી ધરાવીએ છીએ. ક્વાડ જૂથ કોઈ દેશ વિરુદ્ધ નથી. એસસીઓ, બ્રિક્સ અને અન્યો જેવા આંતરરાષ્ટ્રી જૂથોની જેમ ક્વાડ પણ સમાન વિચારસરણી પર કામ કરતા દેશોનું એક જૂથ છે.
પીએમ મોદીએ બેન્કરપ્સી કોડ અને શ્રમ કાયદામાં સુધારા તરફ સંકેતો કરતા કહ્યું કે આ સુધારાઓથી ભારતમાં વેપાર કરવામાં ઘણો સુધારો થયો છે. અમે અમારા નિયામક માળખા, પોતાની કર વ્યવસ્થાઓની સાથે પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક માપદંડોને અનુરૂપ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, અમારું માનવું છે કે દુનિયાની વસતીના છઠ્ઠા ભાગવાળો દેશ આ ક્ષેત્રોમાં વૈશ્વિક માપદંડોને અપનાવશે તો તેની દુનિયા પર સકારાત્મક અસર પડશે.
તેમણે ભારતની ઉત્પાદન ક્ષમતાઓ વધારવા માટે ઈલેક્ટ્રોનિક્સ, સૌર મોડયુલ, મેડિકલ ઉપકરણો અને ઓટોમોબાઈલ સહિત ૧૪ ક્ષેત્રોમાં ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (પીએલઆઈ) યોજનાઓ જેવી પહેલ પર પ્રકાશ પાડયો હતો. તેમણે કહ્યું કે, તાકાતને જોતા ભારતને હવે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક કિંમતે વૈશ્વિક સ્તરનો સામાન બનાવવા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. દુનિયા માટે ભારત ઉત્પાદન કરવા તેમજ વિશાળ ભારતીય ઘરેલુ બજાર એક વધારાનું આકર્ષણ છે.