હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ
India IMD Weather Update : હાલ દેશભરના અનેક રાજ્યોમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે. ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ચોમાસાની વિદાય છતાં ધોધમાર માવઠાં ચાલુ રહેતા પ્રજાજજનો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસમાં અનેક રાજ્યોમાં ચોમાસું પરત ભરવાની સંભાવના વ્યક્ત કરી છે. આ રાજ્યોમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, ઓડિશા અને આસામ સહિતના રાજ્યો સામેલ છે.
આગામી 24 કલાકમાં ગુજરાત સહિતના રાજ્યોમાં પડશે વરસાદ
આગામી 24 કલાકમાં તમિલનાડુ, કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તેલંગાણા અને કોંકણ અને ગોવામાં હળવાથી મધ્યમ વરસાદ સાથે એક કે બે ભારે સ્પેલ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, વિદર્ભ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ મધ્યપ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પૂર્વોત્તર ભારત, સિક્કિમ, ઓડિશા, છત્તીસગઢ, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવો વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો : હજુ તો ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી: અમદાવાદ-ગાંધીનગરમાં પણ થશે વાતાવરણ પલટો
આ રાજ્યોમાંથી ચોમાસાની વિદાય
ચોમાસાએ દક્ષિણ-પશ્ચિમના બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોમાંથી વિદાય લઈ લીધી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, સિક્કિમ, છત્તીસગઢ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, ઓડિશાના બાકીના ભાગો અને આસામ અને મેઘાલયના કેટલાક ભાગો તેમજ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાંથી પણ ચોમાસાની વિદાય થઈ ગઈ છે.
ગુજરાત સહિતના રાજ્યોમાંથી બે દિવસમાં ચોમાસાની વિદાય
આગામી બે દિવસમાં ગુજરાતના બાકીના વિસ્તારો, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા અને મહારાષ્ટ્રના કેટલાક વધુ વિસ્તારો અને ઉત્તર બંગાળની ખાડીમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું પરત ખેંચાવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. આગામી બે દિવસ દરમિયાન તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં ઓમાનના દરિયાકાંઠે આગળ વધવાની શક્યતા છે.
આ પણ વાંચો : જામનગરમાં ભારે વરસાદ વચ્ચે વીજળીનો કહેર, બે વ્યક્તિના મોત, છ લોકો દાઝ્યા