દેશભરમાં ચોમાસું જામ્યું, દિલ્હી સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
Rain forecast in many state Represtative image


Monsoon Rain IMD Latest Update: દેશભરમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. આસામમાં ભયાનક પૂર આવ્યું છે. તો ભારે વરસાદને પગલે મુંબઈ શહેરમાં જળબંબાકારની સ્થિતિ બની છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે સ્થિતિ ખરાબ છે. જ્યારે દેશભરની કેટલીક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે તેમજ કેટલીક જગ્યાએ શાળા-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે દિલ્હી-NCR સહિત દેશના 21 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.

આ રાજ્યોમાં 3 દિવસ સુધી ભારે વરસાદ પડશે

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે સાત રાજ્યોમાં વરસાદ પડશે, જેમાં મહારાષ્ટ્ર, આસામ, ગોવા, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, કર્ણાટકમાં સામેલ છે. આ ઉપરાંત દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, રાજસ્થાન, છત્તીસગઢ, કેરળ, ગુજરાત, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, તેલંગાણામાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં 12 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

દિલ્હી-NCRમાં 2 દિવસ સુધી વરસાદનું યલો એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હી-એનસીઆરમાં સોમવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જોકે સાંજ સુધીમાં ફરી ગાઢ વાદળો છવાયા હતા. પવન ફૂંકાવા લાગ્યો હતો. ત્યારે હવે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે હળવો વરસાદ થઈ શકે છે,જ્યારે તારીખ 11-12 જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે.

મુંબઈમાં આજે આવું રહેશે હવામાન

ભારતીય હવામાન વિભાગે આજે પણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના 6 જિલ્લાઓ મુંબઈ, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે, સાતારા માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈમાં 12 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે. અત્યાર સુધીના વરસાદને કારણે મુંબઈના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ અને રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયા છે. શાળા-કોલેજો બંધ છે. BMCએ લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરે છે.

ઉત્તર પૂર્વમાં ભારે વરસાદની ચેતવણી : હવામાન વિભાગ

હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ અઠવાડિયામાં સમગ્ર દેશમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. સોમવારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સક્રિય હતુ અને ટ્રફ લાઇન જેસલમેર, ચિત્તોડગઢ (રાજસ્થાન), રાયસેન, મંડલા (મ.પ્ર.), રાયપુર (છત્તીસગઢ) અને કલિંગપટ્ટનમ (આંધ્રપ્રદેશ) સુધી ચાલી છે. કોંકણ, ગોવા, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો વર્તારો છે. મંગળવાર અને બુધવારે કોંકણ, ગોવા, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ગુજરાત અને ઉત્તરી કેરળમાં ચાલતી એક ટ્રફ રેખામાં છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ કિનારે ચોમાસાને સક્રિય રાખ્યું છે. 

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, ગુજરાતમાં આ જિલ્લામાં વરસાદની આગાહી

આ રાજ્યમાં શુક્રવાર સુધી વરસાદ રહેશે

વીકેન્ડ દરમિયાન મુંબઈ અને તેના પરાવિસ્તારોમાં જબરદસ્ત વરસાદ પડ્યો હતો. તેના લીધે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. સોમવારે શહેરમાં 270 એમએમ વરસાદ નોંધાયો. હવામાન વિભાગે તેના વર્તારામાં જણાવ્યું છે કે દક્ષિણ ભારત, કર્ણાટક કાંઠો અને કેરળમાં શુક્રવાર સુધી વરસાદ રહેશે. આંધ્રપ્રદેશના કાંઠાવિસ્તાર, રાયલસીમા, યાનમ (પુડ્ડુચેરી) અને તેલંગણામાં પણ ભારે વરસાદ થશે. આસામને વરસાદથી કોઈ રાહત મળી નથી. છેલ્લા કેટલાક દિવસોમાં ત્યાં ભારે વરસાદના લીધે 50ના મોત થયા છે.

દેશભરમાં ચોમાસું જામ્યું, દિલ્હી સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી 2 - image


Google NewsGoogle News