Get The App

દેશભરમાં પ્રચંડ હીટવેવ વચ્ચે હવામાન વિભાગે આપી ખુશખબર, આ તારીખે ચોમાસાની પધરામણી

Updated: May 27th, 2024


Google NewsGoogle News
દેશભરમાં પ્રચંડ હીટવેવ વચ્ચે હવામાન વિભાગે આપી ખુશખબર, આ તારીખે ચોમાસાની પધરામણી 1 - image


IMD Monsoon Forecast : દેશભરમાં હાલ પડી રહેલી અંગદઝાડતી ગરમી અને લૂમાં લોકો તોબા પોકારી ગયા છે, ત્યારે હવામાન વિભાગે તોબા પોકારી ગયેલા લોકો માટે ચોમાસાની પધરામણીની રાહતભરી આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી પાંચ દિવસમાં કેરળમાં ચોમાસાની શરૂઆત માટેની પરિસ્થિતિ બનવાની સંભાવના છે.

કેરળમાં 31મી મેએ ચોમાસાની પધરામણી

સામાન્ય રીતે કેરળમાં પહેલી જૂને ચોમાસાની પધરામણી થાય છે. જો કે હવામાન વિભાગના મતે, આ વર્ષે કેરળમાં 31મી મેએ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. આ અંગે હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે, ‘ચોમાસુંં વહેલું તો નથી આવવાનું, પરંતુ સામાન્ય તારીખોની આસપાસ આવવાનું છે.’ 

સામાન્યથી વધુ વરસાદ પડવાની સંભાવના

અગાઉ હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચોમાસા દરમિયાન સામાન્યથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી હતી. ગત વર્ષે ચોમાસાએ અંદામાન-નિકોબાર ટાપુ પર 19 મેએ પધરામણી કરી હતી, પરંતુ કેરળમાં નવ દિવસના વિલંબ બાદ આઠ જૂને પહોંચ્યું હતું. 

ચોમાસું 15 જુલાઈ સુધીમાં દેશભરમાં ફેલાશે

ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂનના રોજ કેરળમાં એન્ટ્રી કરે છે. તેના પછી તે સામાન્ય રીતે ઝડપથી ઉત્તર તરફ આગળ વધે છે. તેની સાથે તે 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. આ પહેલા હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આ વખતે ચોમાસામાં વધુ વરસાદ પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે 15 એપ્રિલના રોજ તેમના વર્તારામાં જણાવ્યું હતું કે ચોમાસું લગભગ 106 ટકા રહેવાની આશા છે. 

1972માં ચોમાસુંં સૌથી મોડું 18 જૂને કેરળ પહોંચ્યું હતું

હવામાન વિભાગના ડેટા મુજબ, કેરળમાં ચોમાસાની પધરામણીની તારીખો છેલ્લા 150 વર્ષોમાં બદલાતી રહી છે. 1918માં ચોમાસુંં 11 મેએ સૌપ્રથમ કેરળ પહોંચ્યું હતું, જ્યારે 1972માં 18 જૂને સૌથી મોડું કેરળ પહોંચ્યું હતું. છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો 2020માં ચોમાસુંં પહેલી જૂન, 2021માં ત્રણ જૂન, 2022માં 29 મે અને 2023માં આઠ જૂને કેરળ પહોંચ્યું હતું.

‘રેમલ’ વાવાઝોડાનું જોર ઘટ્યું

ભીષણ વાવાઝોડાં રેમલે સુંદરવનથી પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને આસામ સુધી તબાહી મચાવી દીધી હતી અને આ દરમિયાન 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. મધ્યરાત્રિથી કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં ભારે પવન સાથે ભારે વરસાદ થયો હતો. રેમલના લેન્ડફોલની પ્રક્રિયા રવિવાર રાતથી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નજીકના દરિયાકિનારા પર શરૂ થઈ હતી. જોકે રેમલ નબળું પડી ગયું છે. બંગાળની ખાડી ઉપરનું રેમલ છેલ્લા 6 કલાક દરમિયાન 11 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધી ગયું છે. વાવાઝોડું બાંગ્લાદેશના ટાપુઓ અને નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકિનારાને પાર કરી ગયું છે. તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને ધીરે ધીરે નબળું પડી જશે.




Google NewsGoogle News