ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યમાં શીત લહેરની ચેતવણી, છેલ્લા 24 કલાકમાં ગુજરાત સહિત 9 રાજ્યમાં પડ્યો વરસાદ
દિલ્હીમાં એલર્ટ, રાજસ્થાનમાં સૌથી ઠંડો દિવસ નોંધાયો
હાલ ઉત્તર ભારત ગાઢ ધુમ્મસ, શીત લહેર અને લો વિજિબિલિટીનો સામનો કરી રહી છે. છેલ્લા ચારથી પાંચ દિવસથી દિલ્હી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં શીત લહેરથી લોકો ઠુંઠવાયા છે, જ્યારે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં દિવસભર અસહ્ય ઠંડી અનુભવાઈ છે. જોકે હવામાન વિભાગે લોકોને શીત લહેરથી રાહત મળવાની તારીખની જાહેરાત કરી છે.
દિલ્હીમાં એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 11 જાન્યુઆરીથી ઉત્તર પશ્ચિમ ભારતમાં અસહ્ય ઠંડીથી રાહત મલશે. જ્યારે આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી કરાઈ છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે, જે સામાન્ય હોવાનું IMDએ જણાવ્યું છે. દિલ્હીમાં અસહ્ય ઠંડીને લઈ યલ્લો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
રાજસ્થાનમાં સૌથી ઠંડો દિવસ નોંધાયો
છેલ્લા 24 કલાકમાં પંજાબ, હરિયાણા-ચંડીગઢ-દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 5થી 10 ડિગ્રી સેલ્યિસલ, મધ્યપ્રરદેશના બિહારના જુદા જુદા વિસ્તારોમાં 10થી 13 ડિગ્રી, જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન રાજસ્થાનના સીકરમાં 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
આ રાજ્યોમાં પડ્યો વરસાદ
તમિલનાડુમાં ભારે વરસાદ પડ્યો છે. કેરળ, કર્ણાટકના દરીયાકાંઠા વિસ્તાર, મધ્ય મહારાષ્ટ્ર, અંદામાન અને નિકોબારના દક્ષિણી ટાપુ તેમજ મધ્યપ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. પૂર્વ ગુજરાત, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને કોંકણ, ગોવામાં સામાન્ય વરસાદ પડ્યો છે.
IMDની 5 રાજ્યોને ચેતવણી
જમ્મુ-કાશ્મીર, પશ્ચિમી રાજસ્થાન અને પૂર્વ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમી મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, બિહાર, હરિયાણા, ઓડિશા અને ત્રિપુરામાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઓડિશા અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે.