માઈનસ 5 ડિગ્રી થયું કાશ્મીરનું તાપમાન, ઉત્તર ભારતમાં પણ હાડ થીજવતી ઠંડી, ધુમ્મસના કારણે દિલ્હી જતી 24 ટ્રેનો મોડી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઠંડા પવનોથી રાહત મળી શકે
લોકો ઠંડીથી રાહત મેળવવા બોનફાયરનો ઉપયોગ કરી રહ્યા છે
Today Weather Update : રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે તેમજ ગાઢ ધુમ્મસના કારણે દેશના વિવિધ ભાગોમાંથી દિલ્હી તરફ આવતી 24 ટ્રેનો મોડી ચાલી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઠંડા પવનોથી થોડી રાહત મળી શકે છે. આ ઉપરાતં હવામાન વિભાગે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન ઘટીને 6 ડિગ્રી થવાની શક્યતા છે જ્યારે મહત્તમ તાપમાન 17 ડિગ્રી સુધી રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી.
આખા દેશમાં સૌથી ખરાબ સ્થિતિ જમ્મુ કાશ્મીરની છે, જ્યાં તાપમાન શૂન્યથી 5 ડિગ્રી નીચે પહોંચ્યું છે. તેના કારણે ત્યાાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે.
વિઝિબલીટી ઓછી હોવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
રાજધાની દિલ્હી તેમજ NCRના ઘણા વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. ઉત્તર તરફથી આવતા બર્ફીલા પવનોને કારણે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતના બિહાર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગાઢ ધુમ્મસને કારણે વિઝિબલીટી ઓછી હોવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ દિલ્હી તરફ આવતી મોટા ભાગની ટ્રેનો મોડી ચાલી રહી છે. ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. લોકો ઠંડીથી બચવા માટે દિલ્હીના આનંદ વિહાર બસ સ્ટેન્ડ, કાશ્મીરી ગેટ અને જૂની દિલ્હી રેલવે સ્ટેશનની બહાર તપાણાં (Bonfire) કરતા જોવા મળી રહ્યા છે.
IMDની 5 રાજ્યોને ચેતવણી
જમ્મુ-કાશ્મીર, પશ્ચિમી રાજસ્થાન અને પૂર્વ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમી મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, બિહાર, હરિયાણા, ઓડિશા અને ત્રિપુરામાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઓડિશા અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે.