હવામાનમાં પલટાની આગાહી, 16 રાજ્યોમાં પડશે વરસાદ, હિમાચલ-પંજાબમાં શીત લહેર

મધ્યભારતના રાજ્યો માટે હવામાન વિભાગે પાંચ દિવસનું એલર્ટ જાહેર કર્યું : અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, ઓડિશામાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
હવામાનમાં પલટાની આગાહી, 16 રાજ્યોમાં પડશે વરસાદ, હિમાચલ-પંજાબમાં શીત લહેર 1 - image


Weather Update : ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી વિદાય લઈ રહી છે, મેદાની વિસ્તારોમાં તાપમાનમાં વૃદ્ધિ થઈ રહી છે. તો બીજીતરફ મધ્યભારતના હવામાનમાં પલટો થવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે મધ્યભારતના 16 રાજ્યો માટે હળવોથી અતિભારે વરસાદની જ્યારે બે રાજ્યોમાં શીત લહેરનું પણ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે 10 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી એટલે કે પાંચ દિવસ સુધી વરસાદની ચેતવણી જારી કરી છે. આઈએમડીના જણાવ્યા મુજબ પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરાખંડ, ઉત્તર રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાન 4-8 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે, જ્યારે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશમાં 8થી 12 ડિગ્રી નોંધાયું છે. 

કયા કયા રાજ્યોમાં પડશે વરસાદ?

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરૂણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કમીમાં 8 અને 9 ફેબ્રુઆરી, આસામ, મેઘાલયમાં 8, ઓડિશામાં 8, 11 અને 12મીએ હળવોથી મધ્યમ વરસાદ પડશે. જ્યારે મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં 10થી 14, મધ્ય મહારાષ્ટ્રમાં 10 અને 11, મરાઠાવાડામાં 9થી 11, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડમાં 12થી 14, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તારોમાં 13 અને 14 ફેબ્રુઆરીએ વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત 11મીએ મધ્યપ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા, છત્તીસગઢમાં તોફાનની ચેતવણી જારી કરાઈ છે.

હિમાચલ-પંજાબમાં શીત લહેરનું એલર્ટ

આ ઉપરાંત આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તારમાં 8 અને 9 ફેબ્રુઆરી, તમિલનાડુમાં 9 અને 10, તેલંગણામાં 10 અને 11, કેરળમાં 14 ફેબ્રુઆરીએ હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર ભારતના રાજ્યોમાં 25થી 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે કહ્યું કે, 8 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશ અને પંજાબમાં શીતલહેરની સ્થિતિ જોવા મળશે.


Google NewsGoogle News