બંગાળની ખાડીમાં વાવાઝોડાની આશંકા: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી, IMDનું ઍલર્ટ
IMD Rain Forecast : દેશમાં અનેક રાજ્યોમાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે, તો કેટલાક રાજ્યોમાં વરસાદ આફત બની ગયો છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે (IMD) ફરી કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આઈએમડીએ ગુજરાત, રાજસ્થાન, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે.
આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ
આગાહી મુજબ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે. આંધ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ વરસાદની સંભાવના છે અને 8થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું
બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે અને તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહ્યું છે. બંગાળના દક્ષિણી વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. પૂર્વ-પશ્ચિમ મિદાનપુર, દક્ષિણ-ઉત્તર 24 પરગણા, ઝારગ્રામ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને 8થી 10 ઓગસ્ટ દરમિયાન દરિયામાં ન જવા માટે ચેતવણી અપાઈ છે.
હિમાચલમાં પૂરની આશંકા
હિમાચલમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે. આઈએમડીએ કુલ્લુ, મંડી, શિમલા, સોલન અને સિરમૌરના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિઙાગે પૂરની પણ આશંકા વ્યક્ત કરી છે.
દિલ્હી પર હવામાન મહેરબાન
દિલ્હી પર હવામાન મહેરબાન થયું છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે દિલ્હીમાં વાદળો અને વરસાદની સ્થિતિ યથાવત્ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. દિલ્હીમાં વાદળછાયું આકાશ રહેવાની તેમજ હળવા ઝરમર વરસાદની સંભાવના શક્યતા છે, જેના કારણે લોકેને ભેજ અને ગરમીથી રાહત મળશે.
ગુજરાત, રાજસ્થાન સહિત આ રાજ્યોમાં પણ વરસાદની આગાહી
ખાનગી હવામાન એજન્સીની આગાહી મુજબ, ગુજરાત, ઝારખંડ, હરિયાણા, તેલંગાણા, મરાઠવાડા, કેરળ, કોસ્ટલ કર્ણાટક, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઓડિશા, ઉત્તર આંધ્ર પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે પશ્ચિમ હિમાલય, દિલ્હી, સૌરાષ્ટ્ર, પશ્ચિમ રાજસ્થાન અને કચ્છ, કર્ણાટક અને તમિલનાડુમાં હળવો વરસાદ પડી શકે છે.