ચોમાસાને લઈ ખુશખબર, નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, અંગ દઝાડતી ગરમીથી મળશે ટૂંક સમયમાં રાહત
Monsoon and Weather Update : કાળઝાળ ગરમી સામે ઝઝૂમતાં ઉત્તર ભારતને ટૂંક સમયમાં ગરમીથી રાહત મળી શકે છે. ગુરુવારથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધે તેવી શક્યતા છે. જેના કારણે ગરમીની તીવ્રતા ધીમી રીતે ઘટે તેવી શક્યતા છે. જોકે બુધવારે પણ તીવ્ર ગરમીની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગે આ માહિતી આપી હતી.
કયા કયા રાજ્યોને મળશે રાહત?
હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને બિહારના મોટાભાગના વિસ્તારોમાં ભલે લૂ ફૂંકાશે પણ ધીમે ધીમે ગરમીની તીવ્રતા ઘટી જશે. જ્યારે જમ્મુ-કાશ્મીર, ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ, ઉત્તર મધ્ય પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં લૂની તીવ્રતા એકદમ ઘટી જશે. જોકે બીજી બાજુ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં થોડા દિવસો સુધી રાત્રે પણ ગરમી અનુભવાતી રહેશે.
હવામાન વિભાગે શું કહ્યું
IMDની આગાહી અનુસાર ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારમાં બે દિવસ સુધી ગરમ અને ભેજવાળું હવામાન ચાલુ રહે તેવી શક્યતા છે. આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહી શકે છે.
રાજસ્થાનમાં ભારે ગરમીનો કેર યથાવત્
રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં આકરી ગરમી યથાવત છે. જયપુર સ્થિત હવામાન કેન્દ્ર અનુસાર, છેલ્લા 24 કલાકમાં પૂર્વ રાજસ્થાનમાં હળવો વરસાદ નોંધાયો હતો જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં હવામાન શુષ્ક રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન, બિકાનેર અને જયપુર વિભાગમાં કેટલાક સ્થળોએ ગરમીની લહેર જોવા મળી હતી.