ઉત્તર ભારતના વિસ્તારોમાં ક્યારે મળશે કાળઝાળ ગરમીથી રાહત, જુઓ હવામાન વિભાગનું અપડેટ

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
ઉત્તર ભારતના વિસ્તારોમાં ક્યારે મળશે કાળઝાળ ગરમીથી રાહત, જુઓ હવામાન વિભાગનું અપડેટ 1 - image


IMD Weather Forecast : દેશના ઘણા રાજ્યોના લોકો અસહ્ય ગરમી, હિટવેવનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે (IMD) કાળઝાળ ગરમીમાંથી રાહત આપતી આગાહી કરી છે. આઈએમડીના જણાવ્યા મુજબ, દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. કેટલાક ભાગોમાં વીજળીના ભારે કડાકાભડાકા સાથે પ્રતિ કલાક 30થી 40ની ઝડપે પવન ફુંકાવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે.

આ રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના

મધ્ય આસામ અને તેની આસપાસના વિસ્તારોમાં સાઈક્લોનિક સર્કુલેશનની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે આગામી સપ્તાહમાં ઉત્તર-પૂર્વીય રાજ્યો, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ પડી શકે છે. આ ભાગોના જુદા જુદા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પુર અને ભુસ્ખલનની ઘટનાઓ પણ બની શકે છે.

જળવિસ્તારથી ઘેરાયેલા રાજ્યોને IMDની ચેતવણી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ બિહાર પર સાઈક્લોનિક સર્કુલેશન સક્રિય થયું છે, જેના કારણે કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ સહિત જે ભાગો ત્રણ બાજુએ જળવિસ્તારથી ઘેરાયેલા છે, ત્યાં ભારે વરસાદ પડી શકે છે. આઈએમડીએ આ રાજ્યોને ચેતવણી આપી છે કે, સતત વરસાદના કારણે પાણી ભરાવાની સંભાવના હોવાથી તેઓ એલર્ટ પર રહે.

જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં સામાન્ય વરસાદની વકી

ઉત્તરીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાના કારણે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય વરસાદના કારણે આ ભાગોમાં રાહત મળી શકે છે. એકતરફ ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, તો બીજીતરફ કેટલાક ભાગોમાં અસહ્ય ગરમી વધવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

આ રાજ્યોમાં હિટવેવની આગાહી

આઈએમડીના જણાવ્યા મુજબ પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હિટવેવની અસર વર્તાઈ શકે છે.


Google NewsGoogle News