દિલ્હી-NCRમાં બે દિવસનું 'કોલ્ડ ડે' એલર્ટ, ગાઢ ધુમ્મસને કારણે રેલ-રોડ અને એર ટ્રાફિક પ્રભાવિત
દિલ્હી-NCRમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટીને 25 મીટર થઈ ગઈ
ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ગાઢ ધુમ્મસે જાણે કબજો કરી લીધો
Image : IANS |
Weather Update Today : ઉત્તર ભારત સહિત દિલ્હીમાં ગાઢ ધુમ્મસ (Dense fog)ને કારણે તાપમાનમાં ભારે ઘટાડો થતા સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થવાથી રેલ-રોડ અને એર ટ્રાફિક પ્રભાવિત થયો છે.
ઉત્તર ભારતમાં ધુમ્મસનો કબજો
ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ગાઢ ધુમ્મસે જાણે કબજો કરી લીધો હોય તેમ જનજીવન અસ્ત વ્યસત થઇ ગયું છે. ઉત્તર પ્રદેશમાં પણ કોલ્ડવેવની ચેતવણી ઉચ્ચારમાં આવી છે ત્યારે અત્યાર સુધીના અહેવાલ અનુસાર વંદે ભારત (vande bharat) સહિત 150થી વધુ ટ્રેનો 20 કલાક કરતાં પણ વધુ સમય સુધી મોડી ચાલી રહી છે અને અનેક ફ્લાઈટ્સને ડાયવર્ટ્સ કરવાની ફરજ પડી હતી. દિલ્હી-NCRમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટીને 25 મીટર થઈ ગઈ છે. દિલ્હીમાં ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નવા વર્ષની શરૂઆત ધુમ્મસ અને કડકડતી ઠંડી વચ્ચે થશે
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે દિવસના તાપમાનમાં ભારે ઘટાડો થયો છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પર્વતો પર હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી થોડા દિવસોમાં વધુ જોવા મળશે. આ કારણે તાપમાનમાં ઘટાડો થશે તેમજ દિલ્હીના ઘણા વિસ્તારોમાં 5 થી 11 જાન્યુઆરી વચ્ચે શીત લહેર (cold wave) શક્યતા છે. હવામાન વિભાગે (IMD) આગામી ત્રણ દિવસ માટે યલો તેમજ દિલ્હી-NCRમાં બે દિવસનું 'કોલ્ડ ડે' એલર્ટ જાહેર કર્યું છે ત્યારે નવા વર્ષની શરૂઆત ધુમ્મસ અને કડકડતી ઠંડી વચ્ચે થશે.