દેશમાં ઉત્તરથી-દક્ષિણ સુધી ભારે વરસાદની આગાહી, 20 રાજ્યોમાં એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ
Weather Update : હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાના કારણે તોશ નાળામાં અચાનક પૂર આવ્યું છે, જેના કારણે એક પુલ અને કેટલીક દુકાનો વહી ગઈ છે. જોકે આમાં કોઈપણ જાનહાની થવાના અહેવાલો સામે આવ્યા નથી. જ્યારે મણિપુર અને તમિલનાડુમાં મૂસળધાર વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં એક મહિલા અને તેના નવજાત પુત્ર સહિત પાંચ લોકોના મોત થયા છે. આકાશમાંથી વરસતા આફતના કારણે હજુ પણ રાહત જોવા મળી રહી છે, ત્યારે હવામાન વિભાગે 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
IMDનું 20 રાજ્યોમાં એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ અને મધ્યથી લઈને પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના 20 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોનાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ એલર્ટ આગામી ચારથી પાંચ દિવસ સુધી અપાયું છે.
આ પણ વાંચો : વાયનાડમાં ભૂસ્ખલને વિનાશ વેર્યો, મૃત્યુઆંક વધીને 143 થયો, રાજ્યમાં બે દિવસનો શોક
કુલ્લુમાં વાદળ ફાટ્યું, તોશ વિસ્તારમાં ભારે તબાહી
કુલ્લુના ડેપ્યુટી કમિશનર તોરુલ એસ.રવીશે કહ્યું કે, મંગળવારે સવારે વાદળ ફાટવાના કારણે મણિકરણના તોશ વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ છે. સૂચના મળતા જ અમે તુરંત તે સ્થળોએ રેસ્ક્યુ ટીમ મોકલી બચાવ કામગીરી શરૂ કરાવી છે. આ ઉપરાંત અહીં સ્થિતિનું પણ આંકલન કરવામાં આવી રહ્યું છે. તેમણે લોકોને નદીઓ અને તળાવોથી દૂર રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત નદી અને તળાવોની આસપાસ રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની પણ અપીલ કરવામાં આવી છે.
મણિપુર અને તમિલનાડુમાં ભૂસ્ખલન, પાંચના મોત
મણિપુરના તામેંગલાંગ જિલ્લામાં એક ગામમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં એક મહિલા અને તેના નવજાત બાળકનું મોત થયું છે. ભૂસ્ખલનમાં ઘણા મકાનો પણ વહી ગયા છે, જેના એક જવાન ઈજાગ્રસ્ત થયો છે, જેની સ્થિતિ ગંભીર છે. છેલ્લા એક દિવસમાં રાજ્યના જુદાં જુદાં વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. તમિલનાડુના કોયંબતુર જિલ્લામાં ભારે વરસાદ પડતા ભૂસ્ખલનની જુદી જુદી ઘટનાઓ બની છે, જેમાં ત્રણ લોકોના મોત થયા છે. સોમવારે રાત્રે બનેલી ભૂસ્ખલનની ઘટનામાં ઘણા લોકો ઘર નીચે દબાયા હોવાની માહિતી મળ્યા બાદ તુરંત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં મંગળવારે કાટમાળ નીચેથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
આ રાજ્યો માટે એલર્ટ
હવામાન વિભાગો મધ્ય મહારાષ્ટ્રમાં એક થી ત્રણ ઓગસ્ટ, કોસ્ટલ કર્ણાટકમાં 31 જુલાઈથી એક ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. કોંકણ અને ગોવામાં 30 જુલાઈથી ત્રણ ઓગસ્ટ સુધી, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં એકથી ત્રણ ઓગસ્ટ, ઉત્તરાખંડમાં 30 જુલાઈથી એક ઓગસ્ટ સુધી, જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં 31 જુલાઈથી એક ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ઝારખંડમાં વીજળી પડતા સાતના મોત
ઝારખંડમાં મંગળારે વીજળી પડવાના કારણે બે બાળકો સહિત સાત લોકોના મોત થયા છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, રાંચી જિલ્લામાં ચાર અને ચતારા જિલ્લામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈજાગ્રસ્તોને રાંચની રાજેન્દ્ર ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે.