સરકારે 22 ગેરકાયદે એપ-વેબસાઈટ પર લગાવ્યો પ્રતિબંધ, મહાદેવ એપ મામલે IT મંત્રીએ CM બધેલ પર સાધ્યું નિશાન

IT રાજ્ય મંત્રીએ કહ્યું કે, CM ભૂપેશ બધેલ સરકારને વેબસાઈટ-એપ બંધ કરાવવા ભલામણ કરવાની સત્તા તેમ છતાં વિનંતી ન કરી

મહાદેવ એપ સામે બધેલ સરકારે નહીં પણ માત્ર EDએ વિનંતી કરતા કેન્દ્રએ પ્રતિબંધ લગાવવાની કાર્યવાહી કરી : રાજીવ ચંદ્રશેખર

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
સરકારે 22 ગેરકાયદે એપ-વેબસાઈટ પર લગાવ્યો પ્રતિબંધ, મહાદેવ એપ મામલે IT મંત્રીએ CM બધેલ પર સાધ્યું નિશાન 1 - image

નવી દિલ્હી, તા.05 નવેમ્બર-2023, રવિવાર

કેન્દ્ર સરકારે આજે સટ્ટાબાજી એપ (Betting App) અને વેબસાઈટ પર સકંજો કસી મોટી કાર્યવાહી કરી છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે દેશમાં 22 ગેરકાયદેસર એપ અને વેબસાઈટ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો છે. આ મામલે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw)ના મંત્રાલયે આદેશ બહાર પાડ્યો છે, જે મુજબ ગેરકાયદેસર સટ્ટાબાજી માટેની મોબાઈલ એપ અને વેબસાઈટોને બ્લોક કરવામાં આવશે.

આ એપ્સ અને વેબસાઈટ લદાશે પ્રતિબંધ ?

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના નિવેદન મુજબ મહાદેવ બુક અને રેડ્ડીઅન્નાપ્રિસ્ટોપ્રો સહિત 22 ગેરકાયદેસર સટ્ટેબાજી એપ અને વેબસાઈટને બ્લોક કરવાનો આદેશ અપાયો છે. ઉલ્લેખનિય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગેરકાયદેસર સટ્ટાબાજી એપ સિન્ડિકેટ અને છત્તીસગઢ (Chhattisgarh)માં મહાદેવ બુક (Mahadev Book) પર દરોડા પાડ્યા બાદ 22 એપ્સ પર સકંજો કસાયો છે.

‘બધેલ સરકારે કાર્યવાહી માટે કોઈ ભલામણ ન કરી’

કેન્દ્ર સરકારના નિવેદન મુજબ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે (Rajeev Chandrasekhar) કહ્યું કે, છત્તીસગઢ સરકાર પાસે IT એક્ટની કલમ 69A મુજબ વેબસાઈટ-એપ બંધ કરાવવાની ભલામણ કરવા માટે સંપૂર્ણ સત્તા હતી, તેમ છતાં તેમણે આવું ન કર્યું. ભૂપેશ બધેલ (CM Bhupesh Baghel) સરકારે ગેરકાયદેસર સટ્ટેબાજી એપ પર પ્રતિબંધ લગાવવા માટે કેન્દ્ર સરકારને કોઈપણ ભલામણ ન કરી.

છત્તીસગઢ સરકારે એપ બંધ કરાવવા અપીલ ન કરી

રાજીવ ચંદ્રશેખરના જણાવ્યા મુજબ, છત્તીસગઢ સરકારનો દાવો છે કે, છેલ્લા દોઢ વર્ષથી મહાદેવ એપ (Mahadev App) કેસમાં તપાસ ચાલી રહી છે. જોકે ઈડીએ પ્રથમ અને એકમાત્ર વિનંતી કર્યા બાદ કેન્દ્ર સરકારે આ બાબતને ધ્યાનમાં લીધી અને પ્રતિબંધ લગાવવાની કાર્યવાહી કરી છે. છત્તીસગઢ સરકારને આવી વિનંતી કરવા માટે કોઈએ રોક્યા ન હતા.

છત્તીસગઢમાં EDની કાર્યવાહી બાદ ગેરકાયદે કામગીરીનો પર્દાફાશ

ઉલ્લેખનિય છે કે, ઈડીએ દાવો કર્યો છે કે, મહાદેવ એપના પ્રમોટર્સે સટ્ટાબાજી મામલે છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલને 508 કરોડ રૂપિયા આપ્યા છે. ઈડીના દરોડા બાદ મહાદેવ એપના ગેરકાયદે કામગીરીનો પર્દાફાશ થયો હતો.


Google NewsGoogle News