ગેરકાયદે બાંગ્લાદેશીઓની ખેર નહીં; મુંબઈમાં બનાવાશે ડિટેન્શન સેન્ટર, પુણેમાં બનશે જેલ, CM ફડણવીસની જાહેરાત
Maharashtra Legislative Assembly : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓ અંગે વિધાનસભામાં મોટી જાહેરાત કરી છે. તેમણે જેલ સિસ્ટમ સુધારવા માટેના પસાર કરાયેલા વિધેયક પર જવાબ આપતા કહ્યું કે, મુંબઈમાં એક ડિટેન્શન સેન્ટર બનાવાશે, જેમાં ગેરકાયદે ઘૂસણખોરી કરીને રાજ્યમાં પ્રવેશેલા બાંગ્લાદેશીઓને રખાશે. આ માટે મુંબઈ બીએમસી પાસે જમીન માંગવામાં આવી છે. તેમણે કહ્યું કે, તે લોકો વિદેશી નાગરિક હોવાના કારણે તેમને જેલમાં ન રાખી શકાય. આ જ કારણે તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે.
મુંબઈમાં બનાવાશે ડિટેન્શન સેન્ટર
તેમણે કહ્યું કે, ‘આપણે તાજેતરમાં જોયું છે કે, ડ્રગ્સનો કેસ, ગેરકાયદે પ્રવેશનો કેસ અને ગેરકાયદે બાંગ્લાદેશીઓ, તેઓ તમામ વિદેશી નાગરિકો છે, તેથી તેમને સીધા જ જેલમાં ધકેલાય. તેમણે ડિટેન્શન કેમ્પમાં રાખવા જોઈએ. બીએમસીએ અમને ડિટેન્શન કેમ્પ બનાવવા માટે જમીન આપી છે, પરંતુ તે જમીન ડિટેન્શન કેમ્પના માપદંડો અનુરૂપ નથી. તેથી અમે બીએમસી પાસે બીજી જમીન માંગી છે.
મહારાષ્ટ્ર પ્રિઝન એન્ડ કરેક્શનલ સર્વિસ એક્ટ-2024 પસાર કરાયું
મહારાષ્ટ્ર જેલ અને સુધારક સેવા અધિનિયમ-2024 મહારાષ્ટ્ર વિધાનસભામાં ધ્વનિ મતથી પસાર કરાયું હતું. આ બિલ પરની ચર્ચાનો જવાબ આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આ બિલ કેન્દ્ર દ્વારા રાજ્યોને મોકલવામાં આવેલા મોડલ જેલ બિલ-2023 પર આધારિત છે.
પુણેમાં બનાવાશે બે માળની જેલ
તેમણે વધુમાં કહ્યું કે, મુંબઈમાં ઉચ્ચ સુરક્ષા સાથેની જેલ તેમજ ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવશે. જ્યારે પુણેમાં એક જેલ બનાવાશે. આ જેલ બે માળની હશે. મુખ્યમંત્રીએ સ્વિકાર કર્યો છે કે, રાજ્યમાં જામીન મેળનારા 1600થી વધુ આરોપીઓ પાસે જામીન ચૂકવવા માટે નાણાં નથી, તેથી તેઓ જેલમાં છે. આ નવા વિધેયકમાં ખુલ્લી જેલ, વિશેષ જેલ, અસ્થાયી જેલ અને મહિલાઓ માટે ખુલ્લી વસાહત જેવી જેલો માટેની જોગવાઈઓ છે.
આ પણ વાંચો : જાહેરમાં ટિપ્પણી કરતાં પહેલા ચેતજો: વિવાદિત પોસ્ટ મામલે બાંગ્લાદેશ પર ભડક્યું ભારત