આઇઆઇટી, એરપોર્ટ ક્ષમતામાં વધારો મખાના બોર્ડ : બિહારને કેન્દ્રની ભેટ
- નારાજ નિતિશની કેટલીક માગો પર અંતે ધ્યાન અપાયું
- પાંચ આઇઆઇટીમાં 6500 સીટો વધારાશે તેમાં પટનાનો પણ સમાવેશ, બ્રાઉનફીલ્ડ-ગ્રીનફીલ્ડ એરપોર્ટની જાહેરાત
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા સામાન્ય બજેટમાં બિહારને લઇને પણ અનેક જાહેરાતો કરાઇ છે. જેમાં એરપોર્ટ, મખાના બોર્ડ, ફ્રૂડ પ્રોસેસિંગ ઇન્સ્ટિટયૂટ, પટના આઇઆઇટીનો વિસ્તાર વધારવા વગેરેનો સમાવેશ થાય છે. કેન્દ્રની એનડીએ સરકારમાં નિતિશ કુમારનો જદ(યુ) ટેકો આપી રહ્યો છે, ઘણા સમયથી બિહારને રાહત માટે નિતિશ પર દબાણ હતું, એવામાં કેન્દ્ર સરકારે તેમની તેમજ બિહારના લોકોની ઇચ્છાને આ બજેટમાં ધ્યાનમાં રાખી છે.
નાણા મંત્રી નિર્મલા સિતારણ જ્યારે બજેટ રજુ કરવા આવ્યા ત્યારે તેમના પોશાક પર પણ સૌની નજર હતી, તેમણે પદ્મશ્રીથી સન્માનિત હસ્તકલા નિષ્ણાત દુલારી દેવી દ્વારા ગુંથેલી સાડી પહેરી હતી, એટલુ જ નહીં આ સાડીમાં મધુબની પેઇન્ટિંગની જલક પણ જોવા મળી હતી. જે બાદ નિર્મલાએ બિહાર માટે પણ પટારો ખોલ્યો હતો. તેમણે બિહારમાં મખાનાની ખેતી કરી રહેલા ખેડૂતો માટે મખાના બોર્ડ બનાવવાની જાહેરાત કરી હતી. મખાના બોર્ડના ગઠનથી બિહારના ખેડૂતોને તેની ખેતી કરવામાં મદદ મળશે.
આ સાથે જ નાણા મંત્રીએ બિહારના એરપોર્ટનો વિસ્તાર વધારવા પર પણ ધ્યાન આપ્યું હતું, તેમણે જાહેરાત કરી હતી કે ઉડાન સ્કીમ હેઠળ દેશના ૧૨૦ નવા સ્થળોને એર કનેક્ટિવિટી સાથે જોડવામાં આવશે. બિહારમાં વિમાની સેવાઓના વિસ્તાર માટે ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે. પટના એરપોર્ટની ક્ષમતા વધારાશે. આ ઉપરાંત બિહટામાં બ્રાઉનફીલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે. જદ(યુ) સરકારે બિહારમાં એરપોર્ટની માગ કરી હતી. બિહારમાં શિક્ષણના ક્ષેત્રમાં મોટી જાહેરાત કરાઇ છે. નાણા મંત્રીએ કહ્યું હતું કે બિહારમાં આઇઆઇટી પટનાની ક્ષમતા વધારવામાં આવશે. દેશમાં પાંચ આઇઆઇટીમાં ૬૫૦૦ વિદ્યાર્થીની સંખ્યા વધારાશે જેમાં આઇઆઇટી પટનાનો પણ સમાવેશ કરાયો છે. છેલ્લા કેટલાક સમયથી એનડીએને ટેકો આપનારા નિતિશ કુમાર કેન્દ્ર સરકાર અને ભાજપથી નારાજ હોવાના અહેવાલો સામે આવ્યા હતા, એવામાં બજેટમાં બિહાર માટે જાહેરાતો કરીને તેમને શાંત કરવાનો પ્રયાસ પણ થઇ રહ્યો હોવાની ચર્ચા છે.