Get The App

દેપસાંગ-ડેમચોકથી ભારત-ચીને સૈનિકોને પાછા બોલાવવાનું શરૂ કર્યું

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
દેપસાંગ-ડેમચોકથી ભારત-ચીને સૈનિકોને પાછા બોલાવવાનું શરૂ કર્યું 1 - image


- પૂર્વીય લદ્દાખમાં ચાર વર્ષ પછી સરહદે પેટ્રોલિંગ અને ઢોર ચરાવવાની મંજૂરી મળશે

- ડેમચોકમાં 10 થી 12 અસ્થાયી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હટાવાયા જ્યારે દેપસાંગમાં ચીને સૈન્ય વાહનો, ભારતે સૈનિકો ઓછા કર્યા

- જમીની અને હવાઈ સર્વેક્ષણ મારફત બંને સૈન્યના જવાનો પાછા હઠયા હોવા અંગે ખરાઈ કરાશે

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે પૂર્વીય લદ્દાખમાં એલએસી પર છેલ્લા ચાર વર્ષથી ચાલતી તણાવ હવે ધીમે ધીમે ખતમ થવા લાગ્યો છે અને સ્થિતિ સામાન્ય બની રહી છે. બે દિવસ પહેલા જ રશિયાના કઝાનમાં પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે બ્રિક્સ શિખર મંત્રણા વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આ પહેલાં ભારત-ચીન વચ્ચે દેપસાંગ અને ડેમચોકમાંથી સૈનિકોને પાછા બોલાવવા અને પેટ્રોલિંગ શરૂ કરવા મુદ્દે કરાર થયા હતા. આ કરારનું પાલન કરતાં શુક્રવારે પૂર્વીય લદ્દાખમાં આ બંને વિસ્તારોમાં ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી, જે ૨૯ ઑક્ટોબરને મંગળવાર સુધી ચાલે તેવી શક્યતા છે.

ભારત અને ચીન વચ્ચે બ્રિક્સ શિખર મંત્રણા પહેલાં થયેલા કરાર મુજબ બંને દેશોએ દેપસાંગ અને ડેમચોકમાં ડિસએન્ગેજમેન્ટ પ્રક્રિયા એટલે કે આમને-સામને ગોઠવાયેલા સૈનિકોને પાછા બોલાવવાનું શરૂ કરી દીધું છે. આ બંને વિસ્તારોમાં મંગળવારે ૨૯ ઑક્ટોબર સુધીમાં આ પ્રક્રિયા પૂરી થઈ જશે. દેપસાંગ અને ડેમચોકમાં સ્થાનિક કમાન્ડર ડિસગએન્ગેજમેન્ટ પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે. ડેમચોકમાં બંને સૈન્યોએ તેમના અસ્થાયી પાંચ-પાંચ ટેન્ટ હટાવી લીધા છે. વધુમાં ખરાઈ માટે સંયુક્ત પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ખરાઈ જમીન અને હવાઈ સર્વેક્ષણ બંનેના માધ્યમથી કરવામાં આવશે. જોકે, હાલમાં બંને પક્ષો વચ્ચે પરસ્પર વિશ્વાસના આધારે આગળ વધવામાં આવશે.

દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર જમીની સ્થિતિ જાળવી રાખવા માટે વ્યાપક સહમતી બની છે. તેમાં પારંપરિક ક્ષેત્રોમાં પેટ્રોલિંગ અને ભરવાડોને પશુ ચરાવવાની મંજૂરી આપવાનો પણ સમાવેશ થાય છે. 

ભારતીય સૈન્યના સૂત્રોએ જણાવ્યું કે, ડેમચોકમાં ભારતીય જવાનો ચાર્ડિંગ નાળાના પશ્ચિમી ભાગ તરફ પાછા ફરી રહ્યા છે તો ચીનના સૈનિકો નાળાના પૂર્વીય ભાગ તરફ પીછેહઠ કરી રહ્યા છે. બંને તરફ અંદાજે ૧૦થી ૧૨ અસ્થાયી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અંદાજે ૧૨ તંબુ બનાવાયેલા હતા, જેને હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.

દેપસાંગમાં ચીનના સૈન્ય પાસે ટેન્ટ નથી, પરંતુ તેમણે ગાડીઓ વચ્ચે તાડપત્રીનો ઉપયોગ કરીને અસ્થાયી આશ્રય સ્થળ બનાવ્યા હતા. દેપસાંગમાં અડધું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હટાવી લેવાયું છે. ચીની સેનાએ તેના વિસ્તારમાં વાહનોની સંખ્યા ઘટાડી દીધી છે અને ભારતીય સૈન્યે પણ તેના સૈનિકો ઓછા કર્યા છે. ચીને પણ પુષ્ટી કરી છે કે ભારત-ચીન સરહદ પર તણાવ ઓછો થયા પછી લદ્દાખમાં સૈનિકોનું પાછા હઠવાનું શરૂ થઈ ગયું છે.

ભારતીય સૈન્યના સૂત્રોના જણાવ્યા મુજબ આ મહિનાના અંત સુધીમાં ડેમચોક અને દેપસાંગમાં પેટ્રોલિંગ ફરીથી શરૂ થઈ જશે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણથી બચવા માટે સમન્વિત રીતે પેટ્રોલિંગ કરાશે. ૨૮-૨૯ ઑક્ટોબર સુધીમાં ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા પૂરી થઈ જશે. વધુમાં સૂત્રોએ ઉમેર્યું કે, નવી સમજૂતી માત્ર દેપસાંગ અને ડેમચોક માટે લાગુ થશે. અન્ય સ્થળો માટે નહીં. આ સમજૂતી પેંગોંગ સરોવરના કિનારા સહિત બફર ઝોન માટે લાગુ નહીં થાય. બંને પક્ષોના સૈનિકો એપ્રિલ ૨૦૨૦ પહેલાની સ્થિતિમાં પાછા આવી જશે અને તેઓ એ ક્ષેત્રોમાં પેટ્રોલિંગ કરશે જ્યાં તેઓ એપ્રિલ ૨૦૨૦ સુધી પેટ્રોલિંગ કરતા હતા.

લદ્દાખથી અરૂણાચલ સુધીની સરહદ પર હજુ વિવાદ યથાવત્

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે એપ્રિલ-મે ૨૦૨૦થી શરૂ થયેલો તણાવ આંશિક રીતે ઓછો થઈ ગયો છે. દેપસાંગ અને ડેમચોકમાં બંને દેશના સૈનિકોને પાછા બોલાવવાની પ્રક્રિયા શુક્રવારથી શરૂ થઈ ગઈ છે. જોકે, લદ્દાખથી અરૂણાચલ સુધી સરહદનો વિવાદ હજુ યથવાત્ રહ્યો છે.

ભારત અને ચીન વચ્ચે ૩,૪૮૮ કિ.મી. લાંબી સરહદ છે, જેને દુનિયાની સૌથી લાંબી વિવાદાસ્પદ સરહદ કહેવાય છે. ચીન અરૂણાચલમાં ૯૦,૦૦૦ ચો. કિ.મી. જમીન પર દાવો કરે છે અને તેને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવે છે. એ જ રીતે બે માર્ચ ૧૯૬૩ના રોજ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરની ૫,૧૮૦ ચો. કિ.મી. જમીન ચીનને આપી દીધી હતી જ્યારે લદ્દાખના ૩૮,૦૦૦ ચો. કિ.મી. વિસ્તાર પર ચીને અગાઉથી જ ગેરકાયદે કબજો કરેલો છે. આમ, ચીન સાથે કુલ ૪૩,૧૮૦ ચો. કિ.મી. જમીન પર હજુ પણ વિવાદ યથાવત્ છે.

પૂર્વીય લદ્દાખમાં પેંગોંગ સરોવર વિસ્તારમાં એપ્રિલ-મે ૨૦૨૦ અને જૂન ૨૦૨૦માં ગલવાન હિંસા પછી ભારત અને ચીનના સંબંધો તણાવપૂર્ણ થઈ ગયા હતા, જેને પગલે આ વિસ્તારોમાં પેટ્રોલિંગ બંધ થઈ ગયું હતું. જોકે, ભારત અને ચીન વચ્ચે વર્ષ ૨૦૨૦ પછી અનેક તબક્કાની વાટાઘાટો પછી ગલવાન ખીણ, પેંગોંગ ત્સો સરોવર અને ગોગરા હોટ સ્પ્રિંગથી બંને દેશના સૈન્ય પાછા હટાવવા સહમતી થઈ હતી. જોકે, દેપસાંગ અને ડેમચોકમાં સૈનિકો તૈનાત રહેવાથી બંને દેશ વચ્ચે ઘર્ષણનું જોખમ હતું. પરંતુ હવે દેપસાંગ અને ડેમચોકમાંથી પણ સૈનિકો પાછા હટાવાઈ રહ્યા છે અને પેટ્રોલિંગ માટે પણ સહમતી થતા સરહદ પર શાંતિ રહેશે.


Google NewsGoogle News