હરિત ક્રાંતિ લાવશે IFFCO: દેશમાં 201 ‘નેનો મોડલ વિલેજ’ બનાવશે

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
હરિત ક્રાંતિ લાવશે IFFCO: દેશમાં 201 ‘નેનો મોડલ વિલેજ’ બનાવશે 1 - image


ભારતમાં એકતરફ પ્રદૂષણનું સ્તર દિવસે ને દિવસે વધી રહ્યું છે. તાપમાન અને ગરમી બેકાબૂ બની રહ્યાં છે. વરસાદ યોગ્ય ન પડતા ખાધાન્ન જરૂર મુજબ પેદા નથી થઈ રહ્યું. વધુ અનાજ ઉગાડવા માટે કેમિકલયુકત ખાતરનો બહોળો વપરાશ થઈ રહ્યો છે. જનતા ખાઈ રહેલ અન્ન પણ પેસ્ટિસાઈડ-કેમિકલ મિશ્રિત હોય છે. ખેતી પ્રધાન દેશમાં ખેતીની આ પ્રણાલી રોકવા માટે નેનો ખાતર પર સરકાર વધુ ફોકસ કરી રહી છે.

ખાતર બનાવતી દેશની અગ્રણી સંસ્થા પણ સરકારના હરિત ક્રાંતિના આ પ્રયાસોમાં સહભાગી બનવા જઈ રહી છે. IFFCO આગામી ખરીફ સિઝનમાં 201 'નેનો મોડલ વિલેજ' વિકસાવવા જઈ રહી છે. આ મોટી યોજના માટે અંદાજે રૂ. 80 કરોડ ખર્ચવાનું આયોજન પણ ઈફક્કો કરી રહી છે. દિગ્ગજ સહકારી સંસ્થા દ્વારા આ પ્રકારનો પ્રથમ પ્રયાસ છે.

IFFCO આ મોડેલ ગામો અથવા ક્લસ્ટરોના ખેડૂતોને નેનો યુરિયા અથવા DAP જેવા નેનો ઉત્પાદનો અપનાવવા પ્રોત્સાહિત કરશે. સૂત્રોએ જણાવ્યું કે આ પહેલ હેઠળ 21 રાજ્યોમાં 201 નેનો મોડલ ગામો અથવા ક્લસ્ટરોની ઓળખ કરવામાં આવી છે.

આ કાર્યક્રમ લગભગ 8,00,000 લાખ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ હશે. આવા 201 નેનો ગામો માટે સંયોજકોની નિમણૂક કરવામાં આવી છે. આ સંયોજકો આ ગામોમાં બેન્ચમાર્ક સર્વે કરશે અને ડ્રોન દ્વારા IFFCO નેનો કેમિકલ છાંટવામાં મદદ કરશે અને દેશ સમક્ષ રોલમોડલ બનવા માટે 'નેનો વિલેજ' ઉભા કરશે.


Google NewsGoogle News