જાતિ-ધર્મના નામે ઉશ્કેરશો તો આકરા પગલા લઇશું : પક્ષોને પંચની ચેતવણી
- ભાષણ, જાહેરાત, સોશિયલ મીડિયા પોસ્ટમાં શિષ્ટાચાર જાળવવો : ચૂંટણી કમિશનર
- આચાર સંહિતાનો ભંગ કરનારાને આ વખતે અમે માત્ર સુચના આપીને છોડી નહીં મુકીએ, કાર્યવાહી થશે : રાજીવ કુમાર
નવી દિલ્હી : ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જે સાથે જ સમગ્ર દેશમાં આચાર સંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે. રાજકીય પક્ષો, તમામ નેતાઓએ આ આચાર સંહિતાનું પાલન કરવાનું રહેશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે વિવિધ પક્ષોને અપીલ કરી હતી કે તેઓ આ આચાર સંહિતાનુ યોગ્ય રીતે પાલન કરે અને પ્રચાર દરમિયાન શિષ્ટાચારને અપનાવે.
લોકસભાની ૫૪૩ બેઠકો માટે સાત તબક્કામાં ૧૯મી એપ્રીલથી શરૂ થશે જેમાં શરૂઆતના તબક્કામાં ૧૦૨ બેઠકોને આવરી લેવામાં આવશે. જ્યારે ૪ જુનના રોજ મતગણતરી કરવામાં આવશે. તારીખોની જાહેરાત કરતી વેળાએ મુખ્ય ચૂંટણી કમિશનરે આચાર સંહિતાના પાલનની પણ અપીલ કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે હું તમામને વિનંતી કરુ છું કે વ્યક્તિગત હુમલા અને અયોગ્ય ભાષાથી દૂર રહેવામાં આવે. એકબીજાની દુશ્મનાવટમાં આપણી જે રેખા છે તેને ઓળંગવી ના જોઇએ.
મુખ્ય ચૂંટણી કમિશનરે રાજકીય પક્ષોને અપીલ કરી હતી કે કોઇએ પણ ઉશ્કેરણીજનક ભાષણો, શબ્દો કે વાક્યનો પ્રયોગ ના કરવો જોઇએ. ધર્મ કે જાતિના નામે પણ કોઇને ઉશ્કેરવા ના જોઇએ. કોઇના અંગત જીવન પર પ્રહારો ના કરવા જોઇએ.
જાહેરાતો કે સોશિયલ મીડિયા પોસ્ટ દરમિયાન પણ શિષ્ટાચારનું પાલન કરવામાં આવે. અગાઉ અમે મૌખીક સુચના આપતા હતા પણ હવે અમે આકરા પગલા લઇશું. મોડલ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે આચાર સંહિતાનો હેતુ પારદર્શી, શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવાનો છે. જો કોઇ તેનો ભંગ કરે તો તેવી સ્થિતિમાં તેની સામે પગલા લેવા માટે ચૂંટણી કમિશન સ્વતંત્ર છે.