Get The App

'તમે ચૂંટણી હારો તો ઈવીએમ સાથે ચેડાં અને જીતો તો...' બેલેટ પેપરથી મતદાન પર સુપ્રીમ કોર્ટની ફટકાર

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
EVM Machine


Supreme Court On EVM: સુપ્રીમ કોર્ટે મંગળવારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનના બદલે બેલેટ પેપર મારફત ચૂંટણી કરાવવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. તેમજ ફટકાર લગાવી હતી કે, ‘જ્યારે તમે ચૂંટણી હારી જાઓ છો, ત્યારે ઈવીએમ સાથે ચેડાં થઈ જાય છે. અને જીતો તો કોઈ ફરિયાદ કરતા નથી.’

ખ્રિસ્તી ધર્મના પ્રચારક તથા પોતાને રાજકીય વિશ્લેષક ગણાવતાં કે એ પોલ દ્વારા કરવામાં આવેલી અરજીમાં લોકતંત્રની રક્ષા માટે ફરીથી બેલેટ પેપર મારફત ચૂંટણી કરવાની જરૂરિયાત દર્શાવાઈ હતી. અરજદારે કહ્યું કે, 'આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પણ દાવો કર્યો હતો કે, ઈવીએમને હેક કરી શકાય છે. ઈલોન મસ્કે પણ ઈવીએમ હેક થતું હોવાનો દાવો કર્યો હતો.'

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજી ફગાવતાં કહ્યું કે, 'જ્યારે ચંદ્રબાબુ નાયડુ કે રેડ્ડી હારી જાય છે, તો તેઓ ઈવીએમ સાથે ચેડાં થયા હોવાનો દાવો કરે છે, પરંતુ જ્યારે જીતે છે, ત્યારે કંઈ કહેતા નથી. અમે આવું બેવડું વલણ કેવી રીતે ચલાવી લઈએ? આ અરજીને અમે રદ કરીએ છીએ.' જસ્ટિસ નાથે જણાવ્યું કે, 'આ એ સ્થળ નથી કે, જ્યાં તમે વિવાદ કરી શકો.'

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી ભારતના નાગરિક કે બ્રિટનના? હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ઝડપથી નિર્ણય લેવા કર્યા આદેશ

ચૂંટણી પંચને કડક વલણ અપનાવવા માગ

અરજીમાં બેલેટ પેપરથી મતદાન કરવા ઉપરાંત અનેક દિશા-નિર્દેશોની માગ કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી પંચને કડક વલણ અપનાવવા માગ કરાઈ છે. જો કોઈ ઉમેદવાર ચૂંટણી દરમિયાન મતદાતાઓને પૈસા, દારૂ કે અન્ય ભૌતિક સાધનોની લાંચ આપતો ઝડપાય તો તેને ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી અયોગ્ય જાહેર કરવામાં આવે.

અરજદારે કેવો દાવો કર્યો?

અરજદાર કે. એ. પોલે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, 'આ એક PIL છે. હું એવા સંગઠનનો અધ્યક્ષ છું કે, જે 3 લાખથી વધુ અનાથો અને 40 લાખ વિધવાઓની મદદ કરે છે. બેન્ચે આ મુદ્દે ફટકાર લગાવ્યો કે, 'તો તમે રાજકારણમાં કેમ ઉતર્યા છો? તમારું કાર્યક્ષેત્ર તદ્દન અલગ છે.'

પોલ દ્વારા બીજી દલીલ કરવામાં આવી કે, 'તે 150થી વધુ દેશોમાં પ્રવાસ કરી ચૂક્યો છે, જ્યાં બેલેટ પેપરથી મતદાન થાય છે. ભારતે પણ તેનું અનુસરણ કરવું જોઈએ. દેશના 32 ટકા શિક્ષિત લોકો મતદાન કરતા નથી, તે આપણા દેશની વિડંબના દર્શાવે છે.'તો બેન્ચે સામો સવાલ કર્યો કે, કેમ તમે વિશ્વ કરતાં અલગ દેખાવા માગતા નથી.

'તમે ચૂંટણી હારો તો ઈવીએમ સાથે ચેડાં અને જીતો તો...' બેલેટ પેપરથી મતદાન પર સુપ્રીમ કોર્ટની ફટકાર 2 - image


Google NewsGoogle News