‘મેડિકલ માફિયાઓને અમારાથી તકલીફ’, સુપ્રીમ કોર્ટની પતંજલિને ચેતવણી બાદ બાબા રામદેવનો જવાબ
સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ રામદેવે કહ્યું, પતંજલિએ ક્યારેય ખોટો પ્રચાર કર્યો નથી
અમારી દવાઓ સંશોધન પર આધારિત, મેડિકલ માફિયાઓનો અમારી સામે પ્રોપગેન્ડા : રામદેવ
નવી દિલ્હી, તા.22 નવેમ્બર-2023, બુધવાર
ભારતની સર્વોચ્ચ અદાલતે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ પ્રોડક્ટ પર કડક ફટકાર લગાવી છે અને કડકાઈ સાથે કહ્યું હતું કે, તેઓ ભ્રામક જાહેરાતો બંધ કરે. ત્યારે આ મામલે યોગગુરુ અને પતંજલિના સ્થાપક બાબા રામદેવે જવાબ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની ટીપ્પણી બાદ રામદેવે કહ્યું કે, પતંજલિએ ક્યારેય ખોટો પ્રચાર કર્યો નથી. અમારી દવાઓ સંશોધન પર આધારિત છે. રામદેવે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, મેડિકલ માફિયાઓ અમારા વિરુદ્ધ પ્રોપગેંડા ચલાવી રહ્યા છે.
‘મારી પાછળ મેડિકલ માફિયાઓ પડ્યા’
બાબા રામદેવે કહ્યું કે, પતંજલિ વિરુદ્ધ 5 વર્ષથી પ્રોપેગેંડા ચલાવાઈ રહ્યો છે. અમને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. મારી પાછળ મેડિકલ માફિયાઓ પડ્યા છે. તેમણે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ. અમે ખોટા વચનો આપતા નથી.
સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદને આપી હતી ચેતવણી
ઉલ્લેખનિય છે કે, પતંજલિ દ્વારા ભ્રામક જાહેરાતો તેમજ એલોપેથીક અંગે બાબા રામદેવના વિવાદાસ્પદ નિવેદન મામલે ગઈકાલે (મંગળવાર) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) આધુનિક દવાઓ અને રસીકરણ મામલે પતંજલિ આયુર્વેદ (Patanjali Ayurved)ની જાહેરાતો પર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે પતંજલિને કહ્યું કે, તેઓ કોઈપણ ભ્રામક જાહેરાત કે ખોટો દાવો ન કરે. કોર્ટે પતંજલિને ચેતવણી આપતા કહ્યું હતું કે, મોટો દંડ ફટકારવામાં આવશે. પતંજલિને ચેતવણી આપવાની સાથે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર (Central Government)નો પણ ઉલ્લેખ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ભ્રામક મેડિકલ જાહેરાતો (Medical Advertising)નો નિવેડો લાવવા કેન્દ્ર સરકારને પ્રસ્તાવ રજુ કરવા કહ્યું છે.
રામદેવે પિટિશનમાં ફોજદારી FIRથી રક્ષણ આપવા માંગ કરી
સુપ્રીમ કોર્ટે યોગગુરુ અને પતંજલિના સંસ્થાપક બાબા રામદેવ (Baba Ramdev)ની રિટ પિટિશન પર સુનાવણી હાથ ધરી હતી. બાબા રામદેવે કોરોનાકાળ દરમિયાન એલોપેથિક ઉપચાર (Allopathic Treatment) વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના કારણે ઘણા રાજ્યોમાં તેમની સામે કેસ નોંધાયો, ત્યારે આ મામલે બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી ફોજદારી એફઆઈઆરથી રક્ષણની માંગ કરી હતી.
સુપ્રીમે કેન્દ્ર, IMA, બિહાર-છત્તીસગઢ સરકારોને પણ પાઠવી નોટિસ
બાબા રામદેવ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ દવેએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી કે, તેમની ટિપ્પણીઓ ભારતીય દંડ સંહિતા (IPC) અથવા અન્ય કોઈપણ એક્ટ હેઠળના કોઈપણ ગુનાને પાત્ર નથી. રામદેવે બીજા જ દિવસે નિવેદન પરત ખેચી લીધું હતું. ન્યાયાધીશ એ.એસ.બોપન્ના અને ન્યાયાધીશ એમએમ સુંદરેશની બેંચે પતંજલિને ચેતવણી આપવાની સાથે કેન્દ્ર સરકાર, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (Indian Medical Association-IMA), બિહાર (Bihar) અને છત્તીસગઢ (Chhattisgarh) સરકારોને નોટિસ પાઠવી કેસ મામલે પ્રતિક્રિયા માંગી છે.
તમામ FIR ક્લબ કરી દિલ્હીમાં ટ્રાન્સફર કરવા પિટિશનમાં માંગ
રામદેવની પિટિશનમાં એવી પણ માંગ કરાઈ છે કે, તેમના વિરુદ્ધની તમામ FIR ક્લબ કરવામાં આવે અને તેને દિલ્હી (Delhi)માં ટ્રાન્સફર કરવામાં આવે. તેમણે તેમની સામે દાખલ અનેક કેસોની કાર્યવાહી પર રોક લગાવવા અને દંડાત્મક કાર્યવાહીથી રક્ષણ આપવા પણ માંગ કરી છે.
શું હતો વિવાદ ?
ઉલ્લેખનિય છે કે, રામદેવે Covid-19 મહામારી દરમિયાન એક મોટો વિવાદ ઉભો કર્યો હતો. આ દરમિયાન તેમનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે દાવો કર્યો હતો કે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) દ્વારા મંજૂર કરાયેલ રેમડેસિવિર અને ફૈબિફ્લૂ (Remdesivir and Fabiflu Drug) જેવી દવાઓ કોરોના દર્દીઓની સારવારમાં નિષ્ફળ ગઈ છે. રામદેવ એલોપેથીક ઉપચાર વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી એક વીડિયોમાં કહ્યું હતું કે, મેડિકલ ઓક્સીજન અને પથારીની અછત કરતા એલોપેથિક દવાઓના કારણે સૌથી વધુ લોકોના મોત થયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ડૉક્ટરો રોષે ભરાયા હતા. IMAએ રામદેવને કાનૂની નોટિસ પાઠવી હતી. ત્યારબાદ રામપુર અને પટણાની આઈએમએ શાખાઓએ તેમના વિરુદ્ધ FIR નોંધાઈ હતી.