Get The App

જાતિ આધારીત વસતી ગણતરી થાય તો મુસ્લિમોનો પણ સમાવેશ થઇ શકે છે

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
જાતિ આધારીત વસતી ગણતરી થાય તો મુસ્લિમોનો પણ સમાવેશ થઇ શકે છે 1 - image


- મુસ્લિમોની જાતિઓ અંગે વિપક્ષ ચુપ કેમ છે તેવો મોદીએ સવાલ ઉઠાવ્યો હતો

- 2021માં કોરોના મહામારીને કારણે ન થઇ શકનારી વસતી ગણતરી 2025માં કરવામાં આવે તેવી શક્યતા

- અગાઉ આસામમાં રાજ્ય સરકારે મુસ્લિમોની જાતિ આધારીત વસતી ગણતરી કરાવીને આંકડા મેળવ્યા હતા

નવી દિલ્હી : જો જાતિ આધારીત વસતી ગણતરી કરવામાં આવશે તો હિન્દુઓની સાથે મુસ્લિમોની જાતિઓની પણ ગણતરી કરવામાં આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિને જ મહારાષ્ટ્રમાં એક રેલીને સંબોધતા કહ્યું હતું કે મુસ્લિમોની જાતિઓની વસતી ગણતરી મુદ્દે વિપક્ષ કેમ ચુપ છે. આ નિવેદનને મુસ્લિમોની જાતિઓની વસતી ગણતરી કરવામાં આવી શકે તે રીતે પણ જોવામાં આવી રહ્યું છે.  

એવી શક્યતાઓ છે કે કોરોના મહામારીને કારણે ૨૦૨૧માં વસતી ગણતરી નહોતી થઇ શકી જે હવે વર્ષ ૨૦૨૫માં કરાવવામાં આવી શકે છે. વિપક્ષ અને એનડીએના સાથી પક્ષો પણ જાતિ આધારીત વસતી ગણતરીની તરફેણમાં છે. આ સ્થિતિ વચ્ચે જો જાતિ આધારીત વસતી ગણતરી કરવામાં આવે તો તેમાં હિન્દુઓની સાથે મુસ્લિમોની જાતિની વસતી ગણતરી પણ કરવામાં આવી શકે છે. જોકે કેન્દ્ર સરકારે જાતિ આધારીત વસતી ગણતરી કરાવવા મુદ્દે કોઇ નિર્ણય નથી લીધો. 

પરંતુ વિપક્ષ તરફથી જાતિ આધારીત વસતી ગણતરીની માગને લઇને દબાણ વધી રહ્યું છે તેથી કેન્દ્ર સરકાર આ અંગે વિચારી  શકે છે.  ભારતમાં રહેતા મુસ્લિમ સમાજમાં પણ પેટા જાતિઓ રહેલી છે. આસામમાં રાજ્ય સરકાર દ્વારા મુસ્લિમોની જાતિ આધારીત વસતી ગણતરી કરાવવામાં આવી હતી. ઓબીસી અનામતમાં પણ કેટલાક મુસ્લિમોનો સમાવેશ થાય છે. તેથી જાતિ આધારીત વસતી ગણતરીમાં મુસ્લિમોની જાતિઓ આવરી લેવાશે તેની પુરી શક્યતાઓ છે. વિપક્ષની દલીલ છે કે જાતિ આધારીત વસતી ગણતરીના આંકડા મેળવ્યા બાદ આ આંકડાના આધારે સામાજિક અને અન્ય રીતે વંચિત લોકો માટે સરકાર વિવિધ સહાયક યોજનાઓ ઘડી શકશે. અથવા તેમને મદદરૂપ થાય તેવા પગલા લઇ શકશે.   


Google NewsGoogle News