ભારતમાં ત્રણ ડિગ્રી તાપમાન વધશે તો હિમાલય 90 ટકા સુકાઈ જશે
- બ્રિટિશ યુનિવર્સિટીના સંશોધકોનો રિપોર્ટ ક્લાઈમેટ જર્નલમાં પ્રસિદ્ધ થયો
- સરેરાશ તાપમાન દોઢ ડિગ્રી વધશે તો દેશની 21 ટકા ખેતીની જમીન બિનઉપજાઉ બનશે : નદીઓમાં પાણીનો અડધો જથ્થો ઘટી જવાનું જોખમ
નવી દિલ્હી : બ્રિટનની ઈસ્ટ આંગલિયા યુનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કરેલો અહેવાલ ક્લાઈમેટ ચેન્જ જનરલમાં પ્રસિદ્ધ થયો હતો. એમાં ભારતને ચેતવણી આપવામાં આવી છે કે હવે દેશનું સરેરાશ તાપમાન દોઢથી ત્રણ ડિગ્રી સુધી વધશે તો ભયાનક સ્થિતિ સર્જાશે. પાણીની ગંભીર અછત સર્જાશે અને ભૂખમરાની સ્થિતિ સર્જાશે. ખેતરો સૂકાભઠ્ઠ થઈ જશે. ભારતમાં ઝડપભેર તાપમાન વધી રહ્યું છે. જો હવે સરેરાશ તાપમાન દોઢ ડિગ્રી જેટલું વધશે તો દેશનો અડધો અડધ પાણીનો જથ્થો સૂકાઈ જશે. ૨૧ ટકા ખેતીની જમીન બિનઉપજાઉ બની જશે. એમાંય જો ભારતના સરેરાશ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થશે તો વિનાશ વેરાશે. સૌથી વધુ અસર હિમાલયન રેન્જને થશે. ૯૦ ટકા હિમાલય સૂકાઈ જશે. નદીઓ સૂકાઈ જશે. ખેતરો બંજર બની જશે. જંગલો બળીને ખાક થઈ જશે. કમૌસમી વરસાદનું પ્રમાણ વધશે.
ભારે પૂરની સ્થિતિ વારંવાર સર્જાશે. તો વળી અત્યારે સરેરાશ ૩૦ વર્ષે જે દૂકાળ આવે છે એ વર્ષોવર્ષ આવવા માંડશે. અહેવાલ પ્રમાણે ૮૦ ટકા ભારતીયો હીટ સ્ટ્રેસનો સામનો કરે છે. જો આ સ્થિતિ રોકવી હશે તો પેરિસ કરાર પ્રમાણે તાપમાનને સરેરાશ દોઢ ડિગ્રી નીચું લાવવાના પ્રયાસો સત્વરે શરૂ કરવા પડશે. ભારત, ચીન, બ્રાઝિલ, ગ્રીસ, ઈથિયોપિયા અને ઘાનાને કેન્દ્રમાં રાખીને યુનિવર્સિટીના સંશોધકોએ આ અહેવાલ તૈયાર કર્યો હતો. વધતા તાપમાનથી આ દેશોમાં બાયોડાઈવર્સિટી ઘટી જશે.
તેની સીધી અસર આખીય ઈકોસિસ્ટમ પર પડશે. આ રિસર્ચનું નેતૃત્વ કરનારા યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. રેશેલ વારેને જણાવ્યું હતું કે ત્રણ ડિગ્રી તો દૂરની વાત છે, જો દોઢ ડિગ્રી સુધી પણ વધારો થશે તો ભારતમાં બહુ મોટી આડઅસર થશે.
ખેતીની મોટાભાગની જમીન બિનઉપજાઉ બનશે ને વળી કરોડો લોકો ભૂખમરાનો શિકાર બનશે.