Get The App

અડધી ડિગ્રી તાપમાન વધશે તો અમેરિકા જેવડો પ્રદેશ માનવ વસવાટ લાયક નહીં રહે

Updated: Feb 17th, 2025


Google News
Google News
અડધી ડિગ્રી તાપમાન વધશે તો અમેરિકા જેવડો પ્રદેશ માનવ વસવાટ લાયક નહીં રહે 1 - image


ઔદ્યોગિક યુગ પૂર્વેના સરેરાશ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો ઘાતક બનશે

૨૧મી સદીની ઘાતક ગરમીની ત્રણ મોટી ઘટનાઓમાં  કુલ બે લાખ કરતાં વધારે લોકોનાં મોત નોંધાયા છે   

નવી દિલ્હી: જળવાયુપરિવર્તનને કારણે આખી દુનિયામાં હવામાનમાં અચાનક પલટો સામાન્ય બની ગયો છે. એક અભ્યાસ અનુસાર તાપમાનમાં માત્ર અડધી ડિગ્રીનો વધારો થાય તો પણ પૃથ્વીનો મોટો હિસ્સો એટલો ગરમ બની જશે કે તે માણસોના વસવાટને લાયક રહેશે નહીં. આ અભ્યાસ નેચર રિવ્યુઝ અર્થ એન્ડ એન્વાર્યનમેન્ટમાં પ્રકાશિત થયો છે. 

વિજ્ઞાાનીઓના  આંતરરાષ્ટ્રીય ગુ્રપના જણાવ્યા અનુસાર ઔદ્યોગિક યુગ પૂર્વેના પૃથ્વીના સરેરાશ તાપમાનમાં અડધી ડિગ્રીનો પણ વધારો થાય તો પૃથ્વીની જમીન એટલી બધી ગરમ થઇ જશે કે ૧૮થી ૬૦ વર્ષના તંદુરસ્ત માણસો માટે પણ તે ખૂબ ગરમ હવામાન બની રહેશે. ઔદ્યોગિક યુગ પૂર્વેના પૃથ્વીના સરેરાશ તાપમાનમાં માત્ર બે ડિગ્રીનો વધારો થશે તો પણ  ગ્લોબલ વોર્મિંગના કારણે આ જીવી ન શકાય તેવો વિસ્તાર લગભગ યુએસ જેટલો થઇ જશે. 

૨૦૨૪માં તાપમાનના તમામ વિક્રમો તુટી ગયા હતા. ૨૦૨૪માં દુનિયાનું તાપમાન ઔદ્યોગિક યુગ પૂર્વેના પૃથ્વીના સરેરાશ તાપમાન કરતાં ૧.૫ ડિગ્રી વધારે રહ્યું હતું.

આ અભ્યાસના મુખ્ય સંશોધક ડો.ટોમ મેથ્યુએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક યુગ પૂર્વેના પૃથ્વીના સરેરાશ તાપમાનમા જો ૪ ડિગ્રીનો વધારો થાય તો તેની આરોગ્ય પર અતિઘાતક અસરો પડી શકે છે.

સહારા આફ્રિકા અને દક્ષિણ એશિયામાં લોકોને અત્યંત ગરમ હવામાનનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે. છ કલાકમાં શરીરનું તાપમાન ૪૨ ડિગ્રી સેન્ટીગ્રેડનો આંક વટાવી જાય તો આ ગરમીમાં અસ્તિત્વ ટકી શકે નહીં. 

સંશોધકોની ટીમે નોંધ્યું હતું કે ૨૧મી સદીની ત્રણ ઘાતક ગરમીની ઘટનાઓમાં  કુલ બે લાખ લોકો કરતાં પણ વધારે લોકોના મોત થયા હતા. જેમાં ૨૦૦૩માં યુરોપમાં ૭૨,૦૦૦ જણાંના, ૨૦૨૨માં સમગ્ર યુરોપમાં ૬૨,૦૦૦ જણાંના અને ૨૦૧૦માં રશિયામાં આવેલાં હીટવેવમાં ૫૬,૦૦૦ જણાંના મોત થયા હતા.


Tags :
If-the-temperature-rises-by-half-a-degreeRegions-like-America-will-no-longerBe-habitable-for-humans

Google News
Google News