મહારાષ્ટ્રમાં MVA જીતે તો કોણ બનશે મુખ્યમંત્રી? વિપક્ષના 'ચાણક્ય' એ કરી ચોખવટ, ઉદ્ધવને આશા!
Maharastra Election 2024 | મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી(MVA) હોય કે મહાયુતિ (NDA) ગઠબંધન બંનેના ઘટક પક્ષો વચ્ચે લડાઈ સામાન્ય છે. મુખ્યમંત્રી પદ માટે તમામ પક્ષો દાવો ઠોકી રહ્યા છે. શાસક પક્ષ મહાયુતિના ગઠબંધનમાં આ લડાઈ ભાજપ અને શિંદેની સેના વચ્ચે છે. જ્યારે NCP અજિત પવારને સીએમ બનાવવા માગે છે. આ દરમિયાન MVA માં ઉદ્ધવની સેના, કોંગ્રેસ અને શરદની એનસીપી એમ ત્રણેય પક્ષો સીએમ પદ માટે દાવો કરી રહ્યા છે. આ સૌની વચ્ચે શરદ પવારનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ગઠબંધનમાં ચૂંટણી લડ્યા બાદ જે પક્ષ સૌથી વધુ બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ બનીને ઉભરી આવશે તે મુખ્યમંત્રી પદ માટે દાવો કરી શકશે.
વિપક્ષના ચાણક્યએ કોયડો ઉકેલ્યો!
તાજેતરમાં શરદ પવારે સ્પષ્ટતા કરી હતી કે ગઠબંધનમાં મુખ્યમંત્રી પદના કોઈ ચોક્કસ ઉમેદવારને રજૂ કરવાનો કોઈ નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી. તેમ છતાં ગઠબંધનમાં જે સૌથી મોટા પક્ષ તરીકે જીતીને સરકાર બનાવવાની સ્થિતિમાં આવશે તે પોતે સીએમ તરીકે દાવો કરી શકશે. હાલમાં તેના માટે કોઈ નિશ્ચિત ફોર્મ્યુલા નથી, પરંતુ સામાન્ય રીતે આ મુખ્યમંત્રી પદને લઈને સમજૂતી થઇ ચૂકી છે.
શરદે આ વાત પર ભાર મૂક્યો
શરદ પવારે સૌથી પહેલા ગઠબંધનને સત્તામાં લાવવા પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે યોગ્ય સમયે સીએમનો ચહેરો પણ જાહેર કરી દઈશું. તેમણે અગાઉ ઉદ્ધવને સીએમ તરીકે જાહેર કરવાનો વિરોધ કર્યો હતો અને કોંગ્રેસે ટેકો પણ આપ્યો હતો. ઉદ્ધવની પાર્ટી શિવસેનાએ ગઠબંધન તરફથી સારી એવી પ્રતિક્રિયા ન મળતાં ઉદ્ધવને સીએમનો ચહેરો બનાવવાની માગ પાછી ખેંચી હતી.
કોંગ્રેસ શું ઈચ્છે છે?
શરદ પવારના નિવેદનને ફરી દોહરાવતાં મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે પણ કહી ચૂક્યા છે કે "અમે મુખ્યમંત્રી પદને લઈને કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. ચૂંટણી પછી MVA જો બહુમતી મેળવશે તો ગઠબંધનના ટોચના નેતાઓ બેઠક કરશે અને સીએમના ઉમેદવાર અંગે નિર્ણય લેશે.