મુસ્લિમ સમાજને શિક્ષણની જરૂર, IAS-IPS બનશે તો સમાજનું ભલું થશે: નીતિન ગડકરી
Nitin Gadkari : પોતાની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતા મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, 'હું જાહેર ચર્ચામાં જાતિ અને ધર્મને ક્યારેય લાવતો નથી. કારણ કે મારૂ માનવું છે કે લોકો સમાજ સેવાને બીજી કોઈ પણ વસ્તુ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ માને છે. જે કોઈ જાતિ વિશે વાત કરશે, હું તેને લાત મારીશ. ગડકરીએ કહ્યું કે મને ચૂંટણી હારી જવા કે મંત્રી પદ ગુમાવવાની કોઈ ચિંતા નથી અને એ જ દિશામાં વિચારતાં મેં મારું કામ ચાલુ રાખ્યું છે.'
નનમુડા સંસ્થાના દીક્ષાંત સમારોહમાં દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, 'હું ક્યારેય આ બાબતો (જાતિ/ધર્મ) પર ભેદભાવ કરતા નથી. હું રાજનીતિમાં છું અને અહીં ઘણું બધું કહેવામાં આવે છે. પરંતુ મેં નક્કી કર્યું છે કે હું મારી રીતે જ કામ કરીશ અને મને કોણ મત આપશે કે નહીં આપે તે અંગે નહીં વિચારું. મારા મિત્રોએ પણ મને કહ્યું હતું કે મારે આવી વાતો ન બોલવી જોઈએ , પરંતુ મેં મારા જીવનમાં આ સિદ્ધાંત જ અપનાવવાનું નક્કી કર્યું છે. ભલે પછી હું ચૂંટણી હારી જાઉં કે મને કોઈ મંત્રી પદ ન મળે, મને એનાથી કોઈ ફેેર પડવાનો નથી.'
આ પણ વાંચો: અમેરિકામાં ભયાનક વાવાઝોડું, 130 KMની ઝડપે પવન ફૂંકાયો, 16ના મોત, 10 કરોડ લોકોને અસર
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, 'જો મુસ્લિમ સમુદાયમાંથી વધુને વધુ એન્જિનિયરો, IPS અને IAS અધિકારીઓ બનશે, તો બધા માટે વિકાસ થશે. આપણી પાસે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામનું ઉદાહરણ છે. આજે હજારો વિદ્યાર્થીઓ અંજુમન-એ-ઇસ્લામના બેનર હેઠળ એન્જિનિયર બની રહ્યા છે. જો તેમને ભણવાની તક ન મળી હોત તો કંઈ થયું ન હોત. આ શિક્ષણની તાકાત છે. તે જીવન અને સમુદાયોને બદલી શકે છે.'