‘...તો જપ્ત કરેલી સંપત્તિ પરત કરાશે’ મની લોન્ડ્રિંગ મામલે હાઈકોર્ટનો મોટો નિર્ણય
ઈડી દ્વારા મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ BPSLની જપ્ત કરાયેલી સંપત્તિના કેસ મામલે દિલ્હી હાઈકોર્ટનો મોટો નિર્ણય
કોર્ટ કહ્યું, 365 દિવસથી વધુ સમયગાળા બાદ જપ્ત કરેલી સંપત્તિ રાખવી બંધારણની કલમ-300Aનું ઉલ્લંઘન કહેવાશે
Delhi High Court Money Laundering Case : મની લોન્ડ્રિંગ મામલે ઈડીએ જપ્ત કરેલી સંપત્તિના કેસમાં દિલ્હી હાઈકોર્ટે આજે શુક્રવારે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ વિરુદ્ધ ચાલી રહેલી તપાસમાં એક વર્ષમાં આરોપ સાબિત ન થાય તો, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તે વ્યક્તિની સંપત્તિ પરત કરવી પડશે. હાઈકોર્ટે નિર્ણય સંભળાવ્યો છે કે, ‘જો મની લોન્ડરિંગ નિવારણ એક્ટ-2022 (PMLA) હેઠળ કોઈપણ કાર્યવાહીમાં 365થી વધુ દિવસો સુધી ચાલી રહે, તો જપ્ત કરેલી સંપત્તિ સંબંધિત વ્યક્તિને પરત કરી દેવી જોઈએ.’
‘...તો જપ્ત કરેલી સંપત્તિ પરત કરાશે’
ન્યાયાધીશ નવીન ચાવલાએ કહ્યું કે, ‘ઉપરોક્ત ઉલ્લેખિત સમયગાળા બાદ જપ્ત કરેલી સંપત્તિ રાખવી બંધારણની કલમ-300Aનું ઉલ્લંઘન કહેવાશે. ઈડીએ દલીલ કરી કે, પીએમએલએની કલમ 8(3)(A) 365 દિવસ બાદ પરિણામની જોગવાઈ કરતી નથી, તેથી સંપત્તિના પરત આપવાની કોઈ સૂચના આપી શકાતી નથી, તેથી તે જપ્ત કરાઈ. તો કોર્ટે કહ્યું કે, સ્પષ્ટ પરિણામ જપ્ત કરાયેલી સંપત્તિ મામલે એક ચૂક છે અને સંપત્તિ પરત કરી દેવી જોઈએ.’
BPSLના મની લોન્ડ્રિંગ કેસમાં હાઈકોર્ટનો નિર્ણય
વાસ્તવમાં ઈડીએ મની લોન્ડ્રિંગ મામલે વર્ષ 2020માં ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ (BPSL) વિરુદ્ધ કાર્યવાહી કરી મહેન્દ્ર કુમાર ખંડેલવાલના ઠેકાણાઓ પરથી દસ્તાવેજો, રેકોર્ડ્સ, ડિજિટલ સાધનો અને ઝવેરાત કબજે કર્યા હતા. ઈડીએ સીબીઆઈની એફઆઈઆરના આધારે બીપીએસએલ વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો, જેમાં ખંડેલવાલનું નામ ન હતું. ત્યારે આ મામલે બીપીએસએલ દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. ખંડેલવાલે કોઈપણ ફરિયાદ વગર 365થી વધુ દિવસ સુધી જપ્ત કરાયેલી વસ્તુઓ પરત કરવાની માંગ કરી, પરંતુ ઈડીએ ઈન્કાર કરી દીધો હતો. હવે આ મામલે દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, જપ્ત કરેલી વસ્તુઓ પરત કરવામાં આવે.