'આજે ભગવાન રામ હોત તો ભાજપે એમના ત્યાં પણ ઈડી મોકલી હોત..' CM કેજરીવાલે તાક્યું નિશાન
કેજરીવાલે કહ્યું કે આજે બજેટ પર ચર્ચા થઇ રહી છે એટલે મને મનીષ સિસોદિયાની યાદ આવી રહી છે
image : IANS |
Arvind Kejriwal Attack on BJP | દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. તેમાં સસ્પેન્શન પાછું ખેંચાયા બાદ ભાજપના તમામ સાત ધારાસભ્યો હાજર રહ્યા હતા. જોકે પછીથી તેઓ વૉકઆઉટ કરી ગયા હતા. મુખ્યમંત્રી કેજરીવાલે આ દરમિયાન ગૃહને સંબોધતાં ભાજપને જોરદાર રીતે લપેટ્યો હતો. કેજરીવાલે કહ્યું કે આજે બજેટ પર ચર્ચા થઇ રહી છે એટલે મને મનીષ સિસોદિયાની યાદ આવી રહી છે. તેમણે આ દરમિયાન ભાજપ સામે જોરદાર પ્રહાર કર્યા હતા.
ભાજપ વિશે શું બોલ્યા કેજરીવાલ
તેમણે કહ્યું કે 2014માં કેન્દ્રમાં ભાજપને લોકોએ પૂર્ણ બહુમતની સરકાર આપી અને 2015માં દિલ્હીમાં અમારી પાર્ટીને પૂર્ણ બહુમતની સરકાર મળી. પણ કેન્દ્રની ભાજપ સરકારે વિનાશનું મૉડલ આપ્યું જ્યારે અમે વિકાસનું મૉડલ આપ્યું. અમે વિકાસના કામો કરીએ છીએ તો ભાજપવાળા સરકાર પાડવા પાછળ જ પડ્યાં રહે છે. તેઓ જીતી નથી શકતા એટલે સરકાર પાડવા પાછળ જ ધ્યાન આપે છે.
લોકતંત્ર અને ભગવાન રામનો કર્યો ઉલ્લેખ
તેમણે કહ્યું કે ભાજપવાળા લોકતંત્રને ખતમ કરવા માગે છે. આજે જો ભગવાન રામ હોત તો તેમને ત્યાં પણ ભાજપે ઈડી દ્વારા દરોડા પડાવ્યા હોત. મનીષ સિસોદિયા, સંજય સિંહને જેલમાં ધકેલી દીધા અને મને પણ નાખી દેશે. મને જેલમાં ધકેલ્યાં બાદ તેઓ સૌથી પહેલા મફત વીજળી બંધ કરશે. મને એટલી નોટિસો મોકલી છે કે જાણે હું કોઈ આતંકી છું. 8 સમન્સ મોકલ્યા છે અને 9મો પણ ઓન ધ વે છે. તે જેટલી નોટિસ મોકલશે અમે એટલી જ શાળાઓ બનાવીશું.