કેજરીવાલની ધરપકડ થાય તો તે જેલમાંથી દિલ્હીની સરકાર ચલાવશે
- વિધાનસભ્યોએ બેઠકમાં સીએમને ટેકો આપ્યો
- કેજરીવાલની ધરપકડ થાય તો કોર્ટમાં જઇ જેલમાંથી કામ કરવાની મંજૂરી મેળવવામાં આવશે
નવી દિલ્હી : દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની કહેવાતા એક્સાઇઝ નીતિ કૌભાંડમાં ધરપકડ થાય તો પણ તેમને જેલમાંથી સરકાર ચલાવવા પક્ષના વિધાનસભ્યોએ એક બેઠક યોજી વિનંતી કરી હોવાનું આપના પ્રધાન સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું.
પ્રધાન અતિશિએ જણાવ્યું હતું કે જો કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે તો અદાલતમાં જઇ તેઓ જેલમાંથી તેમની કામગીરી કરી શકે તેની મંજૂરી મેળવવામાં આવશે. ઇડીના તપાસ અધિકારીઓએ ગયા અઠવાડિયે આ મામલે કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા પણ કેજરીવાલ આ સમન્સને રાજકીય પ્રેરિત ગણાવી તેને ટાળ્યા હતા. મુખ્ય પ્રધાને આપના વિધાનસભ્યોની બેઠક બોલાવી હતી.
આ બેઠક બાદ દિલ્હીના પ્રધાન સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે બેઠકમાં હાજર રહેલાં તમામ વિધાનસભ્યોએ જણાવ્યું હતું કે જો તેમની ધરપકડ થાય તો પણ તેમણે મુખ્ય પ્રધાન તરીકે કામ ચાલુ રાખવું કેમ કે દિલ્હીની પ્રજાએ તેમને સરકાર ચલાવવાનો મત આપ્યો છે. તમામ વિધાનસભ્યોનો મત હતો કે ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલથી ગભરાયેલાં છેે. ભાજપ જાણે છે કે ચૂંટણીઓ દ્વારા કેજરીવાલને સત્તાસ્થાનેથી હટાવવા શકય નથી. તેમને સત્તામાંથી હટાવવા માટે કાવતરૂ જ ઘડવું પડે. ભારદ્વાજે જણાવ્યું હતું કે સરકારી અધિકારીઓ સરકારના કામકાજ માટે બેઠક યોજવા જેલમાં જશે અને જો અમને બોલાવવામાં આવશે તો અમે પણ જેલમાં જવા રાજી છીએ.
ભારદ્વાજે જણાવ્યું હતું કે હાલની સ્થિતિ જોતાં અમે પણ ટૂંક સમયમાં જ જેલમાં હોઇશું. અતિશિને જેલ નંબર ટુમાં અને મને જેલ નંબર વનમાં રાખવામાં આવશે તો અમારે જેલમાં જકેબિનેટ મિટિંગ યોજવાનો વારો આવશે. અમે દિલ્હીના લોકોના કામ કોઇ રીતે ન રખડે તે જોઇશું. પ્રધાન અતિશિએ જણાવ્યું હતું કે જો કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે તો અમે અદાલતમાં જઇ જેલમાંથી તેમને કામ કરવા દેવાની મંજૂરી માંગીશું. ગયા અઠવાડિયે ઇડીએ પ્રધાન રાજ કુમાર આનંદના ઘરે દરોડો પાડયો હતો. આ પૂર્વે આ કેસમાં આપના સાંસદ સંજયસિંહની તથા મનિષ સિસોદિયાની પણ ધરપકડ કરવામાં આવેલી છે.