ભારતનો ખરેખર વિકાસ થયો હોત તો ટ્રમ્પે શપથમાં પોતે જ વડાપ્રધાનને આમંત્રણ આપ્યું હોત : રાહુલ ગાંધી
- મહારાષ્ટ્રના ચૂંટણી સમયે એક જ બિલ્ડીંગમાં સાત હજાર મતદારો વધી ગયા
- પીએમ મોદીએ વિદેશમંત્રીને ત્રણ-ચાર વખત અમેરિકા દોડાવવા ના પડયો હોત
સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ અંગેના આભાર પ્રસ્તાવ પર વાત કરતી વખતે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચીન, બેરોજગારી સહિતના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદીને ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહમાં આમંત્રણ અપાવવા માટે વિદેશ મંત્રી એસ. જયશંકરને અમેરિકા મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જો આપણી સ્થિતિ મજબૂત હોત તો અમેરિકાના પ્રમુખ સામે ચાલીને ભારત આવીને વડાપ્રધાનને આમંત્રણ આપત. ચીન મુદ્દે વાત કરતા રાહુલે કહ્યું હતું કે ચીન આર્થિક મોરચે આપણા કરતા ૧૦ વર્ષ આગળ છે, મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ નિષ્ફળ ગયો, આજે પણ દેશ ચીનની વસ્તુઓ પર નિર્ભર છે જે ખતરનાક સાબિત થઇ શકે છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દાવો કરી રહ્યા છે કે આપણા દેશની સરહદમાં ચીન નથી ઘૂસ્યું, જ્યારે બીજી તરફ સૈન્ય ચીન મુદ્દે વાત કરી રહ્યું છે. આપણા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસએ કહ્યું હતું કે ચીન આપણી સરહદની અંદર છે. ચીન આપણા દેશમાં એટલા માટે ઘૂસી આવ્યું છે કેમ કે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે. મને ચિંતા છે કે ક્યાંક આ ક્રાંતિ ક્યાંક ચીનને ના સોંપી દેવામાં આવે. નોકરી ઉત્પાદનથી આવે છે, મેક ઇન ઇન્ડિયા આ મુદ્દે નિષ્ફળ રહ્યું છે. આપણી પાસે ઉર્જા અને મોબિલિટી ક્ષેત્રે ક્રાંતિની તક છે, રિન્યૂએબલ એનર્જી, બેટરી, ઇલેક્ટ્રિક મોટર્સ, એઆઇ તમામને જોડીને ભારત ક્રાંતિના ક્ષેત્રમાં મુખ્ય ભૂમિકામાં આવી શકે છે. ચીન આપણાથી ૧૦ વર્ષ આગળ છે, જો યોગ્ય લક્ષ્ય હોય તો આપણે ચીનને પાછળ રાખી શકીએ.
રાહુલે ફરી ચીનની વસ્તુઓનો મુદ્દો છેડયો હતો, તેમણે કહ્યું હતું કે જ્યાં યુદ્ધ બે સૈન્ય વચ્ચે નહીં પણ ઔદ્યોગિક સિસ્ટમ્સ વચ્ચે લડાતુ હોય ત્યાં આપણે ચીનની વસ્તુઓ પર નિર્ભર છીએ, ચીનની મોટર્સ અને બેટરી પર નિર્ભર છીએ જે ખતરા સમાન છે. રાહુલે અમેરિકા મુદ્દે પણ વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે જો આપણી પાસે ઉત્પાદન ક્ષમતા સારી હોત તો ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ આપણા વડાપ્રધાનને પોતાના શપથમાં આમંત્રણ આપવા આવવુ પડયું હોત, આપણે પીએમને આમંત્રણ મળે તે માટે વિદેશ મંત્રીને અમેરિકા ના મોકલવા પડયા હોત.
રાહુલે કેન્દ્ર સરકારના મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને નિષ્ફળ ગણાવ્યો હતો સાથે જ કહ્યું હતું કે ચીનની વસ્તુઓ પર નિર્ભર રહેવુ દેશ માટે ખતરા સમાન છે. બીજી તરફ રાહુલ ગાંધીના ટ્રમ્પ અંગેના આમંત્રણના આરોપોનો જવાબ આપતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના નેતાઓના શપથ ગ્રહણના કાર્યક્રમમાં નથી જતા, ભારત આવા કાર્યક્રમમોમાં પ્રતિનિધિઓને જ મોકલતુ આવ્યું છે. રાહુલ ગાંધી જુઠ બોલી રહ્યા છે, તેઓ ભારતનું વિદેશમાં અપમાન કરી રહ્યા છે. હું માત્ર અમેરિકાના મંત્રીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને મળવા માટે ગયો હતો.